કેવડિયામાં દુકાન-ઘરો તોડવા મામલે આદિવાસી નેતાઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ

કેવડિયામાં આદિવાસીઓની 34 દુકાનો, 8 ઘરો તોડી પાડવાના વિરોધમાં આજે યોજાયેલી રેલીમાં આદિવાસી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
kevadia news

નર્મદાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે નર્મદા નિગમ અને વહીવટીતંત્ર દ્વારા ગત 15 મે નાં રોજ વહેલી સવારે સ્થાનિક આદિવાસીઓની 34 જેટલી દુકાનો અને 8 જેટલા ઘરો તોડી પડાતા સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.

kevadia news

 

આ ઘટનાના વિરોધમાં આજે સમગ્ર રાજ્યભરમાંથી આદિવાસી સમાજનાં વિવિધ સંગઠનો, કોંગ્રેસ અને આપ સહિત રાજકીય પાર્ટીનાં આગેવાનોએ કેવડિયા જુના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતાં. આ તમામે રેલી સ્વરૂપે જવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. પરંતુ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ મંજુરી ન આપતા આજે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે બબાલ થઈ

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડિમોલેશનના વિરોધમાં અને પીડિતોના વળતર માટે રેલી સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEOને આવેદનપત્ર સુપ્રત કરવા પોલીસને ચકમો આપવા કાફલા સાથે જંગલ માર્ગે નીકળ્યા હતા. પરંતુ પોલીસને બાબતની જાણ થતાં તેમને ઝરવાણી નજીક રોકી પાડ્યા હતા. જ્યાં ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી.
ચૈતર વસાવાએ પોલીસને કહ્યું હતું કે, તમે અમારા લોકોના ઘર રાત્રે તોડો છો તો અમે હવે તમારા ઘરો તોડી પાડીશું. ચૈતર વસાવાએ નર્મદા ડી.એસ.પી પ્રશાંત શુંબેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તમારી પોલીસ લોકશાહીમાં અમને આવેદનપત્ર આપતા રોકે છે. આ તમામની વચ્ચે લગભગ 2 થી 3 કલાકની રકઝક બાદ ચૈતર વસાવા અને એમના 4, 5 સમર્થકોને આવેદનપત્ર આપવા માટે ઝરવાણી ગામથી નર્મદા પોલીસ વાહનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્રની ઓફિસ પર લઈ જવાયા હતા. ત્યાં તેઓ સ્થાનિકો આદિવાસીઓને સાથે રાખીને CEOને મળ્યા હતા.

આ પણ વાંચો:  વાલ્મિકી યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, પરિવારે કહ્યું આ હત્યા છે

સડકથી સંસદ સુધી લડીશું: ચૈતર વસાવા

ચૈતર વસાવાએ તોડી પડાયેલા લારી ગલ્લાવાળાઓને જણાવ્યું હતું કે, અધિકારીઓએ અમને કહ્યું છે કે, જે લોકોના ઘરો તૂટ્યાં છે અને જેમની પાસે પૂરતા પુરાવા હશે તેમને આવતા સાત દિવસમાં પેકેજ મુજબ વળતર ચૂકવાશે. અમે તંત્ર યોગ્ય વળતર ચૂકવે છે કે નહીં તેની રાહ જોઈએ છીએ. જો જરૂર પડી તો આવનારા દિવસોમાં ફરીથી મોટા કાર્યક્રમો કરીશું. અમારી લડત સડકથી લઈને સદન સુધી ચાલતી રહેશે.

kevadia news

ઉલ્લેખનીય છે કે, આદિવાસી આગેવાનોના આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાના દરેક પોઈન્ટ પર વાહનોને એક એક કરીને ચેક કર્યા બાદ જ અંદર જવા દેવાતા હતા.

ડૉ.પ્રફૂલ વસાવાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

આ તરફ કેવડીયા બચાવો આંદોલન સમિતિના ડૉ. પ્રફુલ વસાવાએ ડિમોલેશનના વિરોધમાં નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તો નાંદોદનાં પૂર્વ ધારાસભ્યને નજરકેદ કરી રાજપીપળા પોલીસ સ્ટેશન રોકી રાખવામાં આવ્યા હતા.
આદિવાસીઓ પોતાની જ જમીન પર નિરાધાર બન્યાં

કેવડિયામાં આવેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આદિવાસી સમાજની હકની જમીન પર બન્યું છે. અહીં સાધુ બેટ પર તેમના દેવનું સ્થાનક પણ હતું. પરંતુ તંત્રે તેની પરવા કર્યા વિના આ જમીન સંપાદિત કરી હતી. જેમાં વિસ્થાપિત થયેલા આદિવાસીઓને યોગ્ય વળતર પણ ચૂકવાયું નહોતું. સેંકડો આદિવાસીઓ જમીનવિહોણાં થઈ ગયા હતા. હવે એ સંપાદિત જમીન પર વિકાસકાર્યો થઈ રહ્યાં છે અને બાકી હતું તો હવે સ્થાનિક તંત્રે આદિવાસીઓની દુકાનો પણ તોડી પાડીને બેરોજગાર કરી દીધાં છે. આમ આદિવાસીઓ પોતાની જ જમીન પર હવે જમીનવિહોણાં નિરાધાર બની ગયા છે.

આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરામાં કામ કરતા સફાઈકર્મીઓ આંદોલનના માર્ગે

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં SC-ST-OBC યુવકોને અન્યાય થાય છે?
0
Would love your thoughts, please comment.x
()
x