સાબરકાંઠા જિલ્લામાં સોશ્યલ મીડિયા પર ડો.બાબાસાહેબ આંબેડકર વિશે અભદ્ર નિવેદન કરનાર ઈસમ વિરૂદ્ધ એક જાગૃત દલિત યુવકે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ફરીયાદી સંજય ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ.૪૨, રહે. સાકરીયા સોસાયટી, ઈડર, તા.ઈડર, જી.સાબરકાંઠા) એ ઈડર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ સાતેક મહિના અગાઉ ડો.આંબેડકરના ફોટા સાથેની રિલ્સમાં ભારતરત્ન બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક કોમેન્ટ કરી હતી. જેને લઈને ફરિયાદ સંજય પરમારે આ ઈસમને પૂછપરછ માટે ફોન કર્યો હતો.
એ દરમિયાન આરોપીએ માફી માગવાને બદલે ફરિયાદી સંજય પરમારને ફોન કરીને અને વોટ્સએપ મેસેજ કરીને ડો.આંબેડકર વિશે અભદ્ર નિવેદનો કર્યા હતા. એટલું જ નહીં આરોપી ઈસમે ફરિયાદીને મા-બહેન વિશે અપશબ્દો લખીને જાતિ વિષયક બિભત્સ મેસેજ અને ઓડિયો ક્લિપ મોકલી હતી. વાત આટલેથી પણ અટકતી નથી. આરોપીએ ફરી સંજય પરમારને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આથી સંજય પરમારે આરોપી ઈસમ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: અસામાજિક તત્વોએ રાત્રે Dr. Ambedkar ની પ્રતિમા ખંડિત કરી
જાગૃત યુવાનને ખુબ ખુબ અભિનંદન જેમાં પરમ પૂજ્ય બાબા સાહેબ ડો.ભીમરાવ આમ્બેડકર પ્રતિ પ્રેમ અને સ્નેહ ઉજાગર થયો છે, જે દલિત સમાજના દરેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. જયભીમ! ધન્યવાદ!