ગુજરાતના કથિત વિકાસની પોલ દર વર્ષે ચોમાસા દરમિયાન ખૂલી જાય છે. શહેરોથી લઈને અંતરિયાળ ગામડાઓમાં ભાજપના જ મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવાયેલા રસ્તા એક જ વરસાદમાં ધોવાઈ જાય છે, બ્રિજો તૂટી પડે છે. બીજી તરફ આદિવાસી વિસ્તારોની હાલત તેનાથી પણ ખરાબ થાય છે. અહીં વાહનવ્યવહાર માટેના પાકા રસ્તા જ નથી. પરિણામે બીમાર વ્યક્તિ કે પ્રસુતાને ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવી પડે છે. આવી જ વધુ એક ઘટના છોટા ઉદેપુર જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક પ્રસુતાને ઝોળીમાં નાખીને 4 કિમી દૂર એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી.
છોટાઉદેપુરના ભૂંડમારિયા ગામની ઘટના
છોટાઉદેપુરના ભૂંડમારિયા ગામની એક પ્રસૂતાને ગામલોકો જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ ગયા હતા. ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલા કોટબી સુધી પહોંચવા માટે ગ્રામજનોએ મહિલાને ઝોળીમાં નાખી કાદવ-કિચડવાળા રસ્તાઓ, કોતરો અને ઝરણાં પાર કરીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. મહિલાને ગઈકાલે વહેલી સવાર પ્રસૂતિની પીડા ઉપડી હતી.પરંતુ ગામમાં રસ્તાનો અભાવ હોવાથી 108 આવી શકે તેમ ન હોવાથી 108 ને ફોન કરીને ચાર કિલોમીટર દૂર કોટબી બોલાવવામાં આવી હતી.
4 કિમી સુધી પ્રસુતાને ઉચકીને લઈ જવી પડી
પ્રસૂતાના પરિવારજનો કાપડની ઝોળી બનાવીને મહિલાને ઝોળીમાં સુવડાવી ઉંચકીને ચાલતા કોટબી સુધી જવા નીકળ્યા હતા અને કાદવ કિચડથી ભરપૂર રસ્તો, કોતરના પાણી, ઝરણા પસાર કરીને આખરે કોટબી ઊભી રહેલી 108 સુધી પહોંચ્યા હતા. જ્યાંથી મહિલાને 108 માં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુર જિલ્લામાં પ્રસૂતા અથવા બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવે છે. અવારનવાર કિસ્સા સામે આવે છે પરંતુ વહીવટીતંત્ર આ બાબતે કોઈ ધ્યાન અપાતું નથી. આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાઓના અભાવે આજે પણ લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે અને કટોકટીના સમયે પણ તેમને પૂરતી તબીબી સુવિધાઓ સમયસર મળી શકતી નથી.
આ પણ વાંચો: અંબાજીના છાપરીમાં આદિવાસી બાળકો જીવના જોખમે ભણવા મજબૂર
ભૂંડમારીયા ગામના નરેશભાઈ ભીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારા ગામમાં રસ્તાના અભાવે 3 થી 4 કિમી ચાલીને મહિલાને હોસ્પિટલ લઈ ગયા છીએ. સરકાર અમારા ગામ સુધી રસ્તો કરી આવે તેવી માંગ છે.
ભાજપ ધારાસભ્યે ઝોળીને ‘ટ્રેન્ડ’ ગણાવી મજાક ઉડાવી હતી
થોડા દિવસ પહેલા છોટા ઉદેપુર ખાતે ભાજપ દ્વારા સરપંચ સન્માન સંમેલન યોજાયું હતું. જેમાં છોટા ઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જાહેર મંચ પરથી ઝોળીમાં પ્રસૂતાને લઈ જવાતા વીડિયોને ટ્રેન્ડ ગણાવી મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે, આજકાલ પ્રસુતાને ઝોળીમાં લઈ જવાતા વીડિયો બનાવવાની હોડ જામી છે અને આવા વીડિયોથી જિલ્લાનું ખરાબ દેખાય છે. તેમણે જિલ્લામાં રોડ-રસ્તા નથી તેની શરમ અનુભવવાને બદલે ઉલટાનું લોકો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે સૂઓમોટો પીટીશન લીધી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
અગાઉ ગત 1 ઓક્ટોબર 2024ના રોજ છોટા ઉદેપુરના જ તુરખેડામાં એક મહિલાને ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી. જેમાં ડરના કારણે બાળકના જન્મ બાદ મહિલાનું મોત નીપજ્યું હતું અને આ મામલે ગુજરાત હાઇકોર્ટે સૂઓમોટો પીટીશન પણ દાખલ કરી હતી, તેમ છતાં તંત્રને કોઈ અસર થઈ નથી. હાઇકોર્ટનું માથું શરમથી ઝૂક્યું પણ સરકારને હજુ પણ તેનાથી કોઈ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી.
આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યે કહ્યું, ‘સગર્ભાને ઝોળીમાં લઈ બે ખેતર તો ચાલવું પડે!’