Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. બે દિવસ પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. અહીંના અરવલ્લી, બનાસકાંઠા અને સાબકાંઠા જિલ્લામાં પાંચ ઇંચથી લઇને 12 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. જેને લઇને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ત્રણેય જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ વહેતી થઈ છે. જ્યારે વરસાદમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અથવા બંધ થઇ ગયા છે. બીજી તરફ અનેક ગામોમાં નિચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં કમર સમા પાણી ભરાઇ જતાં લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા, અંબાજી, અમીરગઢ અને ઇકબાલગઢ સહિત તમામ તાલુકામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ઇકબાલગઢમાં મધરાતે ખાબકેલા વરસાદમાં નાળીવાસ વિસ્તારમાં ઘરોમાં કમસ સમા પાણી ઘૂસી જતા મધરાતે જ કેટલાક પરિવારનોને ઘરવખરી મૂકીને ભાગવું પડ્યું હતું. તો કેટલાક પરિવારો વહેલી સવારે ઘર મૂકીને નીકળી ગયા છે.
ખેડબ્રહ્મામાં 10 ઇંચ, વડાલીમાં 12 ઈંચ વરસાદથી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વડાલીમાં આભ ફાટ્યું હોય તેમ 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખેડબ્રહ્મામાં પણ 10 ઈંચ વરસાદ પડતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ પેદા થઈ હતી. ઉપરવાસ રાજસ્થાનમાં તથા વિજયનગર વરસાદ તથા ખેડબ્રહ્મા શહેરની મધ્યમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. સાંજના છ વાગ્યાથી આખી રાત વરસાદ વરસ્યો હતો. જેથી માર્ગો પર પાણી ભરાતા અનેક ગામો-વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા.
આ પણ વાંચો: નક્સલવાદી હુમલામાં ભાવનગરના દેવગાણાનો દલિત જવાન શહીદ
અરવલ્લી જિલ્લામાં માત્ર 2 કલાકમાં જ 5 ઈંચ વરસાદ ખાબકી જતાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા પાટણ મહેસાણા સહિત વિવિધ જિલ્લામાં NDRFની 12 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પહેલા જ વરસાદે ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ભારે પુર આવતા પોલીસ તંત્ર તથા વહીવટીતંત્ર દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય કોઝવે પુલ ઉપર પીઆઇ ડી આર પઢેરિયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
હરણાવ ડેમના કારણે આટલા ગામોને અસર થઈ
વિજયનગરના વણધોલ, સરસવ, રાજપુર કંથારીયા, ચંદવાસા, કૈલાવા ખોખરા હેઠવામાં આવેલ બંધાણા, અભાપુર,મતાલી, વિરપુર, આતરસુંબા, અંદ્વોખા(આશ્રમ), ખેડાસણ, લાદીવાડા, આંત્રી અને પરોસડા તેમજ ખેડબ્રહ્માના નાકા, કલોલ,શીલવાડ, સાગર કંપા, વાધાકંપા, તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તારના લોકોને સતર્ક રહેવા વહીવટીતંત્ર તરફથી જાણ કરવામાં આવી છે.
સાબરકાંઠા-અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ: મોડાસા-મેઘરજમાં 4-4 ઇંચ ખાબક્યો
છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાતમાં નબળો પડેલો વરસાદ શનિવાર બપોરે 12 વાગ્યા બાદ ફરી સક્રિય થયો હતો. ઉત્તર-પૂર્વ રાજસ્થાન ઉપર બનેલું અપર એર સાયક્લોનના કારણે બપોરે 12 થી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં 20 તાલુકાને વરસાદે આવરી લીધા હતા. જેમાં સૌથી વધુ મોડાસા અને મેઘરજમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. દિવસભરના વરસાદી માહોલના કારણે દિવસના તાપમાનમાં પોણા 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. વરસાદનો આ રાઉન્ડ 27 જૂન સુધી સક્રિય રહી શકે છે.
