કટ્ટા નિકાલો, ઈસકો ગાડી મેં ડાલો’ ભાજપ નેતાએ દલિત યુવકને ફટકાર્યો

ભાજપના નેતાએ દલિત યુવકને રસ્તા પર ઢસડી-ઢસડીને નિર્દયતાથી માર માર્યો. ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી, વીડિયો વાયરલ.
beats Dalit youth

MP News: મધ્યપ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં દલિતો પર થતા અત્યાચારોની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં છતરપુર જિલ્લાના બિજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવકને જાહેરમાં રસ્તા પર કેટલાક લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને અપશબ્દો બોલીને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

માર માર્યાનો વીડિયો વાયરલ થયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક નિ:સહાય યુવકને કેટલાક લોકો ઘેરી વળ્યા છે અને તેને લાતો-મુક્કાથી મારી રહ્યા છે. આ હુમલાખોરોમાં મુખ્ય આરોપી પોતાને ભારતીય જનતા પાર્ટીનો મોટો નેતા ગણાવી રહ્યો છે. વીડિયોમાં તે શખ્સ બોલતો સંભળાય છે કે, “કટ્ટા (બંદૂક) નિકાલો, ઈસકો ગાડીમેં ડાલો” એટલું જ નહીં, આરોપી પોતાનું નામ આશિષ રૈકવાર જણાવી રહ્યો છે અને પોતે ભાજપનો જિલ્લા અધ્યક્ષ હોવાનો દાવો કરીને યુવકને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી રહ્યો છે.

આ પણ વાંચો: રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા

ભાજપ નેતા દલિતના તળાવમાં માછલી ચોરતો હતો?

આ હિંસક ઘટના પાછળનું કારણ અત્યંત ચોંકાવનારું છે. પીડિત દલિત યુવક છન્નુલાલ અહિરવાર, જે એરોરા ગામનો રહેવાસી છે અને જટાશંકર મત્સ્ય હરિજન સમિતિનો મેનેજર છે, તેણે જણાવ્યું કે ભાજપ નેતા આશિષ રૈકવાર તેના તળાવ પર ગેરકાયદેસર રીતે માછલી ચોરી કરવા આવ્યો હતો. જ્યારે છન્નુલાલે તેમને માછલી ચોરી કરતા અટકાવ્યા અને વિરોધ કર્યો, ત્યારે આશિષ ઉશ્કેરાઈ ગયો હતો. સત્તાના જોરે તેણે છન્નુલાલ પર હુમલો કર્યો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

beats Dalit youth

પીડિત દલિત યુવકના પરિવારમાં ફફડાટ

આરોપીની ગુંડાગીરી અને ધમકીઓથી પીડિત છન્નુલાલ એટલો બધો ડરી ગયો હતો કે તે પોતે પોલીસ સ્ટેશન જવાની હિંમત પણ કરી શક્યો નહોતો. તેને ડર હતો કે જો તે ફરિયાદ કરશે તો આરોપી તેને ફરીથી નિશાન બનાવશે. જોકે, આસપાસના લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને જ્યારે આ વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.

પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી

છતરપુર એસપી અગમ જૈને આ વાયરલ વીડિયોની ગંભીરતાથી નોંધ લીધી અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. બિજાવર પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી આશિષ રૈકવાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને એસસી-એસટી (SC-ST Act) અત્યાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘SC-ST-OBC સ્ત્રી પર બળાત્કાર કરવાથી તીર્થનું ફળ મળે!’

બિજાવર એસડીઓપી અજય કુમાર રિટોરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, “વાયરલ વીડિયો થોડા દિવસો જૂનો હોવાનું જણાય છે. વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. કાયદો હાથમાં લેનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.”

beats Dalit youth

ઘટનાને પગલે રાજકીય ગરમાવો આવ્યો

આ ઘટનાને પગલે રાજકીય આલમમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષોએ સત્તારૂઢ પક્ષ પર પ્રહારો કરતા કહ્યું છે કે નેતાઓના સંરક્ષણને કારણે રાજ્યમાં દલિતો સુરક્ષિત નથી. પીડિત યુવકે સરકાર પાસે માંગ કરી છે કે આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેની ચોરી થયેલી માછલીઓ પણ પરત અપાવવામાં આવે. આ કિસ્સો ફરી એકવાર સત્તા અને જાતિવાદના દૂષણને ઉજાગર કરે છે,

જ્યાં એક સામાન્ય માણસને તેના હક માટે અવાજ ઉઠાવવા બદલ શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બનવું પડે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ‘સ્વયંભૂ’ નેતા સામે કેટલી ઝડપથી અને કેટલી કડક કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો: ધ્રાંગધ્રાના જેસડામાં પશુ ચરાવવા મુદ્દે 4 લોકોનો દલિત યુવક પર હુમલો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x