કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે આગામી વસ્તી ગણતરી સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવામાં આવશે. સરકારની રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકારના આ નિર્ણયને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.
કેબિનેટ બ્રીફિંગમાં, વૈષ્ણવે કહ્યું, “કોંગ્રેસ હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરતી રહી છે. આઝાદી પછી ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. 2010 માં તત્કાલીન વડા પ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહે સંસદમાં ખાતરી આપી હતી કે કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરી પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધને આ મુદ્દાનો ઉપયોગ ફક્ત રાજકીય લાભ માટે કર્યો છે. કેટલાક રાજ્યોએ બિન-પારદર્શક રીતે જાતિ આધારિત સર્વેક્ષણ હાથ ધર્યું છે. અમે નક્કી કર્યું છે કે જાતિગત વસ્તી ગણતરી મુખ્ય વસ્તી ગણતરીનો ભાગ હોવી જોઈએ. આ સુનિશ્ચિત કરશે કે રાષ્ટ્ર આર્થિક અને સામાજિક રીતે મજબૂત બને.”
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ, ઈન્ડિયા ગઠબંધન અને કેટલાક પ્રાદેશિક પક્ષો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરે. તાજેતરમાં કોંગ્રેસ શાસિત કર્ણાટકે પોતાનો જાતિ સર્વે હાથ ધર્યો. જોકે, કર્ણાટકના વોક્કાલિંગા અને લિંગાયત સમાજ તરફથી તેનો વિરોધ થયો હતો. આ સમાજોની દલીલ છે કે દસ વર્ષ પહેલાં શરૂ કરાયેલ ‘સામાજિક અને શૈક્ષણિક સર્વેક્ષણ અહેવાલ’ તેમના હિતોનું પૂરતું પ્રતિનિધિત્વ કરતું નથી અને તેની સંપૂર્ણ સમીક્ષા કરવાની જરૂર છે.
આ પણ વાંચો: વસ્તી ગણતરીની મથામણ, માયાજાળ અને મતભેદ
અહીં એ યાદ રાખવું જોઈએ કે, વર્ષ ૧૯૫૧ થી ૨૦૧૧ સુધી સ્વતંત્ર ભારતમાં થયેલી દરેક વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો છે. પરંતુ આમાં અન્ય જાતિઓ વિશે કોઈ માહિતી નથી. અગાઉ, ૧૯૩૧ સુધીની દરેક વસ્તી ગણતરીમાં જાતિ વિશેનો ડેટા હતો.
સંઘીઓ અમારા એજન્ડા પર નાચતા રહેશે: લાલુ પ્રસાદ યાદવનો ટોણો
બિહારના ભૂતપૂર્વ સીએમ લાલુ યાદવે પણ સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી. આના પર લાલુએ કહ્યું, “જ્યારે હું જનતા દળનો રાષ્ટ્રીય અધ્યક્ષ હતો, ત્યારે દિલ્હીમાં અમારી સંયુક્ત મોરચાની સરકારે 1996-97માં 2001ની વસ્તી ગણતરીમાં જાતિ ગણતરી કરાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં NDAની વાજપેયી સરકારે આનો અમલ કર્યો ન હતો. અમે 2011ની વસ્તી ગણતરીમાં જાતિ ગણતરી માટે સંસદમાં જોરદાર માંગણી ઉઠાવી હતી. મેં, સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ અને સ્વર્ગસ્થ શરદ યાદવે આ માંગણી પર ઘણા દિવસો સુધી સંસદને સ્થગિત કરી દીધી હતી અને બાદમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે સામાજિક-આર્થિક સર્વેક્ષણ કરાવવાની ખાતરી આપ્યા પછી જ સંસદને કાર્ય કરવા દીધું હતું. દેશમાં પહેલો જાતિ સર્વેક્ષણ પણ બિહારમાં અમારી 17 મહિનાની મહાગઠબંધન સરકાર દરમિયાન કરવામાં આવ્યો હતો.
આપણે સમાજવાદીઓ 30 વર્ષ પહેલાં અનામત, જાતિ ગણતરી, સમાનતા, બંધુત્વ, ધર્મનિરપેક્ષતા વગેરે વિશે જે વિચારીએ છીએ, તે દાયકાઓ પછી બીજા લોકો પણ કરે છે.”
આ પણ વાંચો: વાદળી રંગ કેવી રીતે દલિત આંદોલન-દલિત રાજનીતિનું પ્રતિક બન્યો?
લાલુએ વધુમાં કહ્યું કે જાતિગત વસ્તી ગણતરીની માંગણી કરવા પર જેમણે અમને જાતિવાદી કહ્યા તેમને યોગ્ય જવાબ મળ્યો, હજુ ઘણું બાકી છે. તેમણે એમ પણ કહ્યું કે આ સંઘીઓ આપણા એજન્ડા પર નાચતા રહેશે.
રાહુલ ગાંધીએ કહ્યું – સરકાર ટાઈમલાઈન જાહેર કરે
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં જાતિગત વસ્તી ગણતરી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનું સમર્થન કરીએ છીએ. પરંતુ સરકારે જણાવવું જોઈએ કે તે કઈ તારીખ સુધીમાં જાતિગત આધારિત વસ્તી ગણતરી હાથ ધરશે. આ સાથે રાહુલ ગાંધીએ વસ્તી ગણતરી માટે બજેટ ફાળવવાની પણ માંગ કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સંસદમાં કહ્યું હતું કે અમે જાતિગત વસ્તી ગણતરી કરીશું. અમે એમ પણ કહ્યું હતું કે અમે 50 ટકાની મર્યાદાને નાબૂદ કરીશું, જે એક કૃત્રિમ દિવાલ છે. નરેન્દ્ર મોદી કહેતા હતા કે ફક્ત ચાર જાતિઓ છે (ગરીબ, મધ્યમ વર્ગ, શ્રીમંત અને ખૂબ શ્રીમંત). પરંતુ આ ચારમાં કોણ ક્યાં છે તે જાણવા માટે, જાતિ આધારિત આંકડા જરૂરી છે. જાતિગત વસ્તી ગણતરી એ પહેલું પગલું છે, પરંતુ આપણે આનાથી આગળ વધવું પડશે. મને ખબર નથી શું થયું પણ અચાનક ૧૧ વર્ષ પછી જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરવામાં આવી. અમે તેને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ પણ અમને સમયમર્યાદા જોઈએ છે. અમે જાણવા માંગીએ છીએ કે આ ક્યારે થશે. એ પહેલું પગલું છે.
આ પણ વાંચો: ચંદ્ર ગોવિંદ દાસ સામે સુરતમાં રાજદ્રોહ-એટ્રોસિટીની અરજી થઈ