જો તમે દલિત સમાજમાંથી છો અને તમે ભાજપમાં છો, તો પણ જાતિવાદી તત્વો તમને હિંદુ નહીં પરંતુ દલિત તરીકે જ જોશે અને કારણ વિના અપમાનિત કરશે. જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહાકુંભ જ્યાં યોજાયો હતો તે પ્રયાગરાજના નૈની ડભાંવ ગામમાં ભાજપના દલિત નેતાના પુત્રને કેટલાક લુખ્ખા તત્વોએ માર મારી, મુર્ગા બનાવીને પેશાબ પીવડાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી જઈ તપાસ શરૂ કરી છે.
પોલીસે 12 લોકો સામે ફરિયાદ નોંધી
માર ખાનાર યુવકના પિતા ભાજપ નેતા આશિષ ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રને બંધક બનાવીને માર મારીને તેને પેશાબ પીવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે યમુનાનગરના ડીસીપી વિવેક ચંદ્ર યાદવે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દલિત યુવકનું નિવેદન નોંધ્યું હતું અને તેની તબીબી તપાસ પણ કરાવી હતી. યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે 4 લોકો સામે નામજોગ સહિત કુલ 12 લોકો સામે કેસ નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે.
યુવકના પિતા ભાજપના નેતા છે
ભાજપ નેતા અને પીડિત દલિત યુવકના પિતા આશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ લાલાપુરના રહેવાસી છે અને ભાજપના સક્રિય કાર્યકર અને બૂથ પ્રમુખ છે. તેમની પત્ની દીપા લાલાપુર મનકામેશ્વર મંડળના મહિલા મોરચાના પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે તે અપના દળ (એસ)ના ધારાસભ્યના ભત્રીજા છે.
આ પણ વાંચો: આંબલીયાળાના દલિત યુવકને જીવતો સળગાવનારને આજીવન કેદ
ઘટના શું હતી?
આ ઘટના 27 મેના રોજ સાંજે બની હતી. આશિષ ચૌધરીના જણાવ્યું હતું કે, પુત્ર અંશ મેદાનમાંથી ક્રિકેટ રમીને પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન સાગર સિંહ, હની સિંહ, અમન દ્વિવેદી અને હર્ષિત તિવારી સહિત લગભગ 12 લોકો તેને ઈંટના ભઠ્ઠામાં લઈ ગયા અને માર માર્યો. આરોપીઓએ અંશને મુર્ગા બનાવી પેશાબ પીવડાવ્યો. દીકરાએ ફોન કરીને મારી પાસે મદદ માંગી હતી. ત્યારબાદ અમે પડોશીઓ અને પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યારબાદ બધા આરોપીઓ દીકરાને છોડીને ભાગી ગયા. તે દરમિયાન અમે દીકરાને હોસ્પિટલમાં લઈ ગયા અને તેને સારવાર માટે દાખલ કરાવ્યો. આ ઘટનાની લેખિતમાં પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ પણ આરોપીની ધરપકડ કરી નથી.
પોલીસ અધિકારીઓએ શું કહ્યું?
યમુનાનગરના ડીસીપી વિવેકચંદ્ર યાદવે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિવાદ મોબાઈલ ગેમ્સ અને પૈસાની હારજીતને લઈને થયો હતો. સીસીટીવી ફૂટેજની તપાસમાં તેને બંધક બનાવવાની કે પેશાબ પીવાની કોઈ ઘટના જોવા મળી નથી. પીડિતના પિતાનો આરોપ છે કે આરોપીઓ તેમના પુત્રને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે અને પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.
ભાજપમાં જોડાતા દલિતો માટે આ કિસ્સો બોધપાઠ છે
જો આ ઘટનામાં ભાજપ નેતાએ કરેલા આરોપો સાચા હોય તો એનો અર્થ એ થયો કે તમે દલિતો છે અને ભાજપમાં છો તો પણ ભાજપ તમને દલિત તરીકે જ જુએ છે અને સવર્ણ હિંદુઓ જ્યારે તેમના પર અત્યાચાર કરે છે ત્યારે ભાજપનો એકેય હિંદુ નેતા તમારી વ્હારે આવવવાનો નથી. ભાજપ સવર્ણ હિંદુઓની રાજનીતિ કરે છે અને તેમાં દલિતોની કોઈ કિંમત નથી, એ જાણવા છતાં અનેક દલિતો ભાજપમાં જોડાતા હોય છે, તેમના માટે આ કિસ્સો એક બોધપાઠ છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં નકલી ST સર્ટિ પર એક જ પરિવારના ૩ લોકોએ સરકારી નોકરી મેળવી