માલેગાંવ બ્લાસ્ટના પીડિતોએ કહ્યું, ‘અમારો વિશ્વાસ તૂટી ગયો છે’

માલેગાવ બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને નિર્દોષ છોડી દેવાતા આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારના પરિવારજનો ભાંગી પડ્યાં છે.
Malegaon blast case

વર્ષ 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે. NIA કોર્ટના આ ચૂકાદાથી આ બ્લાસ્ટમાં જેમણે જીવ ગુમાવ્યો હતો તેમના પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. આ બ્લાસ્ટમાં છ લોકો મૃત્યુ પામ્યા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 17 વર્ષ સુધી ચાલેલી આ કાનૂની લડાઈમાં પીડિતોના પરિવારોએ ન્યાયની આશા જીવંત રાખી હતી, પરંતુ આજે કોર્ટના નિર્ણયથી તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું- આ ભગવા અને હિંદુત્વનો વિજય છે

ભાજપ નેતા પ્રજ્ઞા ઠાકુરે આ ચૂકાદા પર તરત નિવેદન આપી અને કહ્યું, “આ ભગવા અને હિન્દુત્વનો વિજય છે.” તેમણે કહ્યું, “હું શરૂઆતથી જ આ કહી રહી છું. મને ફસાવવામાં આવી હતી. છતાં હું ATS ગઈ કારણ કે હું કાયદાનું સન્માન કરું છું. મને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી હતી અને 13 દિવસ સુધી ત્રાસ આપવામાં આવ્યો હતો. હું એક સંન્યાસીની જેમ જીવી રહી હતી અને મને આતંકવાદીનું લેબલ મારી દેવામાં આવ્યું. આ આરોપોએ મારું જીવન બરબાદ કરી નાખ્યું. આ કેસ 17 વર્ષથી ચાલી રહ્યો છે અને મેં સંઘર્ષ કર્યો છે.”

આ પણ વાંચો: મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો
હું હવે દેશની સેવા કરીશ: કર્નલ પુરોહિત

આ કેસના અન્ય એક આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતે નિર્દોષ છૂટ્યા બાદ કોર્ટને કહ્યું, “મને એ જ દ્રઢ વિશ્વાસ સાથે મારા સંગઠનની સેવા કરવાની તક આપવા બદલ આપનો આભાર. હું મારી ધરપકડ પહેલાં જે રીતે રીતે મારા સંગઠન અને દેશની સેવા કરતો હતો એ જ રીતે કરતો રહીશ.”

રમઝાન દરમિયાન વિસ્ફોટ થયો હતો

૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ ના રોજ, માલેગાંવના ભીકુ ચોક ખાતે મોટરસાઇકલ પર રાખેલા બોમ્બ વિસ્ફોટે આખા શહેરને હચમચાવી નાખ્યું હતું. આ ઘટના રમઝાનના પવિત્ર મહિનામાં બની હતી, જ્યારે આ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારના લોકો ઇફ્તારની તૈયારીમાં વ્યસ્ત હતા. આ હુમલામાં છ લોકો માર્યા ગયા હતા, જેમાં ૧૯ વર્ષીય અઝહર બિલાલ, ૨૩ વર્ષીય ઇરફાન ખાન અને ૬૦ વર્ષીય હારૂન શાહનો સમાવેશ થાય છે. ૭૫ વર્ષીય નિસાર બિલાલ, જેમના પુત્ર અઝહરનું વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું તેમણે કહ્યું, “મને ક્યારેય શાંતિ નહીં મળે. મારો પુત્ર કુરાન યાદ કરીને હાફિઝ બનવા માંગતો હતો. તે રેફ્રિજરેટર મિકેનિક તરીકે કામ કરતો હતો. મસ્જિદથી ઘરે પરત ફરતી વખતે તેણે પોતાનો રસ્તો બદલ્યો અને તેનું જીવન કાયમ માટે ખતમ થઈ ગયું.”

પીડિતોના પરિવારોનું દર્દ

આ વિસ્ફોટથી ઘણા પરિવારોનું જીવન કાયમ માટે બદલાઈ ગયું હતું. રેહાન શેખ, જેના પિતા શેખ રફીક (૪૨) વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા, તે હવે માલેગાંવ-મુંબઈ રૂટ પર બસ કંડક્ટર તરીકે કામ કરે છે. રેહાને કહ્યું કે તેના પિતાના મૃત્યુ પછી પરિવારને સંબંધીઓએ તરછોડી દીધો છે. માતાની બીમારી અને દાદા-દાદીની સંભાળ રાખવાની જવાબદારી રેહાન પર છે. રેહાન કહે છે, “મારી પાસે કેસની સુનાવણી દરમિયાન હાજર રહેવા માટે પણ સમય નહોતો. મારા પિતા પાન ખાવા માટે બહાર ગયા હતા અને ક્યારેય પાછા ન ફર્યા.”

Malegaon blast case

આવી જ રીતે 23 વર્ષના ઓટો ડ્રાઈવર ઇરફાન ખાનનું પણ આ વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું. તેના કાકા ઉસ્માન ખાન, જે પાવરલૂમ ચલાવે છે, તેમણે કહ્યું કે ઇરફાનના મૃત્યુએ પરિવારને બરબાદ કરી દીધો, પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવાની મજબૂરીએ તેમને કોર્ટની ટ્રાયર પરથી ધ્યાન હટાવવા મજબૂર કર્યા. ઉસ્માન ખાન કહે છે, “અમારે જીવવાનું હતું, તેથી અમે આ દર્દને દબાવી દીધું.”

