મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર દલિત પ્રોફેસરની સાસરીયાઓએ હત્યા કરી

મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત પ્રોફેસરને સાસરિયાઓએ સમાધાનના બહાને બોલાવીને ભાઈની નજર સામે જ ગળું દબાવી હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી દીધી.
Ghaziabad Dalit professor murder

એક તરફ દેશમાં જાતિવાદી તત્વો દ્વારા એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજના બંધારણીય હકો પર તરાપ મારવામાં આવી રહી છે, જેની સામે બહુજન સમાજે એક થઈને લડવાની જરૂર છે, પરંતુ ખુદ બહુજન સમાજમાં જ ભેદભાવનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને આ ઘટના તેની સાક્ષી પુરે છે.

દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના લોની વિસ્તારમાંથી હૃદય કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં સામાજિક મર્યાદાઓ અને આંતરજ્ઞાતિય લગ્નના વિરોધમાં એક શિક્ષિત દલિત યુવાનનો ભોગ લેવાયો છે. દલિત સમાજમાંથી આવતા પ્રોફેસરની તેમના જ સાસરી પક્ષના સભ્યોએ નિર્દયતાથી ગળું દબાવીને હત્યા કરી નાખી છે. મૃતક પ્રોફેસરના પરિવારનો આરોપ છે કે મુસ્લિમ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરવાના કારણે યુવતીના પિતા અને અન્ય સંબંધીઓએ કાવતરું ઘડીને આ હત્યાકાંડને અંજામ આપ્યો છે.

મૃતકની ઓળખ પ્રોફેસર નીતિન જયંત તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ નીતિને ગત 28 મે 2025ના રોજ મુસ્કાન નામની યુવતી સાથે આર્ય સમાજ મંદિરમાં હિન્દુ રીત-રિવાજ મુજબ પ્રેમ લગ્ન કર્યા હતા. મુસ્કાન મુસ્લિમ સમાજમાંથી છે, જ્યારે નીતિન દલિત સમાજનો હતો.

આ પણ વાંચો: બારડોલીમાં પ્રેમ પ્રકરણમાં આદિવાસી પરિવારને બાંધીને સરઘસ કાઢ્યું

આ લગ્ન મુસ્કાનના પરિવારને જરાય મંજૂર નહોતા.

લગ્નના દિવસથી જ નીતિન અને તેના પરિવારને મુસ્કાનના પિતા મેહરુદ્દીન અને કાકા આસિફ અલી તરફથી ધમકીઓ મળતી હતી. દંપતી ડર વચ્ચે જીવી રહ્યું હતું, પરંતુ તેમને આશા હતી કે સમય જતાં બધું ઠીક થઈ જશે. આ દરમિયાન મુસ્કાન ગર્ભવતી થઈ હતી, જેના કારણે નીતિન ખૂબ ખુશ હતો અને પોતાના આવનારા બાળકની રાહ જોઈ રહ્યો હતો.

પતિ-પત્ની વચ્ચે થઈ હતી સામાન્ય બોલાચાલી

રવિવારે નીતિન અને મુસ્કાન વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેથી મુસ્કાન તેના પિયર ચાલી ગઈ હતી. નીતિનના પરિવારને પહેલેથી જ ડર હતો કે મુસ્કાનના પિયર પક્ષના લોકો આ બાબતને મોટું સ્વરૂપ આપીને કોઈ ખોટા કેસમાં નીતિનને ફસાવી શકે છે અથવા તેની પર હુમલો કરી શકે છે. આથી, પરિવારે સાવચેતીના ભાગરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ લેખિત ફરિયાદ આપી હતી કે જો નીતિનને કંઈ પણ થશે તો તેના માટે સાસરી પક્ષ જવાબદાર રહેશે.

સોમવારે મુસ્કાનના પિતા અને કાકાએ નીતિનને ફોન કર્યો હતો. તેમણે ફોન પર ખૂબ જ નરમાશથી વાત કરી અને કહ્યું કે, “જે થયું તે ભૂલી જઈએ, આપણે બેસીને વાત કરીએ અને સમાધાન કરીએ.” સમાધાનની વાત સાંભળીને નીતિનને આશા જાગી કે કદાચ તેના સાસરી પક્ષના લોકો હવે તેને સ્વીકારી લેશે. નીતિન તેના ભાઈ અમિત અને તેની તાઈ (કાકી) સાથે લોનીના રેલવે ફાટક પાસે નિર્ધારિત સ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: બહેને દલિત યુવક સાથે લગ્ન કરતા ભાઈઓએ 5 ગોળી મારી દીધી

ભાઈની નજર સામે જ ગળું દબાવી હત્યા કરી નાખી

જ્યારે નીતિન ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. આરોપ છે કે મેહરુદ્દીન અને આસિફ અલીની સાથે બીજી એક ગાડીમાં કેટલાક અજાણ્યા ગુંડાઓ પહેલેથી જ હથિયારો સાથે તૈયાર બેઠા હતા. નીતિન ગાડીમાંથી નીચે ઉતરતાની સાથે જ હુમલાખોરોએ તેના પર તૂટી પડ્યા હતા. નીતિનના ભાઈ અમિતે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને પણ પકડી રાખવામાં આવ્યો હતો.

અત્યંત ક્રૂરતાપૂર્વક, અમિતની નજર સામે જ આરોપીઓએ નીતિનનું ગળું દબાવવાનું શરૂ કર્યું. નીતિન પોતાનો જીવ બચાવવા તરફડિયાં મારતો રહ્યો, પણ હત્યારાઓએ દયા ન ખાધી. ગળું દબાવીને તેની હત્યા કર્યા બાદ, આરોપીઓએ લાશને નજીકના નિર્જન ખેતરોમાં ફેંકી દીધી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા.

પરિવારે આક્રંદ સાથે મુખ્યમંત્રી પાસે ન્યાયની માંગ કરી

નીતિનની હત્યાના સમાચાર મળતા જ તેના ઘરમાં હોબાળો મચી ગયો છે. વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો છે. પીડિત પરિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે ન્યાયની આજીજી કરી છે. પરિવારે માંગ કરી છે કે, તમામ આરોપીઓની તત્કાલ ધરપકડ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને તેમના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવે અથવા તેમનું એન્કાઉન્ટર કરવામાં આવે. સૌથી મહત્વની માંગ એ છે કે, મુસ્કાનના ગર્ભમાં જે બાળક છે, તેની ડિલિવરી બાદ તે બાળક નીતિનના પરિવારને સોંપવામાં આવે, કારણ કે તે તેમના વંશનો વારસ છે.

આ પણ વાંચો: ‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’

દલિતો, મુસ્લિમો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને મેહરુદ્દીન, આસિફ અલી સહિત અન્ય લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ વિસ્તારમાં દલિત અને મુસ્લિમ સમાજ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઓનર કિલિંગની આ ઘટનાએ એ બાબતનો પુરાવો છે કે, મુસ્લિમ સમાજ પણ પ્રેમલગ્નો બાબતે અન્ય સમાજ જેટલો જ કટ્ટર છે. આ હત્યાને કારણે સ્થાનિક દલિતો અને મુસ્લિમો વચ્ચે કોમી ખાઈ પહોળી થશે, જેનો લાભ રાજકીય પક્ષો ચૂંટણીમાં લેવા દોડશે.

આ પણ વાંચો: દલિત મહિલાને રસોઈ બનાવતી રોકનાર 6 ને જેલમાં ધકેલી દેવાયા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x