ચાંદખેડા અમદાવાદ (Chandkheda Ahmedabad) શહેરનો દલિત સમાજ(Dalit community)નો સૌથી પોશ વિસ્તાર ગણાય છે. ગાંધીનગર અને અમદાવાદની સરકારી કચેરીઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજતા અનુસૂચિત જાતિ સમાજના અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને સામાજિક કાર્યકરો આ વિસ્તારમાં રહે છે. નવાઈની વાત એ છે કે, તેમ છતાં આ વિસ્તારની 40 જેટલી સોસાયટીઓમાં છેલ્લાં ત્રણ મહિના કરતા વધુ સમયથી પાણીની વિકટ સમસ્યા (water problem) સર્જાઈ છે. સરકારના મેટ્રો અને સ્માર્ટ સિટીમાં વિકાસ અને નલ સે જલ યોજના થકી છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવાના દાવાઓની રાજ્યના સૌથી મોટા શહેરના સૌથી પોશ ગણાતા વિસ્તારમાં જ પોલ ખૂલી ગઈ છે. ચાંદખેડામાં પાણીની સમસ્યા કઈ હદે વિકટ બની ગઈ છે તેનો અંદાજ એના પરથી પણ લગાવી શકાય તેમ છે કે, અહીં પાણી ન આવતું હોવાથી લોકો નજીકમાં રહેતા પોતાના સગાઓના ઘરે નહાવા, કપડાં ધોવા માટે જવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચોઃ ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?
ભાજપ-કોંગ્રેસના ચૂંટાયેલા નેતાઓનું કશું ચાલતું નથી?
એસપી રિંગ રોડ નજીક ગાંધીનગર અને અમદાવાદની સરહદ પર આવેલું ચાંદખેડા દલિત સમાજની રાજકીય, સામાજિક અને આર્થિક સત્તાનું પાવર સેન્ટર છે. પરંતુ આ વિસ્તારમાં છેલ્લાં ત્રણ મહિનાથી પાણીની સમસ્યાએ માથાનો દુઃખાવો બની ગઈ છે. લોકો પાણી માટે ટેન્કર પર નિર્ભર બન્યાં છે, તેમ છતાં નેતાઓને કશી પડી નથી. પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ખૂબ ભારે રોષ ફેલાયો છે. અહીં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરો ચૂંટાયેલા છે, તેમ છતાં કોઈ કોર્પોરેટર પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવી શક્યા નથી. જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધને સાળાએ દલિત બનેવીને ગોળી મારી બહેનને વિધવા કરી
ચાંદખેડાના ભાજપના કોર્પોરેટરે શું કહ્યું?
આ મામલે ચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતે એએમસીના વોટર વિભાગના અધિકારીઓ પર રોષ ઠાલવતા કહ્યું હતું કે, ‘છેલ્લા ઘણાં સમયથી હું મારા મત વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે અધિકારીઓને રજૂઆત કરું છું. જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું એએમસીના અધિકારીઓ સામે આંદોલન કરીશ. લોકો ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે. એએમસી કેટલી જગ્યાએ પાણીના ટેન્કર મોકલશે? તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે.’
આ પણ વાંચોઃ દલિત કાવડીયાને સવર્ણોએ મંદિરમાં જળ ચઢાવતા રોકી ફટકાર્યો
પાણી આવતું ન હોવાથી સગાઓને ઘેર નહાવા-ધોવા જવું પડે છે
ચાંદખેડામાં પાણીની સમસ્યા કેટલી વિકટ છે તેનો અંદાજ એનો અંદાજ ગૃહિણીઓના રોષ પરથી પણ આવી શકે છે. એક મહિલાએ જણાવ્યું હતું કે, ‘અમારી સોસાયટીમાં ત્રણ મહિનાથી પાણીની સમસ્યા છે. વહેલી સવારે બાળકોને સ્કૂલે જવાનું હોય ત્યારે પાણી ભરવા માટે આવવું પડે છે. ટેન્કર આવે છે ત્યારે લોકો પડાપડી કરે છે. એમાં ઝઘડા પણ થાય છે. ઘણીવાર બીજાને ત્યાંથી પાણી ભરીને લાવવું પડે છે. પાણી આવતું ન હોવાથી અમારે નજીકમાં રહેતા સગાઓના ઘરે નહાવા અને કપડાં ધોવા માટે જવું પડે છે. આજકાલ કરતા ત્રણ મહિના થઈ ગયા પણ કોઈ નેતા જોવા આવ્યા નથી.’
સ્થાનિકોએ દરરોજ પાણીનું ટેન્કર મગાવવું પડે છે
મળતી માહિતી મુજબ ચાંદખેડાના ડી કેબીન રેલવે અન્ડરપાસ પાસે નવી પાણીની ટાંકી અને વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે, જેનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી પીવાના પાણીનો સપ્લાય ઓછો આવી રહ્યો છે. પાણીની સમસ્યાને લઈને લોકોએ રોજ ટેન્કર મંગાવવા પડે છે. ખાનગી સોસાયટીઓ પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવી રહી છે. પરંતુ ગરીબ-સામાન્ય નાગરિકોનું કોઈ રણીધણી નથી. તેમના માટે પાણી હવે દરરોજનો સંઘર્ષ બની ગયું છે. લોકો કહે છે કે, ભાજપના કોર્પોરેટરનું જો એએમસીના અધિકારીઓ સાંભળતા ન હોય તો સામાન્ય માણસનું તો ક્યાંથી કશું ઉપજે?
આ પણ વાંચોઃ ‘તને ઘોડી પર બેસવાનો હક નથી’ કહી દલિત વરરાજાને ઘોડી પરથી ઉતાર્યા?
નેતાઓ માત્ર વાતોના વડાં કરે છેઃ સ્થાનિકો
ચાંદખેડામાં અગાઉ ક્યારેય પણ પાણીની સમસ્યા સર્જાઈ નથી, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી અહીં પાણીની સમસ્યા વિકટ બની છે. અહીંની શૈલગંગા પાણીની ટાંકીમાં પાણીનો સપ્લાય ખૂબ જ ઓછો આવી રહ્યો હોવાથી ટાંકી આખી ભરાતી નથી, જેના કારણે ખૂબ સમસ્યા થઈ રહી છે. એએમસીમાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પણ પુરી શકતા નથી. સ્માર્ટ અને મેટ્રો સિટીના સરકારના દાવાઓની પણ આ સમસ્યાએ પોલ ખોલી નાખી છે. જોવાનું એ રહે છે કે, તંત્ર આ મામલે શું પગલાં લે છે.
આ પણ વાંચોઃ દલિતોને ગામમાં પ્રવેશતા રોકવા સવર્ણોએ 200 ફૂટની દિવાલ ચણી નાખી