નવસારીની દલિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા બાદ તેને લગ્ન કરવાની ના પાડી, જાતિસૂચક અપશબ્દો કહી તરછોડી દેનાર ભાજપના કાર્યકર અને ટેટુ આર્ટિસ્ટ જય સોનીને આખરે પોલીસે પકડી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા હવે દુષ્કર્મી જયને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
નવસારીમાં ટેટૂ આર્ટિસ્ટ જય સોનીએ અનુસૂચિત જાતિ સમાજની યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે યુવતી ગર્ભવતી થઈ હતી. પરંતુ જય સોનીએ “તું ઓપરેશન નહીં કરાવે તો હું તારી સાથે લગ્ન નહીં કરું” તેમ જણાવી ફરીથી વારંવાર શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરી હતી. એ પછી યુવતી અને તેના પરિવારે લગ્નની માંગ કરતા જય સોનીએ તેમને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી. આથી યુવતીએ જય સોની સહિતના લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: દલિતો હિંદુ બની મંદિરમાં દર્શન કરવા ગયા, સવર્ણોએ ફટકાર્યા
આ ઘટનામાં જય સોની 5 મહિનાથી ફરાર હતો. આ મામલે ભારે હોબાળો થતા તે પાંચ મહિના બાદ પોલીસ મથકે હાજર થયો હતો. તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૂર્ણ થતા તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ કેસમાં યુવતીને ચાલુ ફોને ગાળ આપનાર નવસારીના યુવકની પણ સહ આરોપી તરીકે પોલીસે નોંધ કરી છે અને પુરાવાનો નાશની પણ કલમ ઉમેરી હોવાનું નવસારી ડીએસપીએ જણાવ્યું હતું.
નવસારી એસસી એસટી સેલના ડીવાયએસપી હરેશ ચાંદુએ જણાવ્યું હતું કે, એટ્રોસિટીના કેસમાં રિમાન્ડ દરમિયાન જય સોનીની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે મોબાઈલમાં ચેટ અને અન્ય પુરાવા હોવાથી તે મોબાઈલ ક્યાંય નાખી દીધો હતો. પણ નંબરને આધારે ચેટ મળી આવી છે. આરોપી પર પુરાવાનો નાશ કરવા બદલ એક કલમ વધુ ઉમેરવામાં આવી છે. સાથે જ યુવતીને અપશબ્દો કહી ધમકી આપનાર યુવાન વિશાલ શાહ સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચો: “તારા જેવી સત્તર સાથે મારા પુત્રને સંબંધ છે, તું અઢારમી છો…!”











Users Today : 1736