Dalit atrocity news: રાજકોટની એક દલિત યુવતીને સુરતના એક બ્રાહ્મણ યુવકે લગ્નની લાલચ આપી, વિદેશમાં સ્થાયી થવાના સપના બતાવી રૂ.28 લાખ પડાવી લેતા એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ કેસની મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટની અને આણંદમાં પીજીમાં રહીને નોકરી કરતી દલિત યુવતીને સુરતના બ્રાહ્મણ યુવકે લગ્નની લાલચ આપીને રૂ.28 લાખ પડાવી લીધા હતા. આરોપી યુવકે યુવતીને તેની સાથે લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થવાના સપના બતાવ્યા હતા, એટલું જ નહીં બે વર્ષથી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુવકનો ભાંડો ફૂટી ગયો હતો.
આ પણ વાંચો: દલિત યુવકની નજીવી રકમને લઈને માર મારી જાહેરમાં હત્યા કરી નાખી
મૂળ રાજકોટની રહેવાસી 27 વર્ષીય દલિત યુવતી વર્ષ 2022માં આણંદ સ્થિત એક ખાનગી કંપનીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા બાદ નોકરી મેળવીને સ્થાયી થઈ હતી. દરમિયાન સુરતની એક મુલાકાત દરમિયાન તે કોમન ફ્રેન્ડ મારફત ધવલ ગોંડલિયા નામના યુવકના સંપર્કમાં આવી હતી. પોતે પરણિત છે એ વાત છુપાવી રાખીને ધવલે દલિત યુવતી સાથે ઓળખાણ વધારી લગ્નના વાયદા કર્યા હતા. એટલું જ નહીં, ભવિષ્યમાં તેની સાથે લગ્ન કરી વિદેશમાં સાથે રહીશું તેવી લાલચ આપીને બે વર્ષથી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.
ધવલ ગોંડલિયાએ અલગ અલગ પ્રકારના બહાનાઓ કાઢીને યુવતી પાસેથી કુલ રૂપિયા 28 લાખની રકમ પણ પડાવી લીધી હતી. જ્યારે યુવતીએ લગ્ન કરી લેવા અને પૈસા પાછા માટે દબાણ કર્યું, ત્યારે ધવલે તેને ધમકી આપી અને વાતચીત બંધ કરી દીધી હતી.
પીડિત યુવતીએ આણંદ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરતા આરોપિત ધવલ ગોંડલિયા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 420 (છેતરપિંડી), 506 (ગેરકાયદેસર ધમકી) અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: માતાના માંડવા માટે રૂપિયા ભેગા ન થતા યુવકે એસિડ પીધું










