વીર મેઘમાયાની શહાદત માટે દુનિયાભરના બહુજન સમાજ માટે પવિત્ર સ્થળ ગણાતા પાટણ શહેરમાં વૈશાખી પૂર્ણિમાના દિવસે વિશાળ ધમ્મ ચારિકા અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં બૌદ્ધધર્મીઓએ ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું.
સોમવાર, ૧૨ મે ૨૦૨૫ ના રોજ પાટણના લીલવાડી વિસ્તારમાં તથાગત ગૌતમ બુદ્ધના જન્મદિવસ વૈશાખી પૂર્ણિમા નિમિત્તે સ્વયં સૈનિક દળ (SSD) અને એચ.કે. બ્લડ બેંક પાટણ દ્વારા એક બોટલ રક્ત માનવતાને નામ અભિયાન હેઠળ આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયં સૈનિક દળ (SSD) ના સૈનિકોએ અને બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે હાજર ઉપાસકો અને ઉપાસિકાઓ મળીને કુલ 57 બોટલ રક્તદાન કર્યું હતું.
આ પણ વાંચો: રાજકોટના એકેય થિયેટરમાં ‘Phule’ ન દર્શાવાતા બહુજનોમાં રોષ
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારીએ હાજર રહીને તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. બધાના સહયોગને કારણે શિબિરનું સફળ આયોજન શક્ય બન્યું હતું. આ પ્રસંગે વિશાળ ધમ્મ ચારિકાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં SSD ના સૈનિકોએ ત્રિશરણના બુદ્ધવંદના અને તથાગત બુદ્ધના પંચશીલ દ્વારા માર્ગદર્શન આપીને રાષ્ટ્ર અને માનવતાની સેવા માટે સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવનનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે “અમે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા” ના શાંતિસૂત્ર સાથે પ્રબુદ્ધ ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બુદ્ધના શાંતિ, કરુણા અને માનવતાના સંદેશને ફેલાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દલિતનો દીકરો જજ બનતા જાતિવાદીઓએ કાવતરું રચી સસ્પેન્ડ કરાવ્યો