Dalit News Gujarat: 7 ઓગસ્ટના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અલવાડા ગામમાં એક ઐતિહાસિક ઘટના બની, જેણે ગામના દલિત સમાજના લોકોને ખરા અર્થમાં સ્વતંત્રતાનો અનુભવ કરાવ્યો. ગામના 24 વર્ષના ખેતમજૂર કીર્તિ ચૌહાણે પહેલીવાર ગામમાં આવેલી વાળંદની દુકાનમાં પગ મૂક્યો અને ગ્રાહકની ખુરશી પર બેસીને વાળ કપાવ્યા. દેશ આઝાદ થયા 78 વર્ષ બાદ આ ગામમાં પહેલીવાર એવું બન્યું હતું કે કોઈ દલિતને આ રીતે વાળંદની દુકાનમાં પ્રવેશ મળ્યો હતો અને વાળંદે તેના વાળ કાપ્યા હતા.
જાતિ છુપાવી અન્ય ગામોમાં વાળ કપાવવા જવું પડતું હતું
અલવાડા ગામની વસ્તી લગભગ 6500 છે. તેમાંથી લગભગ 250 લોકો દલિત સમાજના છે. પરંતુ પેઢીઓથી ગામના વાળંદો દલિતોના વાળ કાપતા નહોતા અને અસ્પૃશ્યતા રાખતા હતા. પરિણામે દલિતોએ દાઢી-વાળ કપાવવા માટે અન્ય ગામમાં કે શહેરમાં જવું પડતું હતું. ત્યાં ગયા પછી પણ તેમણે તેમની જાતિ છુપાવી રાખવી પડતી હતી, જેથી તેઓ પોતાના વાળ કપાવી શકે.
પહેલીવાર ગામની દુકાનમાં વાળ કપાવનાર ભાવુક થયો
અલવાડા ગામના 58 વર્ષના છોગાજી ચૌહાણ કહે છે, “આઝાદી પહેલા પણ આપણા પૂર્વજોએ આ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો અને મારા બાળકોએ પણ આઠ દાયકા સુધી આ જ પીડામાંથી પસાર થયા હતા.”
આ પણ વાંચો: મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો
જ્યારે કીર્તિ ચૌહાણે ગામની દુકાને વાળ કપાવ્યા ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, “૨૪ વર્ષમાં પહેલી વાર હું મારા ગામમાં વાળંદની દુકાને બેઠો. પહેલા અમારે હંમેશા બહાર જવું પડતું હતું. તે દિવસે મને લાગ્યું કે હું મારા પોતાના ગામમાં આઝાદ છું અને મારા ગામે મારો સ્વીકાર કર્યો છે.”
પરિવર્તન કેવી રીતે આવ્યું?
અલવાડા ગામના દલિત સમાજે આ ભેદભાવનો અંત લાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો છે. તેમને સ્થાનિક સામાજિક કાર્યકર ચેતન ડાભીનો ટેકો મળ્યો હતો. તેમણે ઉચ્ચ જાતિઓ અને વાળંદોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ પ્રથા ગેરબંધારણીય છે. પરંતુ સમજાવટ પણ કામ ન આવી ત્યારે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે હસ્તક્ષેપ કરવો પડ્યો. મામલતદાર જનક મહેતાએ ગામના નેતાઓ અને તમામ વર્ગો સાથે વાત કરી અને સમસ્યાનું નિરાકરણ કરાવ્યું.
સરપંચ અને વાળંદ યુવા વર્ગ ખુશ થયો
ગામના સરપંચ સુરેશ ચૌધરીએ ખુશ થઈને કહ્યું, “સરપંચ તરીકે મને પહેલાની પ્રથા પર શરમ આવતી હતી. મને ખુશી છે કે મારા કાર્યકાળ દરમિયાન આ ખોટા રિવાજનો અંત આવ્યો.”
આ પણ વાંચો: પોલીસે દલિત યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દીધી, યુવક બેભાન?
હવે ગામની પાંચેય વાળંદની દુકાનો દલિતો માટે ખુલ્લી છે. કીર્તિ ચૌહાણના વાળ કાપનારા 21 વર્ષીય પિન્ટુ નાઈએ કહ્યું – “પહેલાં અમે સમાજના નિયમોને કારણે આવું કરતા નહોતા. હવે જ્યારે વડીલોએ આ ફેરફારને મંજૂરી આપી દીધી છે, ત્યારે કોઈ પ્રતિબંધ નથી. આ અમારા વ્યવસાય માટે પણ ફાયદાકારક છે.”
સમાજમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે
ગામના ઉચ્ચ જાતિના લોકો પણ આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે. પાટીદાર સમાજના પ્રકાશ પટેલે કહ્યું – “જો બધા ગ્રાહકો મારી કરિયાણાની દુકાનમાં આવીને ખરીદી કરી શકતા હોય, તો પછી વાળંદની દુકાનમાં તેમના વાળ કેમ આપવામાં ન આવે? સારું છે કે આ ખોટી પ્રથા હવે સમાપ્ત થઈ ગઈ છે.”
ગામના સમૂહ ભોજનમાં દલિતોને અલગ બેસાડાય છે
જોકે, ગામનો દલિત સમાજ માને છે કે હજુ પણ તેમણે લાંબી મજલ કાપવાની છે. દલિત ખેડૂત ઈશ્વર ચૌહાણે કહ્યું, “આજે અમને વાળંદની દુકાનમાં પ્રવેશ મળ્યો છે, પરંતુ હજુ પણ અમને સમૂહ ભોજનમાં અલગથી બેસવા માટે મજબૂર કરવામાં આવે છે. આશા છે કે, આ પણ એક દિવસ સમાપ્ત થશે.” દલિત સમાજ આ પરિવર્તનને એક નવી શરૂઆત તરીકે માની રહ્યો છે. દલિતોના મતે આ માત્ર હેરકટિંગની વાત નથી, પરંતુ સમાનતા તરફ એક મોટું પગલું છે.
આ પણ વાંચો: દલિતોને ગામમાં પ્રવેશતા રોકવા સવર્ણોએ 200 ફૂટની દિવાલ ચણી નાખી