છેડતીથી કંટાળીને 16 વર્ષની દલિત વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ લીધો

Dalit News: છેડતીથી કંટાળીને 16 વર્ષની દલિત સગીરાએ ગળેફાંસો ખાઈ લીધો. POCSO અને SC-ST એક્ટ હેઠળ ગુનો નોંધાયો છતાં નરાધમો હજુ પોલીસ પકડથી દૂર.
dalit news
પ્રતિકાત્મક તસવીર

Dalit News: દેશમાં દીકરીઓના રક્ષણ અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારાઓ વચ્ચે પણ જાતિવાદ કાયમ રહ્યો છે. જો દીકરી દલિત સમાજની હોય તો કાયદો અને તંત્ર જાણે અલગ રીતે કામ કરે છે અને જો સવર્ણ દીકરી પર અત્યાચાર થયો હોય તો મધરાતે પણ આરોપીઓને પકડી લાવે છે. હરિયાણાના પલવલ જિલ્લાના ગડપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવતી આવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક 16 વર્ષીય દલિત વિદ્યાર્થિનીએ ગામના જ બે લુખ્ખા તત્વોના સતત ત્રાસ, છેડતી અને માનસિક અત્યાચારથી કંટાળીને પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.

ગામના જ બે યુવકો હેરાન કરતા હતા

ઘટનાની વિગતો મુજબ, મૃતક વિદ્યાર્થિનીના પિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગામના જ બે યુવાનો, સલમાન અને પેપ્સી, છેલ્લા છ મહિનાથી તેમની પુત્રીને નિશાન બનાવી રહ્યા હતા. આ નરાધમો દીકરી જ્યારે શાળાએ જતી ત્યારે રસ્તામાં તેનો પીછો કરતા અને અશ્લીલ ટિપ્પણીઓ કરીને તેને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ કરતા હતા. છેડતીનો આ સિલસિલો માત્ર રસ્તાઓ પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ આરોપીઓ દીકરીના ઘર સુધી પહોંચી ગયા હતા. સતત ડર અને ભયના ઓથાર હેઠળ જીવતી આ માસૂમ સગીરા આખરે હિંમત હારી ગઈ અને ભણવાનું પણ છોડી દીધું.

આ પણ વાંચો: દ્રષ્ટિહીન યુવકે UPSCમાં દેશભરમાં 20મો રેન્ક મેળવી ઈતિહાસ રચ્યો

ભણવાનું છોડ્યું પણ લુખ્ખાઓનો ત્રાસ યથાવત રહ્યો

આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેઓ કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના પીડિત પરિવારના ઘરમાં ઘૂસવા લાગ્યા હતા. 16 માર્ચના રોજ જ્યારે પીડિતાનો ભાઈ ઘરે એકલો હતો, ત્યારે આરોપી સલમાન બળજબરીથી ઘરમાં ઘૂસી આવ્યો હતો અને પીડિતાનો હાથ પકડી તેની સાથે અડપલાં કરવા લાગ્યો હતો. જ્યારે તેના ભાઈએ પોતાની બહેનની આબરૂ બચાવવા માટે બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો, ત્યારે આરોપીઓએ તેને નિર્દયતાથી માર માર્યો અને આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ આખો પરિવાર ભયભીત થઈ ગયો હતો. પીડિતાને સતત એવો અહેસાસ કરાવવામાં આવતો હતો કે તે અને તેનો પરિવાર લાચાર છે.

ભયભીત સગીરાએ ઘરમાં આપઘાત કરી લીધો

બીજા દિવસે 17 માર્ચે સવારે પિતા જ્યારે ન્યાયની આશા સાથે આરોપીઓના ઘરે ફરિયાદ કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. કદાચ આરોપીઓને પહેલેથી જ અંદાજ હતો કે પોલીસ ફરિયાદ થઈ શકે છે. પિતા જ્યારે મંજૂરીકામ કરીને મોડી સાંજે ઘરે પરત ફર્યા, ત્યારે ઘરમાં જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમની વહાલી દીકરી પંખા સાથે લટકતી હતી. છેડતી અને સામાજિક અપમાનના બોજ નીચે દબાયેલી સગીરાએ આખરે મોતને વહાલું કરી લીધું હતું.

આ પણ વાંચો: હોળીમાં DJ પર ગમતું ગીત વગાડવાના વિવાદમાં દલિત આધેડની હત્યા

પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ઘટનાની જાણ થતા જ ગડપુરી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કુલદીપ સિંહના જણાવ્યા અનુસાર, આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી, છેડતી, પોક્સો (POCSO) એક્ટ અને એસસી/એસટી (SC/ST) અત્યાચાર નિવારણ અધિનિયમની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેની તપાસ ઉચ્ચ અધિકારી નાયબ પોલીસ અધિક્ષક નરેન્દ્ર ખટાણાને સોંપવામાં આવી છે.

નરાધમો હજુ પણ પોલીસ પકડથી દૂર

જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુનો નોંધાયાના કલાકો બાદ પણ નરાધમો હજુ પોલીસની પકડથી બહાર છે. પોલીસનું કહેવું છે કે ટીમો સતત દરોડા પાડી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડવામાં આવશે, પરંતુ સ્થાનિક દલિત સમાજમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો પોલીસે વહેલી તકે છેડતી કરનારા તત્વો સામે પગલાં લીધા હોત, તો આજે એક નિર્દોષ દીકરી જીવતી હોત. આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે અંતરિયાળ વિસ્તારોમાં દલિત અને વંચિત સમાજની દીકરીઓ આજે પણ કેટલી અસુરક્ષિત છે.

આ પણ વાંચો: મધરાતે ગુટકા માટે દુકાન ન ખોલતા દલિત પરિવારને લોહીલુહાણ કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x