પાટણના ચંદ્રુમાણામાં દલિતના વરઘોડા પર બુટલેગરનો તલવારથી હુમલો!

પાટણના ચંદ્રુમાણામાં દલિત વરરાજાના વરઘોડા પર ઠાકોર બુટલેગરોએ ખુલ્લી તલવારો સાથે હુમલો કરતા ખુશીનો પ્રસંગ ભયમાં ફેરવાયો.
Chandrumana patan news

એકબાજુ ગુજરાત સહિત દેશભરમાં યુજીસી સમાનતા બિલ પર સવર્ણોના દબાણ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મૂકી દેવામાં આવતા હોબાળો મચેલો છે. બીજી તરફ દલિત સમાજના લોકો પર હુમલાની ઘટનાઓ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી. આવી જ એક પાટણમાં બની છે. જ્યાં એક ગામમાં એક દલિત વરરાજાના વરઘોડા પર ઠાકોર સમાજના માથાભારે તત્વો અને બુટલેગરો દ્વારા તલવારથી હુમલો કરાતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપીની જાણ કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી છે. વરપક્ષના લોકોએ આ બાબતમાં વધુ કોઈ અનિચ્છનીય ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ કરી છે.

પાટણના ચંદ્રુમાણા ગામની ઘટના

ગુજરાતમાં સામાજિક સમાનતાના દાવાઓ વચ્ચે ફરી એકવાર પાટણ જિલ્લામાંથી દલિત સમાજ પર અત્યાચારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે વિશાલ ગણપતભાઈ ચાવડાના લગ્ન મહેસાણા ખાતે નિર્ધારિત થયા હતા. લગ્નનો માહોલ હતો, ઘરે મહેમાનોની અવરજવર હતી અને વરરાજાની જાન મહેસાણા જવા માટે પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતી. ત્યાં જ ગામમાં ગેરકાયદેસર દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા ઠાકોર સમાજના કેટલાક માથાભારે તત્વો ખુલ્લી તલવારો સાથે વરરાજાના ઘરે ધસી આવ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વરઘોડા પર અચાનક થયેલા આ હુમલાને કારણે પ્રસંગમાં હાજર મહિલાઓ, બાળકો અને વડીલોમાં નાસભાગ મચી ગઈ હતી. જે આંગણે મંગળ ગીતો ગવાતા હતા, ત્યાં અચાનક ડર અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા

પોલીસ કાફલો ઘટનાસ્થળે, એટ્રોસિટી હેઠળ કાર્યવાહીની માંગ

ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના PI અને DySP ને જાણ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પીડિત દલિત પરિવારના જણાવ્યા મુજબ, હુમલો કરનારા તત્વો ગામમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અને અવારનવાર દલિત સમાજ પર રોફ જમાવતા હોય છે.

વરપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે, હુમલો કરનાર તમામ શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે. પરિવારને શાંતિથી લગ્ન સંપન્ન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે અને ભવિષ્યમાં આવા તત્વો ફરીથી હિંમત ન કરે તે માટે દાખલારૂપ પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો: સવર્ણોના ઘર સામેથી ચંપલ પહેરીને નીકળેલા દલિત વર-કન્યાને માર્યા

દલિતો પર હુમલાની ઘટનાઓ યથાવત

આ ઘટના માત્ર પાટણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દેશમાં પ્રવર્તતી એક ગંભીર સામાજિક બદી તરફ આંગળી ચીંધે છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો ડિજિટલ ઇન્ડિયા અને વૈશ્વિક નેતૃત્વની વાતો કરે છે, તો બીજી તરફ આજે પણ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં દલિત વરરાજાનું ઘોડે ચઢવું કે વરઘોડો કાઢવો ઉચ્ચ જ્ઞાતિના કેટલાક અસામાજિક તત્વોને ખૂંચે છે.

જાતિવાદી ગુંડાઓને કાયદાનો ડર કેમ નથી?

તાજેતરમાં જ યુજીસી સમાનતા બિલ પર સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ દેશભરમાં સવર્ણો અને દલિતો વચ્ચે વૈચારિક સંઘર્ષ તેજ બન્યો છે. બંધારણ કલમ 14 અને 15 હેઠળ સમાનતાનો અધિકાર આપે છે, પરંતુ વાસ્તવિકતામાં સામાજિક ભેદભાવ અને હિંસા હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી. લગ્ન જેવા પવિત્ર પ્રસંગે શસ્ત્રો સાથે હુમલો કરવો એ લોકશાહી અને માનવતા માટે શરમજનક બાબત છે. ચંદ્રુમાણાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે કાયદાના શાસન છતાં સ્થાનિક સ્તરે માથાભારે તત્વોનો ખૌફ યથાવત છે. પાટણ પોલીસે આ મામલે તટસ્થ તપાસ કરી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ, જેથી સમાજમાં શાંતિ અને સુરક્ષાનો વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે.

આ પણ વાંચો: દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x