ભારતનું બંધારણ પુખ્ય વયની દરેક વ્યક્તિને પોતાને ગમતી વ્યક્તિ સાથે મરજી મુજબ લગ્ન કરવાની છૂટ આપે છે. પરંતુ જાતિવાદ અને પોતાની કોમની કથિત આબરૂ બચાવવાના બહાને આંતરજાતિય લગ્ન કરનાર પ્રેમીયુગલોની તેમના પરિવારજનો કે સમાજના લોકો દ્વારા હત્યા કરી દવામાં આવે છે. છેલ્લાં પાંચ દિવસમાં આવી ત્રણ ઘટનાઓ મીડિયામાં ચમકી છે, જેમાં અન્ય જાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હોય. તમિલનાડુમાં ટીસીએસ કંપનીમાં મહિને 2 લાખનો પગાર મેળવતા દલિત યુવકની તેના સાળાએ દાતરડાથી હત્યા કરી નાખી હતી.
ગઈકાલે બિહારમાં પણ એક દલિત યુવકની તેના બ્રાહ્મણ સસરાએ કોલેજ કેમ્પસમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી નાખી હતી. હવે આવી ત્રીજી એક ઘટના સામે આવી છે. જેમાં ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની રક્ષાબંધનના દિવસે ખેતરમાંથી ગોળી મારેલી હાલતમાં લાશ મળી આવી છે. યુવકે હજુ બે મહિના પહેલા જ ગામની અન્ય જાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવકની પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેના ભાઈએ જ તેના પતિની હત્યા કરી નાખી છે. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
રક્ષાબંધનના દિવસે જ ભાઈએ બહેનને વિધવા કરી?
ઘટના જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીંના સુલતાનપુરમાં એક દલિત યુવકની ખેતરમાંથી ગોળી મારીને હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. યુવકે હજુ 2 મહિના પહેલા જ ગામની છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પત્નીએ તેના ભાઈ પર આરોપ લગાવ્યો છે. રક્ષાબંધનના બીજા જ દિવસે આ ઘટના બનતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ
ઉત્તરપ્રદેશના સુલતાનપુરના પરશુરામપુરની ઘટના
મળતી માહિતી મુજબ દલિત યુવક સવારે ખેતરમાં કામે ગયો હતો અને ગામલોકોને ખેતરમાં જ તેનો મૃતદેહ મળ્યો હતો. એ પછી લોકોએ તેના પરિવારને ઘટનાની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી યુવકની પત્ની તેના મૃતદેહને ગળે લગાવીને ચોધાર આંસુએ રડી પડી હતી. આ ઘટના કુડવાર પોલીસ સ્ટેશનના ભંડરા પરશુરામપુર ગામની છે. પરિવારે પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકો પાસેથી ઘટનાની માહિતી લીધી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
દલિત યુવકની ખેતરમાંથી લાશ મળી
મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ નવનીત છે અને તે સવારે ખેતરમાં ગયો હતો. પરત ફરતી વખતે રસ્તામાં હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આરોપીઓ તેને ગોળી મારીને ભાગી ગયા હતા. નવનીતે લગભગ બે મહિના પહેલા તે જ ગામની છોકરી શિવાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
પોલીસે શું કહ્યું
કુડવારના પીઆઈ અમિત મિશ્રાએ જણાવ્યું કે નવનીતની પત્ની શિવાનીએ તેના ભાઈ રજનીશ પર ગોળી મારીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. મૃતક દલિત યુવક નવનીત ત્રણ ભાઈઓમાં બીજા નંબરે હતો. તેને બે બહેનો છે. હાલ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા દલિત યુવકની ગોળી મારી હત્યા











Users Today : 1289