હોંગકોંગ, સિંગાપોર સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં કોરોના વાયરસે ફરીથી માથું ઉચક્યું છે. ત્યારે ગુજરાત માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં આજે 20 મેના રોજ સાત જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ સાત દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે.
ભારતમાં મુંબઈમાં 50થી વધુ કેસો નોંધાયા છે ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે.
અમદાવાદના વટવા, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ અને નવરંગપુરા વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. તમામ સાત દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. મણીનગરની લેબોરેટરીમાં હોસ્પિટલમાં ચાર દર્દીઓ અને બાકીના ત્રણ દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. દર્દીઓમાં કોઈ નવો વેરિએન્ટ હાલમાં જોવા મળ્યો હોય તેવું જણાવ્યું નથી જોકે આ સમગ્ર કોરોનાના કેસો ઉપર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય વિભાગની નજર છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં નકલી ST સર્ટિ પર એક જ પરિવારના ૩ લોકોએ સરકારી નોકરી મેળવી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાને કારણે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ જાન્યુઆરી 2020માં નોંધાયો હતો. માર્ચ 2020માં, દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું.
ભારતમાં કોરોનાની પહેલી લહેર જાન્યુઆરી 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી ચાલી હતી. આ દરમિયાન, આશરે 1.08 કરોડ કોરોના કેસ નોંધાયા હતા. 17 સપ્ટેમ્બર 2020ના રોજ એક દિવસમાં સૌથી વધુ 98 હજાર મામલા જોવા મળ્યા હતા. આ લહેરમાં 1.55 લાખ મૃત્યુ થયા હતા. દરરોજ સરેરાશ 412 મૃત્યુ નોંધાયા હતા.
કોરોનાની બીજી લહેર માર્ચ 2021 થી મે 2021 સુધી ચાલી હતી. આ દરમિયાન, કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને કારણે એપ્રિલ-મે 2021માં સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયાં હતાં.
બીજી લહેર સૌથી ઘાતક હતી, જેમાં હોસ્પિટલો અને ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. ડેલ્ટા વેરિયન્ટે ઝડપથી સંક્રમણ ફેલાવ્યું, અને આરોગ્ય વ્યવસ્થા પર ભારે દબાણ લાવ્યું. આ લહેરમાં 1.69 લાખ મૃત્યુ થયા હતા. દરરોજ સરેરાશ 2,769 મૃત્યુ નોંધાયા હતા.
કોરોનાનો ત્રીજો તબક્કો ડિસેમ્બર 2021 થી ફેબ્રુઆરી 2022 સુધીનો હતો. ઓમિક્રોન વેરિયન્ટને કારણે, જાન્યુઆરી 2022માં કોરોનાના કેસ ઝડપથી વધ્યા. જોકે ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટને કારણે કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો, પરંતુ તે બીજી લહેર કરતા ઓછી ઘાતક હતી. મૃત્યુદર ફક્ત 0.2% હતો. આ લહેરમાં 10,465 લોકોના મોત થયા હતા. લગભગ 50.05 લાખ નવા કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો: RSS ના ચામૂ કૃષ્ણ શાસ્ત્રીની લાયકાત કેમ છુપાવાઈ રહી છે?