ભિલોડાની ઇન્દ્રાશી, હાથમતી અને બુઢેલી નદીઓ બે કાંઠે વહેતી થઈ
અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઉપરવાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે. જેના કારણે ભિલોડાની ત્રણેય મુખ્ય નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે. ભિલોડાના લીલછા પાસે આવેલી ઇન્દ્રાશી નદી બે કાંઠે વહેવા લાગી છે. હાથમતી અને બુઢેલી નદીમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે. આ સીઝનમાં પ્રથમ વખત નદીઓમાં પાણી આવ્યું છે. નદીઓમાં પાણીની આવકથી કિનારા આસપાસના ગામોના બોર-કૂવા રિચાર્જ થશે. પાણીનો આવરો જળવાઈ રહેશે તેવી આશા છે.
આ પણ વાંચો: પાટડીના પાનવામાં 5 ભરવાડોએ દલિત યુવકના બંને પગ ભાંગી નાખ્યા
વડગામના જલોતરામાં ૪ કલાકમાં પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો
વડગામ તાલુકાના જલોતરામા ૪ કલાક માં પોણા સાત ઇંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન ખાતાની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી. ગઈકાલે રાત્રે જલોતરા પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ૪ કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબકતાં સુકીભઠ ઉમરદશી નદી બંને કાંઠે વહેતી થઇ હતી. જલોતરા પાસે આવેલા કરમાવાદ તળાવમાં પાણી ભરાયાં હતાં.
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઈડર પંથકમાં જળબંબાકાર
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈ ઈડરની ગૌવાવ તેમજ ભેંસકા અને ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. જેમાં ચાલુ સાલે ચોમાસા દરમિયાન પ્રથમ વાર ગૌવાવ અને હરણાવ નદી બે કાંઠે જોવા મળી છે. જિલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો વિજયનગર ૨.૯૫ ઈંચ, તલોદ ૨.૬૦ ઈંચ અને પ્રાંતિજ ૧.૮૧ ઈંચ વરસાદ નોંધાયો છે.
પ્રથમ વરસાદમાં જ ઈડરની ગૌવાવ નદી બે કાંઠે વહેતી થઈ
ઈડર તાલુકાના પૂર્વ વિભાગમાં આવેલી ગૌવાવ નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે ઘોડાપુર આવ્યું હતું જેને લઈનર ગૌવાવ નદી બે કાંઠે જોવા મળી હતી ચોમાસાના પ્રથમ વરસાદે જ ગૌવાવ નદીમાં પાણીનો ધસમતો પ્રવાહ વહેતો જોઈ આસપાસના ખેડૂતોમાં આનંદ છવાયો છે.
ઈડર-ભિલોડા હાઈવે પર કાનપુર રેવાસ વચ્ચે ડાયવર્ઝન ધોવાયો
ઈડર તેમજ વડાલીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઈડરની ભેંસકા નદીમાં નવા નીર આવતા ઈડર-ભિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર આવેલા કાનપુર અને રેવાસ વચ્ચે ભેંસકા નદી પર નવીન બ્રિજનું કામ ચાલુ છે જેને લઈને વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદને પગલે ભેંસકા નદીમાં નવા નીર આવતા જ ડાયવર્ઝન ધોવાયું હતું જેને પગલે ઈડર,ભિલોડા,શામળાજી અવરજવર કરતો વાહનવ્યવહાર અટક્યો હતો. જેથી વાહનચાલકોને આસપાસના ગ્રામ્ય માર્ગોનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે વાહનચાલકો ને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે હાઈવેનું કામ કરતી એજન્સી દ્વારા ડાયવર્ઝન તૈયાર કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI
ઈડરના કડિયાદરા ગામમાં વરસાદી પાણી ભરાયા
જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી ત્યારે ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ભારે વરસાદીથી કડિયાદરા ગામમાં નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા ઘરમાં પાણી ભરાતા લોકોને ભારે મુશકરલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
જિલ્લાના કયા જળાશયમાં પાણીની કેટલી આવક થઈ?
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લીધે નદી-નાળા છલકાયા છે અને જળાશયોમાં સારી આવક થઈ છે. જેમાં ગુહાઈ જળાશયમાં ૧૬૭૫ ક્યુસેક, હાથમતી જળાશયમાં ૧૦૦૦ ક્યુસેક, હરણાવ જળાશયમાં ૨૫૦ ક્યુસેક, વૈડી જળાશયમાં ૬૦ ક્યુસેક અને ખેડવા જળાશયમાં ૬૫૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં દેવીપૂજક કિશોર મૃત્યુ પામ્યો છતાં વળતર ન મળ્યું