દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું

દલિત નેતા રામજી મંદિરમાં દર્શન કરવા ગયા તો ભાજપ નેતાએ કહ્યું કે, 'મંદિર અપવિત્ર થઈ ગયું, તેને પવિત્ર કરવું પડશે.' પછી મંદિરમાં ગંગાજળ છાંટ્યું.
Gyan-Dev-Ahuja-Tika-Ram-Jully

Tikaram Julie Gyandev Ahuja temple entry controversy: એકબાજુ ચૂંટણી આવે ત્યારે વડાપ્રધાનથી લઈને ભાજપના ટોચના નેતાઓ દલિતોના પગ ધુએ છે, તેમના ઘરે ભોજન કરવા જવાના દેખાડા કરે છે, પણ ચૂંટણી સિવાયના સમયમાં તેઓ ખૂલ્લેઆમ દલિતો સાથે અસ્પૃશ્યતા પાળે છે, જાતિસૂચક અપશબ્દો બોલી તેમનું જાહેરમાં અપમાન કરે છે અને એસસી એસટી એક્ટ હેઠળના ગંભીર ગુનાઓ આચરે છે, તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ તો તેના અનેક ઉદાહરણો ટાંકી શકાય તેમ છે, પરંતુ હાલમાં રાજસ્થાનમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

રાજસ્થાન(Rajasthan)ના અલવર(Alwar)માં આવેલા એક રામજી મંદિરમાં વિપક્ષના નેતા ટીકારામ જુલી(Tikaram Julie) પ્રાર્થના કરવા માટે ગયા હતા. તેમના ગયા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા(Former BJP MLA Gyandev Ahuja)એ નિવેદન આપ્યું કે જુલીની મુલાકાતથી મંદિર અપવિત્ર થઈ ગયું છે. એ પછી તેમણે મંદિરમાં ગંગાજળ છાંટીને તેને ‘પવિત્ર’ કર્યું હતું.

ભાજપ નેતાની આ ચેષ્ટાને કોંગ્રેસે તેની દલિત વિરોધી માનસિકતાનું સ્પષ્ટ પ્રદર્શન અને શ્રદ્ધા અને માનવતા બંનેનું અપમાન ગણાવ્યું છે. જોકે, આટલી ગંભીર બાબત છતાં રાજસ્થાનના ભાજપી મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કોઈ નિવેદન આપ્યું નથી.

આહુજાએ શું કહ્યું હતું?

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા(Gyandev Ahuja)એ ટીકારામ જુલી(Tikaram Julie)એ લીધેલી રામજી મંદિરની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “ટીકારામ જુલી હિન્દુત્વનો વિરોધી છે, સનાતન ધર્મનો વિરોધી છે. ગઈકાલે તે કરણી માતા મંદિર ગયો હતો અને આજે તે રામ મંદિર આવ્યો છે. તેને શરમ આવવી જોઈએ. આજકાલ પાણીનું સ્તર સુકાઈ રહ્યું છે, તેથી વાટકામાં પાણી લઈને તેમાં નાક ડૂબાડી દેવું જોઈએ. હું તેનો બહિષ્કાર નહીં કરું કારણ કે તે ભગવાન શ્રી રામનું મંદિર છે. પરંતુ કાલે હું ત્યાં જઈશ અને જ્યાં પણ તેના અપવિત્ર પગલાં પડ્યાં હશે અથવા જ્યાં પણ તેમના હાથ મૂર્તિઓને સ્પર્શ્યા છે, ત્યાં હું ગંગાજળ છાંટીને શ્રી રામની પૂજા કરીશ. આ મારો સંકલ્પ છે.” આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી વિવાદ વધ્યો હતો.

દલિત નેતા ટીકારામ જુલીએ શું કહ્યું?

વિપક્ષના નેતા ટીકારામ જુલીએ આ નિવેદનને તેમની શ્રદ્ધા પર હુમલો અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપનાર ગણાવ્યું. ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયામાં તેમણે લખ્યું, “ભાજપના વરિષ્ઠ નેતા શ્રી જ્ઞાનદેવ આહુજાનું નિવેદન દલિતો પ્રત્યે ભાજપની માનસિકતા દર્શાવે છે. મેં વિધાનસભામાં દલિતોનો અવાજ ઉઠાવ્યો હતો અને અસ્પૃશ્યતા વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાની વાત કરી હતી, પરંતુ ભાજપની માનસિકતા એવી છે કે હું દલિત છું, તેથી જો હું મંદિરમાં જાઉં તો તેઓ ગંગાજળથી મંદિર ધોવાની વાત કરી રહ્યા છે. આ ફક્ત મારી વ્યક્તિગત માન્યતા પર હુમલો નથી પણ અસ્પૃશ્યતા જેવા ગુનાને પણ પ્રોત્સાહન આપતું નિવેદન છે.”

આ પણ વાંચો:  સુરત દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત, આજે સજા થશે

જુલીએ આગળ સવાલ ઉઠાવતા લખ્યું, “શું ભાજપ દલિતોને એટલી બધી નફરત કરે છે કે તે આપણને પૂજા-પાઠ કરતા પણ જોઈ શકતી નથી? શું ફક્ત ભાજપના નેતાઓનો જ ભગવાન પર અધિકાર છે? મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરવી જોઈએ કે શું તેઓ દલિતો મંદિરોમાં દર્શન કરવા જાય ત્યારે ગંગાજળથી મંદિર ધોવાના નિવેદનને સમર્થન આપે છે?”