સૌથી વૃદ્ધ પીડિત, 60 વર્ષીય હારુન શાહ એક મજૂર હતા. તેમનો પૌત્ર અમીન શાહ, જે તે સમયે 14 વર્ષનો હતો, તેણે તેના દાદાની સંભાળ રાખી હતી. આમીન કહે છે, “મારા દાદાનું આખું શરીર બળી ગયું હતું, ફક્ત દાઢી બાકી હતી. તેમની સંભાળ રાખતી વખતે, હું 12મા દિવસે બીમાર પડી ગયો, કારણ કે બળી ગયેલા શરીરની ગંધ અસહ્ય હતી. મને આશા હતી કે જવાબદારોને સજા થશે. પણ એવું થયું નહીં, મારો વિશ્વાસ તૂટી ગયો છે.”

ખાસ NIA કોર્ટના ન્યાયાધીશ એ.કે. લાહોટીએ ચુકાદામાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે વિસ્ફોટમાં વપરાયેલી મોટરસાઇકલ પર બોમ્બ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે કાવતરું કે મીટિંગના કોઈ પુરાવા નથી, અને UAPA હેઠળ આપવામાં આવેલી મંજૂરી પણ ખામીયુક્ત હતી. પ્રજ્ઞા સિંહ ઠાકુરની માલિકીની મોટરસાઇકલ અંગે કોર્ટે કહ્યું કે તે દોઢ વર્ષથી ફરાર આરોપી રામચંદ્ર કાલસાંગરા પાસે હતી. પરંતુ જો આરોપીઓએ આ કામ ન કર્યું હોય, તો રમઝાન દરમિયાન માલેગાંવમાં વિસ્ફોટ કોણે કર્યો હતો, તો કોર્ટે આ પ્રશ્નનો સંતોષકારક જવાબ આપ્યો નથી.

કોર્ટે સાતેય આરોપીઓ પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, અજય રહીરકર, સમીર કુલકર્ણી, સુધાકર ચતુર્વેદી અને સુધાકર ધર દ્વિવેદીને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે સરકારને મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

બ્લાસ્ટના પીડિતો નિરાશ થયા

ચુકાદા પછી, પીડિત પરિવારોમાં ગુસ્સો અને નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાય છે. સુપ્રીમ કોર્ટ સુધી પોતાના પુત્ર માટે લડનારા નિસાર બિલાલે કહ્યું, કે આ ચુકાદો તેમના માટે વધુ એક આંચકો છે. તેમના વકીલ શાહિદ નદીમે કહ્યું, “આ કેસ ફક્ત સાત આરોપીઓ સામે જ નહોતો, પરંતુ પીડિતો અને તેમના પરિવારોને પણ કઠેડામાં ઉભા કરવામાં આવ્યા હતા. ઘાયલ પીડિતોને માલેગાંવથી મુંબઈ વારંવાર બોલાવવામાં આવતા હતા, કારણ કે એક આરોપીએ તેને ‘સિલિન્ડર વિસ્ફોટ’ કહ્યું હતું.”

આ પણ વાંચો: ABVP ના શિક્ષકે ‘કાવડ લેકર મત જાના’ ગીત ગાયું તો સસ્પેન્ડ કરાયા

Malegaon blast case

હારુન શાહના પુત્ર હુસૈન શાહે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું, “વડા પ્રધાન નૈતિકતાની વાત કરે છે, પરંતુ મુખ્ય આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુરને સાંસદ બનાવવામાં આવ્યા. આ અમારા દર્દની મજાક છે.”

રાજકીય પ્રતિક્રિયાઓમાં કોણે શું કહ્યું?

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સકપાલે ચુકાદા પર સવાલ ઉઠાવતા કહ્યું, “વિસ્ફોટ થયો, લોકો મૃત્યુ પામ્યા, પણ તેને અંજામ કોણ આપ્યો? હેમંત કરકરે જેવા અધિકારીએ તપાસ કરી હતી તે પુરાવાનું શું થયું?” બીજી તરફ, પ્રજ્ઞા ઠાકુરની બહેન ઉપમા સિંહે કહ્યું, “સનાતન ક્યારેય આતંકવાદી ન હોઈ શકે.” વરિષ્ઠ વકીલ માજિદ મેમણે તેને પીડિતો અને આરોપીઓ બંને માટે અન્યાય ગણાવ્યો.

પીડિતોના વકીલે કહ્યું કે પરિવારો હવે બોમ્બે હાઈકોર્ટમાં ચુકાદા સામે અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. નિસાર બિલાલ જેવા પરિવારોએ કહ્યું કે તેઓ હાર માનશે નહીં અને ન્યાય માટે લડતા રહેશે. 17 વર્ષ ચાલેલો આ કેસ ફક્ત કાનૂની દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય દ્રષ્ટિકોણથી પણ સંવેદનશીલ છે.

2008નો માલેગાંવ વિસ્ફોટ અને તેનો ચુકાદો પીડિતોના પરિવારો માટે લાંબી અને પીડાદાયક યાત્રાનો ભાગ રહ્યો છે. કોર્ટનો આ ચૂકાદો, જેમાં પુરાવાના અભાવનો હવાલો અપાયો છે, તેણે માત્ર પીડિતો માટે ન્યાયના રસ્તાને ન માત્ર મુશ્કેલ બનાવી દીધો છે, પરંતુ માલેગાંવ જેવા સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ શહેરમાં સામાજિક તણાવને પણ વધારી શકે છે. વળતરની રકમ થોડી નાણાકીય રાહત આપી શકે છે, પરંતુ પીડિતોના મનમાં રહેલો પ્રશ્ન  ‘વિસ્ફોટ કોણે કર્યો? તેનો જવાબ હજુ પણ મળ્યો નથી

આ પણ વાંચો: Malegaon Blast Case માં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x