‘તારે રૂપિયાની શું જરૂર?’ કહી ભાજપ નેતાએ દલિત યુવકના રૂપિયા લઈ લીધાં

'તું દલિત છે, તારે રૂપિયાની શું જરૂર?' કહી ભાજપના જિલ્લા પંચાયત સભ્ય સહિત પાંચ શખ્સોએ દલિત યુવકને જાતિવાદી ગાળો ભાંડી માર મારી તેની પાસેથી રૂપિયા લઈ લીધાં.
dalit news

ભાજપના નેતાઓ ચૂંટણી આવે ત્યારે દલિતોના ઘેર જઈને ભોજન કરે છે, ડો.આંબેડકરના ફોટાને વંદન કરી દલિતોના મત મેળવવા ત્રાગા કરે છે. પરંતુ સ્વાર્થ પૂરો થતા જ તેઓ તેમના અસલ જાતિવાદી રંગમાં આવી જતા હોય છે. આવી જ એક ઘટનામાં ભાજપના એક નેતાએ એક દલિત યુવકને માત્ર એટલા માટે માર માર્યો, કારણ કે તેની પાસે થોડા રૂપિયા હતા. ભાજપ નેતાએ દલિત યુવકને “તું દલિત છે અને તારી પાસે રૂપિયા ક્યાંથી આવ્યા?” કહી દલિત યુવકને જાતિવાદી ગાળો ભાંડી માર મારી તેની પાસેથી રૂપિયા લઈ લીધાં હતા. એક વર્ષ સુધી આ મામલે દલિત યુવક ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નહોતી. આખરે કોર્ટનો સહારો લેતા હવે ફરિયાદ નોંધાઈ છે.

મામલો જાતિવાદના ગઢ ગણાતા ઉત્તર પ્રદેશનો છે. અહીંના ફતેહપુર જિલ્લામાં સત્તાના નશામાં ચૂર ભાજપના એક નેતા અને તેમના સાથીઓએ માનવતા અને કાયદાને નેવે મૂકીને એક ગરીબ દલિત યુવક પર અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાજપના જિલ્લા પંચાયત સભ્ય વિક્રમ સિંહે પોતાના સાથીદારો સાથે મળીને એક દલિત યુવકને માત્ર બેરહેમીથી માર જ નથી માર્યો, પરંતુ તેની પાસેથી દાદાગીરી કરીને પૈસા પડાવી લૂંટ પણ ચલાવી છે. આ મામલે પોલીસ તંત્રની શરૂઆતની નિષ્ક્રિયતા બાદ આખરે કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. અદાલતના કડક આદેશ બાદ હવે ભાજપના નેતા સહિત પાંચ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: બેટરી ચોરીની શંકામાં દલિત યુવકને ટોળાંએ મારી-મારીને પતાવી દીધો

વર્ષ 2025ની ઘટના

આ ઘટનાની વિગતો તપાસતા જાણવા મળે છે કે પીડિત રમેશ સોનકર ગત 8 નવેમ્બર 2025ના રોજ પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક ગામના કેટલાક માથાભારે તત્વો ધસી આવ્યા હતા. આ ટોળકીનું નેતૃત્વ ભાજપનો જિલ્લા પંચાયત સભ્ય વિક્રમ સિંહ કરી રહ્યો હતો અને તેમની સાથે અચલ સિંહ, વિવેક સિંહ, વિરાજ સિંહ અને આશુતોષ પણ જોડાયા હતા. આ શખ્સોએ રમેશ સાથે અત્યંત અભદ્ર ભાષામાં વાતચીત શરૂ કરી હતી અને તેને જાતિસૂચક ગાળો આપીને તેની મજાક ઉડાવતા અપમાનિત કર્યો હતો. જ્યારે રમેશે આ ગાળાગાળી અને અપમાનનો વિરોધ કરવાની હિંમત કરી, ત્યારે ઉશ્કેરાયેલા ભાજપના નેતા અને તેના સાથીઓએ લાકડીઓ અને ઢીકાપાટુનો બેફામ માર મારી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો.

‘તું દલિત છે, તારે રૂપિયાની શું જરૂર?’

અત્યાચારની હદ તો ત્યારે આવી જ્યારે આ દબંગોએ ગરીબ રમેશની લારીમાંથી દાદાગીરી કરીને પૈસા કાઢી લીધા હતા. આરોપીઓએ રમેશને કહ્યું કે, ‘તું દલિત છે, તારે રૂપિયાની શું જરૂર?’ એક ગરીબ માણસ જે આખો દિવસ મહેનત કરીને માંડ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય, તેની પરસેવાની કમાણી આ રીતે સત્તાના જોરે પડાવી લેવી તે ભાજપના નેતાની નફ્ફટાઈ અને અમાનવીયતા દર્શાવે છે. હુમલાખોરોએ જતી વખતે રમેશને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તેણે પોલીસમાં ફરિયાદ કરી તો તેને ગામમાં રહેવું ભારે પડી જશે. આ ધમકી અને શાસક પક્ષના ડરને કારણે પીડિત શરૂઆતમાં અત્યંત ડરી ગયો હતો, છતાં તેણે ન્યાય માટે લડત ચલાવવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: બેલગાવીમાં દલિત મહિલાને નિર્વસ્ત્ર કરવાના કેસમાં 12 દોષિતોને 5 વર્ષની કેદ

રમેશ એક વર્ષ સુધી ધક્કા ખાતો રહ્યો

પીડિતે આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ રાજકીય વગ ધરાવતા વિક્રમ સિંહ સામે કાર્યવાહી કરવામાં પોલીસના હાથ ધ્રૂજતા હોય તેમ કોઈ પગલાં લેવાયા નહીં. લાંબો સમય સુધી ધક્કા ખાધા બાદ આખરે રમેશે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા પોલીસને તુરંત ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ હસ્તક્ષેપ બાદ 21 માર્ચ 2026ના રોજ પોલીસ હરકતમાં આવી હતી અને ભાજપના નેતા વિક્રમ સિંહ સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસ અધિકારીએ શું કહ્યું

પોલીસ અધિકારી સુમિત દેવ પાંડેએ જણાવ્યું કે કોર્ટના નિર્દેશ મુજબ ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને હવે તપાસ હાથ ધરાશે. જોકે, દલિત સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું ભાજપના નેતાઓ માટે કાયદો ગૌણ છે? એક તરફ સરકાર સૌના સાથ અને સૌના વિકાસની વાતો કરે છે, ત્યારે બીજી તરફ તેમના જ જનપ્રતિનિધિઓ ગરીબ દલિતોને લૂંટી રહ્યા છે અને તેમને માર મારી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું પોલીસ નિષ્પક્ષ રહીને આ શક્તિશાળી નેતા સામે કાયદેસરની કાર્યવાહી કરે છે કે પછી ફરી એકવાર સત્તાના દબાણ હેઠળ આ કેસને દબાવી દેવામાં આવશે.

આ પણ વાંચો: મેંદરડામાં બે દલિત પ્રમુખને ટર્મ પુરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x