president of kapadvanj: ગુજરાતમાં ભાજપ સત્તાના જોરે કઈ હદે દલિતો સાથે અન્યાય કરે છે તેના આમ તો અનેક ઉદાહરણો મળી આવે તેમ છે. પરંતુ તાજું ઉદાહરણ ખેડા જિલ્લાની કપડવંજ-કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ પદની બેઠકને લઈને સામે આવ્યું છે. અહીં રોટેશન મુજબ બંને તાલુકા પંચાયતના પ્રમુખની બેઠક અનુસૂચિત જાતિ(SC) માટે અનામત હતી. પરંતુ ભાજપનો એક પણ એસસી ઉમેદવાર અહીં ચૂંટાયો નહોતો. જ્યારે તેલનાર બેઠક પરથી કોંગ્રેસના અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર ચૂંટાયા હતા. જેથી પ્રમુખપદ કોંગ્રેસના ફાળે જાય તેમ હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપના ઈશારે વિકાસ કમિશનરે રાતોરાત નવું સુધારેલું રોટેશન જાહેર કરીને બંને તાલુકા પંચાયતના પ્રમુખપદની બેઠક SC અનામતમાંથી General કેટેગરીમાં ફેરવી નાખી હતી. જેથી હવે બંને તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ભાજપ પાસે રહેશે.
વિકાસ કમિશનરે 24 કલાકમાં નવું રોટેશન જાહેર કર્યું?
વિકાસ કમિશનરે કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે નવું સુધારેલું રોટેશન જાહેર કર્યું છે. આ નવા રોટેશન મુજબ બંને તાલુકા પંચાયતના પ્રમુખપદની બેઠક સામાન્ય કેટેગરીમાં ફેરવવામાં આવી છે. અગાઉના રોટેશનમાં કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી હતી. કપડવંજમાં માત્ર તેલનાર બેઠક પરથી કોંગ્રેસના અનુસૂચિત જાતિના ઉમેદવાર ચૂંટાયા હતા.
આ પણ વાંચો: ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..
આથી પ્રમુખપદ કોંગ્રેસને મળે તેવી શક્યતા હતી. કઠલાલ તાલુકા પંચાયતની બેઠક મહિલા માટે અનામત હતી, જે હવે સામાન્ય બની છે. કપડવંજમાં ભાજપ પાસે 18 બેઠકો અને કઠલાલમાં 17 બેઠકો છે. કઠલાલમાં ભાજપની 9 મહિલા સભ્યો ચૂંટાયેલી છે. નવા રોટેશનથી ભાજપને ફાયદો થયો છે. કપડવંજ તાલુકા પંચાયત જે કોંગ્રેસના હાથમાં જવાની હતી, તે હવે ભાજપ પાસે રહેશે. આ ફેરફારથી કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે અને કાયદાકીય લડત લડવાની તૈયારી બતાવી છે.
ગાંધીનગર તાલુકા પંચાયતની SC અનામત બેઠક પણ General કરી દીધી
ખેડા જિલ્લામાં આ મુદ્દે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિકાસ કમિશનરના નવા આદેશમાં ખેડા જિલ્લાની કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયત ઉપરાંત ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખના અનામત હોદ્દાની ફાળવણીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વિકાસ કમિશનરે નવું જાહેરનામું બહાર પાડી આ બેઠકને સામાન્ય કરી દેતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફેલાયો છે.
કોંગ્રેસે કાયદાકીય લડત અને આંદોલનની ચિમકી ઉચ્ચારી
નડિયાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભીએ આ નિર્ણયને અન્યાય ગણાવ્યો છે. તેમણે આરોપ મૂક્યો કે સત્તાધારી પક્ષે અનુસૂચિત જાતિના જીતેલા ઉમેદવારને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કર્યા હતા. આ આખો મામલો એસસી અનામત બેઠક પર કોંગ્રેસના પ્રમુખ ન બની જાય તે માટે સત્તા પક્ષના ઈશારે સેટ કરવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો.
કપડવંજ કોંગ્રેસ ઉપપ્રમુખે શું કહ્યું?
જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કપડવંજ તાલુકા પંચાયતમાં પ્રથમ વખત અનુસૂચિત જાતિની બેઠક આવી હતી. પણ વિકાસ કમિશનર દ્વારા માત્ર 24 કલાકમાં નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી પ્રમુખ પદ ભાજપને મળી શકે. આ અન્યાય છે અને અમે તેની સામે કાયદાકીય લડત આપીશું. તેમણે જૂના જાહેરનામાની અમલવારી ન થાય તો આંદોલન અને કાયદાકીય લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: પોલીસે રક્ષણ ન આપતા દલિત યુવતીની જાન પર જાતિવાદીઓનો હુમલો
All is well
હવે ખબર પડશે કોંગ્રેસ 70 વર્ષ માં શું કરતી હતી