દમોહ: મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના પટેરા તાલુકાનું કુઆંખેડા ગામ આજે એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. ભારતની આઝાદીને સાત દાયકા કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં, આ ગામમાં જાતિવાદી તત્વોની લુખ્ખી દાદાગીરીને કારણે ક્યારેય દલિત સમાજના વરરાજા ઘોડે ચડ્યા નહોતા. પરંતુ ગુરુવારે જ્યારે બંસલ સમાજના યુવાન નંદુ બંસલની જાન નીકળી, ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું.
હાથમાં બંધારણ રાખી દલિત વરરાજા ઘોડીએ ચડ્યાં
વરરાજા નંદુ બંસલે આ ખાસ પ્રસંગે કોઈ તલવાર કે પરંપરાગત હથિયારના બદલે ભારતનું બંધારણ પોતાના હાથમાં રાખ્યું હતું. આ દ્રશ્ય જાતિવાદી તત્વોને સીધો મેસેજ આપતું હતું હતું કે તમારી નાગડદાઈ અને લુખ્ખાઈ હવે નહીં ચાલે, દેશમાં બંધારણનું રાજ ચાલશે. ભારતનું બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. બેન્ડવાજાના તાલે અને ભારે ઉત્સાહ વચ્ચે આ વરઘોડો આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘તું દલિત છે, બગીમાં બેસીને નીકળ્યો તો ગોળી મારી દઈશું’
આખા ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો
આ વરઘોડો શાંતિપૂર્ણ રીતે નીકળે તે માટે વહીવટી તંત્રએ પૂરતી તકેદારી રાખી હતી. અગાઉ, બંસલ સમાજના લોકો અને એસસી મહાસભાએ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રુતકીર્તિ સોમવંશીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમને શંકા હતી કે ગામના જાતિવાદી ગુંડાઓ, અસામાજિક તત્વો આ વરઘોડામાં વિઘ્ન નાખીને વિવાદ પેદા કરી શકે છે. એસપી સોમવંશીએ મામલાની ગંભીરતાને સમજીને તાત્કાલિક હટા પોલીસ સ્ટેશનને શાંતિ જાળવવા અને સુરક્ષા પૂરી પાડવા આદેશ આપ્યો હતો. બુધવારની રાત્રે જ પટેરા મામલતદાર ઉમેશ તિવારી અને હટા પોલીસનો કાફલો ગામમાં પહોંચી ગયો હતો.

પોલીસની હાજરીને કારણે જાતિવાદીઓ ઘરમાં છુપાઈ ગયા
પોલીસ અને વહીવટી અધિકારીઓએ ગામમાં જઈને બંસલ પરિવાર તેમજ અન્ય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. વહીવટી તંત્રની કડક વલણ અને સમજાવટ બાદ ગામના અન્ય સમાજના લોકોએ પણ ખાતરી આપી હતી કે તેમને આ વરઘોડા સામે કોઈ વાંધો નથી. આ રીતે, વહીવટી તંત્રની સમજણ અને સામાજિક તાલમેલને કારણે આખો પ્રસંગ કોઈ પણ અનિચ્છનીય ઘટના વગર સંપન્ન થયો હતો.
આ પણ વાંચો: સવર્ણોના ઘર સામેથી ચંપલ પહેરીને નીકળેલા દલિત વર-કન્યાને માર્યા
દલિત સમાજના લોકો માટે ઐતિહાસિક ક્ષણ
આ ઘટના દલિત સમાજના લોકો માટે ઐતિહાસિક બની રહી હતી. અનેક વડીલોની આંખોમાંથી વરરાજાને ઘોડીએ ચડેલો જોઈને હર્ષના આંસુએ રડી પડ્યા હતા. યુવક-યુવતીઓએ ‘જય ભીમ, જય સંવિધાન’ના નારા લગાવ્યા હતા. ગામના દલિત વડીલોનું કહેવું છે કે આઝાદીના 78 વર્ષમાં આ પ્રથમ ઘટના છે જ્યારે અમારા સમાજનો કોઈ યુવક ઘોડે સવાર થઈને નીકળ્યો હોય.
આ ઘટના માત્ર એક લગ્નની વિધિ નહોતી, પરંતુ સામાજિક ન્યાય અને સમાનતા તરફનું એક મજબૂત ડગલું હતું. એસસી મહાસભાના સભ્યોએ આ બદલાવને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે શિક્ષણ અને જાગૃતિને કારણે હવે દલિત સમાજ પોતાના હકો પ્રત્યે સજાગ થયો છે.
સમાજ પોતાના હક માટે જાગૃત હોય તો પરિવર્તન શક્ય છે
કુઆંખેડા ગામમાં નીકળેલી આ જાન ભારતના લોકશાહી મૂલ્યોની જીત સમાન છે. જ્યારે વહીવટી તંત્ર સક્રિય હોય અને સમાજ અન્યાય સામે લડવા તૈયાર હોય, ત્યારે જાતિવાદી તત્વોની લુખ્ખી દાદાગીરી ચાલતી નથી. નંદુ બંસલનો આ વરઘોડો દમોહ જ નહીં પણ આખા મધ્ય પ્રદેશ માટે એક પ્રેરણારૂપ કિસ્સો બન્યો છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા










