પેટલાદમાં કોન્ટ્રાક્ટરે દલિતોનું સ્મશાન ખોદી નાખતા અસ્થિ બહાર દેખાયા!

પેટલાદની મલાવ ભાગોળ પાસે દલિત સમાજની વર્ષો જૂની દફનવિધિની જગ્યાએ મંજૂરી વિના ખોદકામ કરાતા અસ્થિઓ બહાર નીકળતા ભારે રોષ.
Petlad news

પેટલાદ: પેટલાદ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં વિવિધ સ્થળોએ બ્યુટીફિકેશન અને વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, આ વિકાસની કામગીરીમાં ખાનગી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી હવે લોકોની આસ્થા અને પૂર્વજોની યાદો પર આઘાત સમાન સાબિત થઈ રહી છે. તાજેતરમાં શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

શું છે સમગ્ર ઘટના?

મલાવ ભાગોળ વિસ્તારમાં રોહિત સમાજની વર્ષો જૂની સ્મશાનભૂમિ આવેલી છે. અહીં સમાજ દ્વારા પરંપરાગત રીતે મૃતદેહોની દફનવિધિ કરવામાં આવે છે. પાલિકા પાસેથી બ્યુટીફિકેશનનો કોન્ટ્રાકટ મેળવનાર ખાનગી એજન્સીએ પોતાની કામગીરી દરમિયાન કોઈ પણ જાતની પૂર્વ સૂચના કે પરવાનગી વગર આ જગ્યામાં જેસીબી મશીન ઉતારી દીધું હતું.

કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કરવામાં આવેલા ખોદકામને કારણે જમીનમાં દફન કરવામાં આવેલા મૃતદેહોના હાડકાં અને અસ્થિઓ બહાર નીકળી આવ્યા હતા. આ અસ્થિઓ જાહેરમાં અસ્તવ્યસ્ત હાલતમાં વેરાયેલા જોવા મળતા સ્થાનિક દલિતોમાં ગમગીની સાથે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: સ્મશાનનો રસ્તો ન અપાતા દલિત વૃદ્ધાની ચોકમાં અંતિમવિધિ કરાઈ

તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટર એજન્સીની મનમાની

ઘટનાની જાણ થતા જ રોહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, નગરપાલિકા દ્વારા જે તે એજન્સીને આ ચોક્કસ વિસ્તારમાં કે સ્મશાનની હદમાં ખોદકામ કરવાની કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી આપવામાં આવી ન હતી. તેમ છતાં, કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું.

સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, “આ માત્ર કામગીરીની ભૂલ નથી, પરંતુ એક આખા સમાજની સંવેદનાઓનું અપમાન છે. પૂર્વજોની અંતિમ વિશ્રામસ્થળીને આ રીતે નુકસાન પહોંચાડવું તે અક્ષમ્ય ગુનો છે.”

આ પણ વાંચો: ગોધરામાં કિન્નરોએ સ્મશાન માટે જમીન માંગી, કાઠિયાવાડનો ધક્કો થાય છે

દલિત સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ

આ ગંભીર મામલે રોહિત સમાજના આગેવાનો દ્વારા એકત્રિત થઈને સ્થાનિક પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સબંધિત ખાનગી એજન્સી સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે અધિકારી કે સુપરવાઈઝરની દેખરેખ હેઠળ આ કામગીરી થતી હતી તેમની જવાબદારી નક્કી થાય અને સ્મશાનભૂમિની પવિત્રતા જાળવવા માટે ફરીથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

સમગ્ર મામલે સ્થાનિક તંત્રએ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ લોકોની માંગ છે કે જ્યાં સુધી દોષિત કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી આ આક્રોશ શાંત નહીં થાય. હાલમાં આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ છે.

આ પણ વાંચો: મુસ્લિમ આચાર્યને હટાવવા, શ્રીરામ સેનાએ સ્કૂલના પાણીમાં ઝેર ભેળવ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x