ગુજરાતમાં દારૂના વેચાણ મામલે સરકાર કરતા બૂટલેગરોનું ટર્નઓવર વધુ!

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ સરકારે પરમીટ દ્વારા જેટલો દારૂ વેચ્યો તેના કરતા વધુ ગેરકાયદે દારૂ માત્ર અમદાવાદમાંથી ઝડપાયો.
Gujarat liquor news

ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો દાયકાઓથી અમલમાં છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા આ કાયદો હાસ્યાસ્પદ બની ગયો હોય તેવી સ્થિતિ છે. દારુબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગુજરાતમાં ગામડાઓથી લઈને શહેરની દરેક નાની-મોટી શેરીઓમાં ખૂલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય છે. લોકો ગ્રોસરી પ્રોડક્ટની જેમ દારૂની પણ હોમ ડિલિવરી કરાવી શકે છે, એ કોઈનાથી છૂપું નથી. જો કે, હાલમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ ગુજરાત સરકારની ઊંઘ ઉડાડી દીધી છે અને દારૂબંધીના કડક અમલના દાવાઓની પોલ ખોલી નાખી છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં સરકારે છેલ્લાં બે વર્ષમાં પરમીટથી દારૂ વેચીને જેટલી કમાણી કરી તેનાથી વધુ ગેરકાયદે દારુ એકલા અમદાવાદમાંથી ઝડપાયો હતો.

દારૂ મામલે સરકાર કરતા બુટલેગરોનું ટર્નઓવર વધુ

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં જે વિગતો બહાર આવી છે તે આશ્ચર્યજનક છે. વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન ગુજરાત સરકારને હેલ્થ લિકર પરમિટ ફી પેટે કુલ 16.51 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેની સામે માત્ર અમદાવાદ શહેરમાં જ આ બે વર્ષમાં પોલીસે 20.60 કરોડ રૂપિયાનો વિદેશી અને દેશી દારૂ પકડી પાડ્યો છે. વિચારવા જેવી વાત એ છે કે, આ તો માત્ર એ જથ્થો છે જે પોલીસના હાથે ‘પકડાયો’ છે. જે જથ્થો પકડાયા વગર વેચાઈ ગયો હશે અને દારૂડિયાઓ પી ગયા હશે, તેનો આંકડો તો આનાથી પણ મોટો હોઈ શકે છે. આ સ્થિતિ સૂચવે છે કે સરકાર દારૂડિયાઓને છાવરી રહી છે અથવા તો તંત્ર બૂટલેગરો સામે લાચાર છે.

આ પણ વાંચો: મંદબુદ્ધિના દલિત યુવકને દારૂ પાયો, કૂતરા સાથે શરમજનક કૃત્ય કરાવ્યું

ડ્રગ્સના દૂષણમાં અમદાવાદની હાલત ગંભીર

દારૂની સાથે સાથે ડ્રગ્સનું દૂષણ પણ ગુજરાતના યુવાધનને ખોખલું કરી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 20.53 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. વર્ષ 2024-25માં 16.66 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, પરંતુ વર્ષ 2025-26માં આ આંકડો ઘટીને 3.86 કરોડ થઈ ગયો છે. આ ઘટાડો ડ્રગ્સના વેપારમાં ઘટાડો સૂચવે છે કે પછી પોલીસની કામગીરી નબળી પડી છે? એન્ટી-ડ્રગ્સ સેલની નિષ્ક્રિયતા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે સવા લાખ બોટલો અને 320 કિલો ડ્રગ્સ પકડ્યું હોવા છતાં, ગલીએ ગલીએ મળતો નશો રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

પોલીસ અને બૂટલેગરોની મિલીભગત?

કોઈપણ રાજ્યમાં પોલીસની રહેમનજર વગર ગેરકાયદે વેપાર શક્ય નથી. આ વાતની પુષ્ટિ આંકડા પણ કરે છે. અમદાવાદ અને સુરતમાં દારૂ-ડ્રગ્સના ગોરખધંધામાં સંડોવણી અથવા બેદરકારી બદલ 614 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 40 ઉચ્ચ અધિકારીઓ અને 574 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમ રક્ષકો જ જ્યારે ભક્ષક બને અને બૂટલેગરો સાથે હાથ મિલાવે, ત્યારે દારૂબંધીનો કાયદો માત્ર હસવા પાત્ર બની જાય છે. આંતરજિલ્લા ફેરબદલી કે સામાન્ય દંડથી આ મિલીભગત અટકવાની નથી, તે સ્પષ્ટ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો

હજુ પણ 316 આરોપીઓ પોલીસ પકડથી દૂર

સોલા, સરખેજ, નરોડા અને ઓઢવ જેવા વિસ્તારોમાં પોલીસ સ્ટેશનોએ કામગીરી કરી હોવાના દાવા ભલે વિધાનસભામાં કરાયા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. 24,793 આરોપીઓની ધરપકડ બાદ પણ 316 આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે. સરકાર એક તરફ ગાંધીના ગુજરાતમાં નૈતિકતાની વાતો કરે છે અને બીજી તરફ તંત્રની છત્રછાયા હેઠળ દારૂનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જો આ જ ગતિએ ગેરકાયદે દારૂ અને ડ્રગ્સનું વેચાણ ચાલતું રહ્યું, તો આવનારી પેઢી નશાની ગર્તામાં ધકેલાઈ જશે અને ‘દારૂબંધી’ શબ્દ માત્ર કાગળ પૂરતો મર્યાદિત રહી જશે.

આ પણ વાંચો: DJ પર પ્રતિબંધ મૂકાતા સંચાલકોએ કહ્યું, ‘તો પછી અમારે દારૂ ગાળવો પડશે!’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x