આજે 26 ફેબ્રુઆરી એટલે કે અમદાવાદ શહેરનો 615મો સ્થાપના દિવસ છે, ત્યારે શહેર ભાજપના નેતાઓએ હિંદુત્વની વોટબેંકને મજબૂત કરવા માટે શરૂ કરેલી નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળી છે. જો કે, આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોવા છતાં આ નગરયાત્રા કાઢવામાં આવી છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવાયા છે, જેના કારણે પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આજે સવારે વહેલી પરોઢે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા પહિંદ વિધિ કરીને આ નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આશરે 6.25 કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં નાસિક ઢોલ, અખાડાના કરતબો, ભજન મંડળીઓ અને હજારો માઈ ભક્તો ઉમટી પડ્યા છે. જોકે, આ ભક્તિમય માહોલની બીજી બાજુએ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષાઓનો પણ પ્રારંભ થયો છે.

શહેરના હાર્દ સમાન વિસ્તારોમાંથી નીકળતી આ નગરયાત્રા અને તે જ સમયે વિદ્યાર્થીઓના રિપોર્ટિંગ ટાઈમ વચ્ચે થયેલા ટકરાવને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. હજારો વિદ્યાર્થીઓ માટે આ માત્ર પરીક્ષા નથી, પણ તેમના આખા વર્ષની મહેનત અને ભવિષ્યનો સવાલ છે, અનેક વિદ્યાર્થીઓ નગરયાત્રાને કારણે ટ્રાફિક જામમાં અટવાયા હોવાનું જાણવા મળે છે.
કોટ વિસ્તારના અનેક રસ્તા બંધ કરી દેવાતા હાલાકી.
આ પણ વાંચો: અમદાવાદના રિક્ષાવાળા પાસેથી પોલીસ વર્ષે 180 કરોડ વસૂલે છે?

નગરયાત્રાના રૂટ પર વ્યવસ્થા જાળવવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ સવારના 7 વાગ્યાથી યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલ દરવાજા, ભદ્ર, રિલીફ રોડ અને કોટ વિસ્તારના અનેક રસ્તાઓ સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ સાંકડા રસ્તાઓ અને હજારોની મેદનીને કારણે વૈકલ્પિક રસ્તાઓ પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં હાલાકી
નગરયાત્રામાં જોડાતા વાહનોનો કાફલો અને શ્રદ્ધાળુઓની ભીડને કારણે રસ્તાઓ પર પગ મૂકવાની જગ્યા નથી, ત્યારે પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ રસ્તાઓ પસાર કરવા એક મોટી અગ્નિપરીક્ષા સમાન સાબિત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા BSNની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે, જેનાથી સામાન્ય જનતામાં વધુ મુંઝવણ ઉભી થઈ છે.
અમદાવાદમાં 1701 સેન્ટરો પર પરીક્ષા લેવાશે
આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 16.63 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10 ના 9.07 લાખ અને ધોરણ 12 ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના લાખો વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અમદાવાદ જેવા મહાનગરમાં જ્યારે 1701 જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાઈ રહી હોય, ત્યારે ટ્રાફિકની આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
નોંધનીય છે કે, પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રતિ કલાક 20 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે, પરંતુ જો વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં જ મોડો પહોંચશે તો આ સુવિધાનો લાભ કેવી રીતે લેશે? શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર (18002335500) અને જિલ્લા કંટ્રોલ રૂમ (079 232 20314) કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ ખાતરી આપી છે કે જો કોઈ વિદ્યાર્થી વાહન બગડવા કે ટ્રાફિકને કારણે અટવાય, તો પોલીસ તેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભીડમાં પોલીસના વાહનો પણ મર્યાદિત ગતિએ જ ચાલી શકે છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ નગરયાત્રાના સમય અંગે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ તેજ બની છે. વાલીઓનું કહેવું છે કે, “જ્યારે ખબર હતી કે 26 ફેબ્રુઆરીથી જ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે નગરયાત્રાના રૂટ અથવા સમયમાં ફેરફાર કરી શકાયો હોત. માત્ર પોલીસના ભરોસે હજારો બાળકોનું ભવિષ્ય ન છોડી શકાય.” અનેક વિદ્યાર્થીઓ રસ્તા બંધ હોવાથી મુંઝવણમાં મુકાયા છે અને કેટલાક કિસ્સાઓમાં તો વિદ્યાર્થીઓને ચાલીને કેન્દ્ર સુધી પહોંચવાની ફરજ પડી રહી છે.
ભલે તંત્ર દાવો કરતું હોય કે બધું ‘શાંતિપૂર્ણ’ માહોલમાં ચાલી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર વિદ્યાર્થીઓના ચહેરા પર ભય અને ચિંતા સ્પષ્ટ દેખાય છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ આ પ્રકારની હાલાકી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને પેપર લખવાની ક્ષમતા પર પણ અસર કરી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદનો છારા સમાજ પ્રગતિના પંથે, છારાનગરમાં નવી લાઈબ્રેરી ખૂલી
નેતાઓની વોટબેંકની લ્હાયમાં વિદ્યાર્થીઓ પરેશાન
એકબાજુ નગરદેવીની આસ્થાના નામે ભાજપના નેતાઓ હિંદુત્વની વોટબેંકને મજબૂત કરવા માંગે છે અને બીજી બાજુ તેમની આ લાલચને લીધે હજારો વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. અમદાવાદના સ્થાપના દિવસે તંત્ર વચ્ચેના સંકલનનો અભાવ વિદ્યાર્થીઓ માટે આફત બનીને આવ્યો છે. આગામી સમયમાં જ્યારે પણ આવા મોટા આયોજનો થાય, ત્યારે શિક્ષણ અને ભક્તિ વચ્ચે સંતુલન જળવાય તે અત્યંત અનિવાર્ય છે. અત્યારે તો દરેક માઈ ભક્ત અને વાલી માત્ર એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે નગરદેવીના આશીર્વાદથી દરેક વિદ્યાર્થી સમયસર કેન્દ્ર પર પહોંચી શકે અને શાંતિથી પરીક્ષા આપી શકે.
આ પણ વાંચો: અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!










