Dalit News: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસ કસ્ટડીમાં એક દલિત યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું. આ ઘટના બાદ બેદરકારી અને ત્રાસના આરોપો બાદ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ હવે CID ને સોંપવામાં આવી છે. મૃતક યુવાનની ઓળખ 22 વર્ષીય દર્શન પી.જી. તરીકે થઈ છે, જે બેંગલુરુના વિવેકનગરનો રહેવાસી હતો. તેનું 26 નવેમ્બરના રોજ શહેરની બહાર આવેલા એક ખાનગી રિહેબ સેન્ટરમાં મૃત્યુ થયું. પરિવારનો આરોપ છે કે પોલીસે તેને મોત પહેલાં માર માર્યો હતો અને તેને યોગ્ય તબીબી સારવાર આપી ન હતી.
પોલીસે યુવક પાસેથી રૂ.7000 પડાવ્યાનો આરોપ
મૃતક યુવકની માતાના જણાવ્યા મુજબ, દર્શનને દારૂ પીને હોબાળો મચાવવા અને પડોશીઓ સાથે ઝઘડો કરવાના આરોપસર પોલીસે 12 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી. પરંતુ તેને જેલમાં મોકલવાને બદલે, તેની માતાની વિનંતી પર 16 નવેમ્બરના રોજ તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે એ દરમિયાન પોલીસે ₹7,500 પણ લીધા હતા.
આ પણ વાંચો: ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં સવર્ણ હિંદુઓએ CJI ગવઈનો વિરોધ કર્યો
મૃતક યુવકના શરીર પર ઈજાના અનેક નિશાન
મૃતક યુવકની માતાનું કહેવું છે કે, તેમને તેના પુત્રને જોવા દેવામાં આવ્યો ન હતો અને સતત ખાતરી આપવામાં આવી રહી હતી કે તે ઠીક છે. જોકે, 26 નવેમ્બરના રોજ, તેણીને અચાનક જાણ કરવામાં આવી હતી કે તેમના પુત્રને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેનું મૃત્યુ થયું છે. માતાએ દાવો કર્યો હતો કે દર્શનના શરીર પર ઈજાના સ્પષ્ટ નિશાન હતા, જેના કારણે તેણીને શંકા વ્યક્ત કરી હતી કે, તેને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવ્યો છે.
એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
મૃતક યુવકની માતાની ફરિયાદના આધારે, મદનાયકનહલ્લી પોલીસ સ્ટેશનમાં હત્યા, ગેરકાયદેસર અટકાયત અને SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ચાર આરોપી પોલીસકર્મીઓ અને રિહેબ સેન્ટરના માલિક સામે કેસ ચાલી રહ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે તપાસ અત્યંત ગંભીરતાથી હાથ ધરવામાં આવશે અને ગુનેગારોને ટૂંક સમયમાં ન્યાયના કઠેડામાં ઉભા રાખવામાં આવશે.
આ પણ વાંચો: ‘સામે કેમ જુએ છે?’ કહી 5 શખ્સોએ Dalit યુવકને સળિયાથી માર્યો










