દલિત દીકરીઓ પર દરરોજ દેશના કોઈને કોઈ શહેર કે ગામડામાંથી હત્યા, બળાત્કાર અને જાતિસૂચક અપશબ્દો બોલી તેનું અપમાન કરવાના સમાચાર આવતા રહે છે. તેમ છતાં જાતિવાદી તત્વો પોલીસ સાથેની સાંઠગાંઠને કારણે એટ્રોસિટી જેવી ગંભીર કલમો લાગવા છતાં આરોપોમાંથી છૂટી જાય છે. પરિણામે પીડિતાને ન્યાય મળતો નથી અને તે આજીવન અપરાધભાવથી પિડાતી રહે છે. અનેક કિસ્સાઓમાં રેપનો ભોગ બનેલી પીડિતા આત્મહત્યા પણ કરી લે છે. બે દિવસ પહેલા એક મૂકબધિર દલિત યુવતી પર ત્રણ યુવકોએ તેને જંગલમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હતો. એ પછી યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક દલિત દીકરી પણ ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે.
મામલો ઉત્તરપ્રદેશના કાનપુરનો છે. જ્યાં એક 14 વર્ષની સગીર દલિત દીકરી પર 4 યુવકોએ ગેંગરેપ કર્યો છે. પીડિતાના પિતાએ કહ્યું કે પુત્રી ખેતરમાં શૌચ માટે ગઈ હતી, ત્યારે ત્યાં પહેલાથી જ હાજર આરોપીઓએ તેને પકડીને ગેંગરેપ કર્યો હતો. સગીરાના પિતાએ પોલીસ પર મામલો દબાવવાનો પણ આરોપ લગાવ્યો છે.
આખો મામલો શું છે?
મીડિયા રિપોર્ટ મુજબ, મામલો કાનપુરના કકવન પોલીસ સ્ટેશનના એક ગામનો છે. પરિવારે કહ્યું કે ઘરમાં શૌચાલય નથી તેથી આખો પરિવાર મજબૂરીમાં શૌચ માટે ખેતરમાં જાય છે. બુધવાર, 20 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ, સગીરા ખેતરમાં શૌચ કરવા ગઈ હતી. જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પાછી ન આવી, ત્યારે પરિવારે તેને શોધવાનું શરૂ કર્યું. પિતાએ જણાવ્યું કે લાંબી શોધખોળ બાદ, પુત્રી ઘરથી લગભગ 500 મીટર દૂર બેભાન અને લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી.
આ પણ વાંચો: બાબરાના ચમારડીમાં ન્યાય સમિતિના દલિત મહિલા ચેરમેનનું હળહળતું અપમાન
આરોપીઓએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી
રિપોર્ટ મુજબ, જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણીએ જણાવ્યું કે તે ખેતરમાં પહોંચી, ત્યારે ત્યાં પહેલાથી જ હાજર ગામના દીપુ, રવિન્દ્ર યાદવ, અરુણ ઉર્ફે ભોલા અને ઇક્કુ યાદવે તેને પકડી લીધી અને ખેતરમાં આવેલા પીપળાના ઝાડ નીચે ખેંચીને લઈ ગયા. ત્યાં તેમણે તેના કપડાં ફાડી નાખ્યા અને તેના પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો. ચારેય યુવકોએ તેને ધમકી આપતા કહ્યું કે, જો આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશું.
પોલીસે પીડિતાના પરિવારને 8 કલાક બેસાડી રાખ્યો
પરિવારનો આરોપ છે કે પીડિતા સાથેની આ ઘટના બાદ જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરવાને બદલે કાર્યવાહીના નામે તેમને આઠ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા અને મોડી રાત્રે કેસ નોંધ્યો. પરિવારનો આરોપ છે કે પોલીસે તેમને 24 કલાક સુધી પીડિતાને મળવા ન દીધી અને પોલીસે મામલાને દબાવતી રહી. ત્યારબાદ મેડિકલના નામે તેમને 4 કલાક સુધી કકવાનથી કાનપુર સુધી દોડધામ કરાવી. એવો પણ આરોપ છે કે પોલીસે પીડિતાને તેનું નિવેદન બદલવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો.
એટ્રોસિટી, પોક્સો સહિતની કલમો હેઠળ કેસ નોંધાયો
આ ઘટના બાદ એડીસીપી કપિલ દેવ સિંહ મેડિકલ દરમિયાન આરોગ્સ કેન્દ્ર પહોંચ્યા હતા અને પીડિતાની સ્થિતિ વિશે પૂછપરછ કરી એસીપી પાસેથી સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી હતી. પીડિતાના ઘરે પહોંચેલા ડીસીપી દિનેશ ત્રિપાઠીએ પરિવારને સાંત્વના આપી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પરિવારની ફરિયાદના આધારે, ગેંગરેપ, SC-ST Act, POCSO એક્ટ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: આદિવાસી વેલ્ડર પિતાના પુત્રની અંડર-16 ક્રિકેટ ટીમમાં પસંદગી