કોંગ્રેસના પ્રમુખે શું કહ્યું?

કોંગ્રેસ(Congress)ના પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું, “ભાજપનું હૃદય દલિતો પ્રત્યે દ્વેષ અને ઈર્ષ્યાથી ભરેલું છે. આજે ભાજપે અલવરમાં શ્રી રામના મંદિરમાં ગંગાજળ છાંટ્યું છે જ્યાં ગઈકાલે વિપક્ષના નેતા ટીકારામ જુલીજી ગયા હતા. ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવનું જુલી સામે અપમાનજનક નિવેદન અને ઘૃણાસ્પદ કૃત્ય અત્યંત નિંદનીય છે. દલિત હોય, ખેડૂત હોય, મહિલા હોય, મજૂર હોય…ભાજપ આ બધાંને આટલી નફરત કેમ કરે છે? જ્યારે સમય આવશે ત્યારે રાજસ્થાનના લોકો ભાજપની આ ઘૃણાસ્પદ માનસિકતાનો યોગ્ય જવાબ આપશે.”

અન્ય નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી

આહુજાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ભૂતપૂર્વ મંત્રી અને યુવા કોંગ્રેસ(Youth Congress)ના પ્રદેશ પ્રમુખ અશોક ચંદનાએ કહ્યું, “અલવરમાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત નેતા, વિપક્ષના નેતા ટીકારામ જુલીજી દ્વારા પૂજા કર્યા પછી ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાજી દ્વારા મંદિરને ગંગાજળથી ધોવું આ દેશના દલિતોનું અપમાન છે અને આ ભાજપનું અસલ ચરિત્ર અને ચહેરો છે.”

જ્ઞાનદેવ આહુજા RSS ના મૂળ ધરાવે છે

જ્ઞાનદેવ આહુજા રાજસ્થાનના ટોચના રાજકારણી અને ભાજપ(BJP)ના નેતા છે. તેઓ ૨૦૦૩ થી ૨૦૦૮ અને પછી ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી રામગઢના ધારાસભ્ય હતા. આહુજા ઘણીવાર તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે સમાચારમાં રહ્યા છે, જેમાંથી ઘણા સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ પર તેમના કટ્ટરપંથી વિચારોને પ્રતિબિંબિત કરે છે. તેમણે લાંબા સમય સુધી ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર કામ કરનાર આહુજા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પણ સંકળાયેલા હતા. ગંગાજળથી મંદિરોને શુદ્ધ કરવા કે મોબ લિંચિંગ જેવા તેમના નિવેદનો સમયાંતરે વિવાદનું કારણ બનતા રહે છે. અગાઉ વર્ષ 2022 માં એક ખેડૂતની મોબ લિંચિંગની ઘટનામાં પીડિત પરિવારના ઘરે પહોંચ્યા બાદ આહુજાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં તેમના પર કેસ નોંધવામાં આવ્યો હતો.

જ્ઞાનદેવ આહુજા ભાજપમાંથી સસ્પેન્ડ

આ ઘટનામાં વિવાદ વધતા આજે ભાજપે જ્ઞાનદેવ આહુજાને કારણદર્શક નોટિસ ફટકારી છે. એટલું જ નહીં તેમના નિવેદનથી પોતાને દૂર રાખી કહ્યું કે પાર્ટી આવા નિવેદનોને સમર્થન આપતી નથી. જ્ઞાનદેવ આહુજાને કારણદર્શક નોટિસ જારી કરતી વખતે, ભાજપે લખ્યું છે કે સભ્યપદ સ્વીકારતી વખતે, કોઈપણ સ્વરૂપમાં અસ્પૃશ્યતાને સમર્થન ન આપવાની શપથ લેવામાં આવી હતી, જેનું તેમણે પોતાના કૃત્ય દ્વારા ઉલ્લંઘન કર્યું છે. આવી સ્થિતિમાં, તેમને તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. સાથે જ તેમને ત્રણ દિવસમાં લેખિત જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે, અન્યથા તેમની સામે વધુ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરી

ભાજપ નેતા જ્ઞાનદેવ આહુજા દ્વારા વિપક્ષના નેતા ટીકારામ જુલી પર કરવામાં આવેલા નિવેદન બાદ, ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડે કહ્યું કે તેમને આહુજાના નિવેદન સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપ આવા નિવેદનનું સમર્થન કરતું નથી. તેમણે કહ્યું કે જુલી સાહેબ એક નેતા છે અને નેતાની કોઈ જાતિ હોતી નથી. તેમણે કહ્યું કે મેં જ્ઞાનદેવ આહુજા સાથે ફોન પર વાત કરી હતી પરંતુ મને સમજાયું નહીં કે તેમણે આ નિવેદન કયા સંદર્ભમાં આપ્યું હતું.

આ પણ વાંચો: ‘હિંમત હોય તો આભડછેટને દૂર કરવાનું બિલ લાવો, હું સમર્થન કરીશ’

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x