દલિત અત્યાચાર અને જાતિવાદની ફેક્ટરી ગણાતા યુપીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટનગર લખનઉના બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રાત્રે એક દલિત સગીરા પર ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. ચાર યુવકો સગીરાનું અપહરણ કરીને તેને જંગલમાં લઈ ગયા હતા અને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે સગીરાએ વિરોધ કર્યો તો આરોપીઓએ તેને માર માર્યો અને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં સગીરાએ હિંમત હાર્યા વિના ચારેયનો સામનો કર્યો અને બાઈક આરોપીઓ પર ફેંકીને ભાગી નીકળી હતી. સગીરા જંગલમાંથી ભાગીને બહાર આવી અને તેણે રાડો પાડીને ગામલોકોને સ્થળ પર બોલાવ્યા હતા. જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
શિવા સિંહ અને રાજ નામના આરોપીની ધરપકડ
સગીરાનો અવાજ સાંભળીને ગામલોકો જંગલમાં પહોંચ્યા હતા અને તેમણે એક આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. એ પછી જાણકારીના આધારે પોલીસે બીજા આરોપીની પણ ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શિવા સિંહ અને રાજ તરીકે થઈ છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે બે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટના પીડિતોએ કહ્યું, ‘અમારો વિશ્વાસ તૂટી ગયો છે’
સગીરાનું ગળું દબાવી અપહરણ કરી જંગલમાં લઈ ગયા
આ ઘટનાની મળતી માહિતી મુજબ લખનઉના બક્ષી કા તાલાબ વિસ્તારમાં રહેતી 16 વર્ષની દલિત સગીરા રાત્રે લગભગ 8:30 વાગ્યે તેના જૂના ઘરેથી તેના નવા ઘરે જઈ રહી હતી. એ દરમિયાન રસ્તામાં નિર્જન જગ્યાએ બે યુવકોએ તેને બળજબરીથી તેને પકડી લીધી હતી અને તેનું ગળું દબાવીને બાઇક પર બેસાડીને જંગલમાં લઈ ગયા હતા. જ્યાં બે અન્ય યુવકો સાથે મળીને ચારેયે ગેંગરેપ કર્યો હતો.
પોલીસે કાર્યવાહી કરવામાં વિલંબ કર્યો
ઘટના પછી, પીડિતાનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને લેખિત ફરિયાદ આપી હતી. તેમનો આરોપ છે કે પોલીસ શરૂઆતમાં કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહી હતી. મામલો પ્રકાશમાં આવ્યા પછી, લાખન આર્મી પ્રમુખ સૂરજ પાસીએ સોશિયલ મીડિયા પર ઘટનાની નોંધ લીધી અને લખનૌ પોલીસ અને યુપી પોલીસને ટેગ કર્યા. એ પછી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
थाना बीकेटी पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत है,02 नामजद आरोपियों को पुलिस हिरासत में ले लिया गया है, पूछताछ एवं आवश्यक वैधानिक कार्रवाई अमल में लाई जा रही है l
— LUCKNOW POLICE (@lkopolice) August 29, 2025
પોલીસ અધિકારીઓ શું કહ્યું
ઉત્તર ઝોનના ડીસીપી ગોપાલ કૃષ્ણ ચૌધરીએ જણાવ્યું કે, પીડિતાના પરિવારની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. પોલીસે બે આરોપીઓ શિવા સિંહ અને રાજની ધરપકડ કરી છે અને અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને લઈને દલિત સમાજમાં સોંપો પડી ગયો છે, લોકોમાં ભારે આક્રોશ છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી વહેલીતકે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં દલિત યુવકને પટ્ટાથી માર મારનાર ત્રણ આરોપી ઝડપાયા