અમદાવાદના બોપલમાં ગયા અઠવાડિયે ધ ગાર્ડન બંગલોઝ સોસાયટીમાં ગટરલાઇન સાફ કરતી વખતે બે શ્રમિકોના ગૂંગળાઈ જવાથી મોત થયા હતા. આ મામલે હવે પોલીસે કાર્યવાહી કરી છે અને આ મામલે બેદરકારી દાખવનાર પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ કોન્ટ્રાક્ટરનું નામ મુકેશ ઠાકુર છે. તેણે સોસાયટીમાં રૂ.1.50 લાખના ખર્ચે ગટરની સફાઈ અને ડ્રેનેજ કનેક્શનનો કોન્ટ્રાક્ટ લીધો હતો. ગત તા. 5 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના અમેઠીના બે શ્રમિકો વિકાસ કોરી (ઉં.વ.20) અને કનૈયા કોરી (ઉં. 21)ને કોઈપણ સુરક્ષા સાધનો વિના સુએઝ લાઇનમાં ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં લાઇન સાફ કરવા માટે હાઇ-પ્રેશર મશીન ચલાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચો: ભેંસાણમાં તલાટી,વહીવટદારે સફાઈકર્મીને ધમકાવી ગટરમાં ઉતાર્યો?
બાદમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓને બચાવ કામગીરી માટે બોલાવવામાં આવ્યા હતા. બંને શ્રમિકોને સાયન્સ સિટીની સિટી પ્લસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કનૈયાને બપોરે 3:40 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં પ્લમ્બર તરીકે કામ કરતો વિકાસ પણ એ જ રાત્રે 10:25 વાગ્યે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.

વિકાસના પિતા લાલ બહાદુર છોટેલાલે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવીને માણસોને સુરક્ષા સાધનો વિના સુએઝ લાઇનમાં કામ કરવા મજબૂર કર્યા હતા, જોકે તે જોખમોથી વાકેફ હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કોન્ટ્રાક્ટરે જોખમી ગટર સફાઈના કામ માટે શ્રમિકોને હેલ્મેટ, ઓક્સિજન માસ્ક કે સુરક્ષા પોશાક પુરા પાડ્યા નહોતા. જેના કારણે બંને શ્રમિકોનું ગૂંગળાઈ જવાથી મોત થયું હતું. ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: દલિત સગીરા સાથે ગેંગરેપ, 4 યુવકોએ જંગલમાં ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું










