હળવદના ચરાડવા ગામે અનુસૂચિત જાતિ સમાજ માટે સ્મશાન અને દફનવિધિની અત્યંત ગંભીર તેમજ સંવેદનશીલ સમસ્યા સામે આવી છે. ગામમાં દલિત સમાજની વસ્તી આશરે 2500 જેટલી હોવા છતાં, હાલ ફાળવેલી જગ્યા વસ્તીના પ્રમાણમાં ખૂબ જ અપૂરતી અને સખત પથરાળ છે. આ ગંભીર મુદ્દે વિરમગામના દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ મહેસૂલ વિભાગના અગ્ર સચિવશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ચરાડવા ગામના દલિત સમાજને ફાળવાયેલી વર્તમાન સ્મશાન ભૂમિ અત્યંત પથરાળ છે. જમીન પથરાળ હોવાને કારણે સામાન્ય સંજોગોમાં ખાડો ખોદવો અશક્ય બને છે, જેના લીધે શોકગ્રસ્ત પરિવારોએ મજબૂરીવશ જેસીબી મશીન ભાડે રાખવું પડે છે. ગરીબ પરિવારો આર્થિક ભાર સહન કરવા અસમર્થ હોવા છતાં તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સૌથી મોટી કરુણા તો એ છે કે જગ્યાના અભાવે અગાઉ દફનાવેલ મૃતદેહોના અવશેષો નવી દફનવિધિ વખતે બહાર આવી જાય છે, જે મૃતકની ગરિમા તેમજ પરિવારજનોની સંવેદનશીલ લાગણીઓનું ગંભીર અપમાન છે.

આ પણ વાંચો: ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?
આ ગંભીર મામલે ભારતીય બંધારણના વિવિધ અનુચ્છેદો ટાંકવામાં આવ્યા છે જેમાં બંધારણની કલમ 21 હેઠળ જીવન અને ગરિમાનો અધિકાર જણાવવામાં આવ્યો છે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ મુજબ જીવન જીવવાનો અધિકાર માત્ર જીવિત વ્યક્તિ પૂરતો સીમિત નથી, પરંતુ મૃત્યુ બાદ ગરિમાપૂર્ણ અને પરંપરાગત રીતે અંતિમ સંસ્કાર કે દફનવિધિ મેળવવાનો મૂળભૂત અધિકાર પણ તેમાં સામેલ છે.
કલમ 14 અને 15 અંતર્ગત સમાનતા અને ભેદભાવ મુક્તિની વાત છે કે ગામના અન્ય વર્ગોની સરખામણીએ અનુસૂચિત જાતિ સમાજને પૂરતી સ્મશાન સુવિધાથી વંચિત રાખવો એ સમાનતાના અધિકારનો ખુલ્લો ભંગ છે. આ ઉપરાંત કલમ 25 અને 46 મુજબ ધાર્મિક માન્યતાઓ મુજબ દફનક્રિયાનો અધિકાર તેમજ સામાજિક ન્યાય અને વિશેષ હિતોની રક્ષા કરવી એ રાજ્ય સરકારની બંધારણીય ફરજ છે.
આ પણ વાંચો: RDAMના રાજ્ય સહ કન્વીનર તરીકે કિરીટ રાઠોડની નિમણૂક

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અગાઉ વર્ષ 2016, 2018 અને છેલ્લે તારીખ 4-12-2024 ના રોજ નિયત નમૂનામાં અરજીઓ કરવામાં આવી હતી. આ દરખાસ્ત અન્વયે વહીવટી તંત્ર દ્વારા સર્કલ ઓફિસરશ્રીની ઉપસ્થિતિમાં ચરાડવા મુકામે આવેલ સરકારી ખરાબાના સર્વે નં. 2105 પૈકી હેક્ટર 0-40-47 ચોરસ મીટર જમીન પર વિધિવત સ્થળ તપાસ અને પંચરોજકામની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ જમીન પર કોઈ વીજ લાઈન, ટેલિફોન લાઈન કે વોંકળો પસાર થતો નથી અને તે તમામ રીતે નિર્વિવાદ તથા યોગ્ય છે. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ પણ આ જગ્યા સ્મશાન માટે નીમ કરવા સંપૂર્ણ સંમત છે.
દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા માંગ કરી છે કે દફનવિધિ જેવી અતિસંવેદનશીલ અને માનવ ગરિમા સાથે જોડાયેલી બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. ચરાડવા ગામના સર્વે નં. ૨૧૦૫ પૈકીની હેક્ટર 0-40-47 ચોરસ મીટર જમીન અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન હેતુ માટે સત્વરે હુકમ કરી નીમ કરવામાં આવે તેવી ભારપૂર્વક અપીલ કરાઈ છે. જો આ અંગે વહેલી તકે સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો: 2026માં કેટલા સફાઈકર્મીઓએ જીવ ગુમાવ્યા?












