તાલાલાના જૂથળના દલિત આગેવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો!

તાલાલના જૂથળ ગામની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો. માથાના ભાગે ઈજાના નિશાન, હત્યાની આશંકાએ દલિત સમાજ હોસ્પિટલમાં ધરણાં પર બેઠો.
Talalas Dalit leader murder case

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જૂથળ ગામના સામાજિક ન્યાય સમિતિના ચરમેન અને દલિત આગેવાન ભરતભાઈ સોંદરવાનો મૃતદેહ આજે સવારે રહસ્યમય અને શંકાસ્પદ સંજોગોમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર વ્યાપી ગઈ છે. ભરતભાઈ માત્ર જૂથળ ગામની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી જ નહોતા સંભાળતા, પરંતુ તેઓ સમગ્ર ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારના એક અત્યંત સક્રિય અને નીડર દલિત નેતા તરીકેની પણ આગવી ઓળખ ધરાવતા હતા.

તેઓ રાજકીય રીતે આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા હતા અને તાલાલા તેમજ માળિયા હાટીના પંથકમાં દલિત સમાજના પાયાના પ્રશ્નો માટે સતત સંઘર્ષરત રહેતા હતા. આ ઉપરાંત, તેઓ એક સક્ષમ RTI એક્ટિવિસ્ટ તરીકે પણ જાણીતા હતા, જેમણે ગોંડલ અને મેંદરડા જેવા વિસ્તારોમાં દલિત સમાજને લગતી બાબતોમાં અને સરકારી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવીને અન્યાય સામે લડત આપી હતી. આવા જાગૃત અને લોકપ્રિય અગ્રણીનો મૃતદેહ તાલાલાના રમરેચી ગીર ગામે નવા પ્લોટ વિસ્તારમાંથી મળી આવતા અનેક તર્ક-વિતર્કો અને ગંભીર સવાલો ઉભા થયા છે.

Talalas Dalit leader murder case

ભરત સોંદરવાની હત્યા થયાની આશંકા

ભરતભાઈ સોંદરવાનો મૃતદેહ જે સ્થિતિમાં મળી આવ્યો છે તે જોતા પ્રાથમિક દ્રષ્ટિએ જ આ એક આયોજનબદ્ધ હત્યાનો મામલો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે તેમના પર કોઈ તીક્ષ્ણ હથિયાર અથવા કોઈ ભારે વસ્તુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળની આસપાસની તપાસ દરમિયાન મૃતદેહની તદ્દન નજીકથી એક સફેદ રંગની બલેનો કાર પણ બિનવારસી હાલતમાં મળી આવી છે. આ કાર કોની માલિકીની છે અને તે ઘટનાના સ્થળે કેવી રીતે પહોંચી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી, પરંતુ પોલીસ આ કારને આ ગુનાનો મહત્વનો પુરાવો માનીને તપાસ કરી રહી છે. મૃતકની લાશ લોહીલુહાણ હાલતમાં હોવાથી અને આસપાસ ખેંચાયાના નિશાન હોવાથી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ઠાકોર સમાજના DJ પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરે કહ્યું, ‘મને ફોન કરજો’

મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાંથી દલિત સમાજ હોસ્પિટલ પહોંચ્યો

આ કરુણ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં તાલાલા, માળિયા, વેરાવળ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, કાર્યકરો અને યુવાનો તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. હોસ્પિટલના પટાંગણમાં જનમેદની એકઠી થતા વાતાવરણ ગમગીન અને તણાવપૂર્ણ બની ગયું હતું. મૃતકના પરિવારજનો અને દલિત સમાજના અગ્રણીઓએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે ભરતભાઈની તેમની સામાજિક સક્રિયતા અને RTI પ્રવૃત્તિઓના કારણે જ કોઈ વગદાર શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે.

આ મામલે કેશોદના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માધાભાઈ બોરીચા પણ તાત્કાલિક તાલાલા પહોંચ્યા હતા અને તેમણે પણ આ ઘટનાને વખોડી કાઢી યોગ્ય તપાસની માંગ કરી હતી. દલિત સમાજના યુવાનોએ જ્યાં સુધી મુખ્ય આરોપીઓની ઓળખ ન થાય અને તેમની સત્વરે ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને ન્યાયની માંગ સાથે હોસ્પિટલના પરિસરમાં જ ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચો: દલિત યુવકે ઈન્ટરકાસ્ટ મેરેજ કરતા યુવતીના પરિવારે ઘર સળગાવ્યું

પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તપાસ શરૂ કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ગોહિલ અને તેમનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ સમાજના દબાણ અને પ્રાથમિક પુરાવાઓને જોતા હત્યાની દિશામાં વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તબીબોની પેનલ દ્વારા પીએમ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સચોટ કારણ અને હુમલાખોરોએ કયા પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો હતો તે જાણી શકાશે. હાલમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી ઘટનાસ્થળેથી કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળી શકે.

Talalas Dalit leader murder case

આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેની કામગીરી ભ્રષ્ટાચારીઓને ખૂંચતી હતી

ભરત સોંદરવાએ ભૂતકાળમાં કરેલી RTI અને સામાજિક આંદોલનોને કારણે અનેક લોકો સાથે તેમને સંઘર્ષ રહ્યો હોવાની શક્યતા છે. રાજકીય દ્વેષ કે સામાજિક અદાવતના કારણે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતકના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ અને જે સ્થળેથી લાશ મળી છે ત્યાંની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. દલિત સમાજના જનાક્રોશને જોતા તાલાલા શહેરમાં અને હોસ્પિટલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આગામી સમયમાં જો આ કેસમાં ઝડપથી ઉકેલ નહીં આવે તો દલિત સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લો હાલમાં આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સ્તબ્ધ છે અને સૌ કોઈ ન્યાયિક તપાસની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: બેટરી ચોરીની શંકામાં દલિત યુવકને ટોળાંએ મારી-મારીને પતાવી દીધો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x