Dalit News: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની મનુવાદી વાઈસ ચાન્સેલર દલિતો વિક્ટીમ કાર્ડ રમતા હોવાનું કહીને ખોટું મ્હેણું મારી રહી છે, બરાબર એવા જ સમયે આ મનુવાદી મહિલાની બોલતી બંધ કરી દેતી એક ઘટના બની છે. જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત યુપીમાં ટ્રેક્ટર કાઢવા જેવી સામાન્ય બાબતમાં જાતિવાદી તત્વોએ દલિતવાસ પર હુમલો કરી આખી વસ્તી સળગાવી દીધી હતી. આરોપીઓ કાર, ગાડીઓ ભરીને તૂટી પડ્યા હતા અને ફાયરિંગ કરીને ભય ફેલાવ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.
કાનપુરના મઢા ગામની ઘટના
મામલો કાનપુર(Kanpur)નો છે. કાનપુર પોલીસ ઓફિસથી આશરે 60 કિલોમીટર દૂર આવેલા મઢા ગામમાં શનિવારે આ લોહીયાળ ઘટના બની હતી. અહીં બપોરના સમયે ટ્રેક્ટર કાઢવા જેવી સાવ સામાન્ય બાબતને લઈને બાજુના ગામના સરપંચના પુત્ર અભયસિંહ અને દલિત સમાજના મન્નુલાલ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં એક ભયાનક ખૂની સંઘર્ષ અને આગજનીમાં ફેરવાઈ ગઈ હતી. કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા જાતિવાદી ગુંડાઓએ આખી દલિત વસ્તીને નિશાન બનાવી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો: જેને પિતાએ ‘કલંક’ કહ્યો તે છોકરો કેવી રીતે ઉત્ક્રાંતિવાદનો જિનિયસ બન્યો
જાતિવાદી ગુંડાઓએ સમાધાન કર્યા બાદ હુમલો કર્યો
આ ઘટનાની વિગતે વાત કરીએ તો, શનિવારે બપોરે ગામના રસ્તા પરથી ટ્રેક્ટર પસાર કરવા બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા. તે સમયે બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી અને અભયસિંહના માણસોએ દલિતોને માર માર્યો હતો. ગ્રામજનોએ દરમિયાનગીરી કરીને તે સમયે મામલો થાળે પાડ્યો હતો, પરંતુ આ શાંતિ માત્ર તોફાન પહેલાની શાંતિ સાબિત થઈ હતી. બપોરની ઘટનામાં થયેલા સમાધાન બાદ જાતિવાદી તત્વોએ મનોમન બદલો લેવાનું નક્કી કરી લીધું હતું અને સાંજ પડતા જ તેઓ ગાડીઓ, કાર ભરીને આવી પહોંચ્યા હતા અને દલિતવાસ પર તૂટી પડ્યા હતા.

જાતિવાદી તત્વો ગાડીઓ, કાર લઈને હુમલો કરવા આવ્યા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સાંજ પડતા જ હુમલાખોરો કોઈ મોટા ઓપરેશન પર નીકળ્યા હોય તેમ અનેક લક્ઝરી કારોમાં સવાર થઈને દલિત વસ્તીમાં ધસી આવ્યા હતા. ગાડીઓમાંથી ઉતરતાની સાથે જ તેમણે કોઈને કશું જ પૂછ્યા વિના હાથમાં રહેલા લાઠી-ડંડા અને ગડાસા જેવા ધારદાર હથિયારોથી દલિતવાસના નિર્દોષ લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરો માત્ર મારપીટથી અટક્યા નહોતા, પણ આખા ગામમાં પોતાની ધાક બેસાડવા અને દહેશત ફેલાવવા માટે હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
ગોળીઓના અવાજથી આખું ગામ ધણધણી ઉઠ્યું હતું અને લોકો જીવ બચાવવા સુરક્ષિત જગ્યાઓ શોધવા દોડવા લાગ્યા હતા.
દલિતોને માર મારી વાળ પકડીને રસ્તા પર ઢસડ્યાં
આ પણ વાંચો: ઉત્તરાયણની રાત્રે કાંકરિયામાં દલિત યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
હુમલાખોરોનો આક્રોશ એટલો બધો હતો કે તેમણે દલિતોના અનેક ઘરોને આગ લગાવી દીધઈ હતી. આરોપીઓએ મહિલાઓ અને વૃદ્ધોને પણ નિશાન બનાવ્યા હતા. ઈજાગ્રસ્તોએ હોસ્પિટલના બિછાનેથી રડતા રડતા આક્ષેપ કર્યો છે કે તેમને વાળથી પકડીને રસ્તા પર ઘસડવામાં આવ્યા હતા અને ગડાસા જેવા હથિયારોથી શરીરના નાજુક ભાગો પર વાર કરવામાં આવ્યા હતા.
સરપંચના પુત્રની આગેવાનીમાં હુમલો કરાયો
ઘાયલોએ પોલીસ સમક્ષ જે વિગતો આપી છે તે અત્યંત ચોંકાવનારી છે. આ હુમલાનું નેતૃત્વ સરગામના સરપંચના પુત્રએ કર્યું હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે તે પોતાના સાથીદારો સાથે પૂરા આયોજનબદ્ધ રીતે અને ઘાતક હથિયારો સાથે જ દલિતવાસને ખતમ કરવાના ઈરાદે આવ્યો હતો. આ હિંસક અથડામણમાં કુલ પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ધારાસભ્ય લગ્ન પ્રસંગ પડતો મૂકી દોડી આવ્યા
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને વધુ વણસતા અટકાવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ઘાટમપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. આ ભયાનક ઘટનાની ગંભીરતાને જોતા ઘાટમપુરના ધારાસભ્ય સરોજ કુરીલ જેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, તેઓ અધવચ્ચે જ કાર્યક્રમ છોડીને સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ધારાસભ્યએ પીડિતોની આપવીતી સાંભળી હતી અને તેમની હાલત જોઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે હોસ્પિટલમાંથી જ ડીસીપી સાઉથ દીપેન્દ્ર નાથ ચૌધરીને ફોન કરીને ખખડાવ્યા હતા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે દલિતોના ઘરોમાં આગ લગાડનાર અને મહિલાઓ પર હુમલો કરનારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. તેમણે દોષિતો સામે તાત્કાલિક અને કડકમાં કડક પગલાં ભરવા માટે સૂચના આપી હતી.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર સ્ટે મૂક્યો, કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
ધારાસભ્યની કડકાઈ બાદ પોલીસ હરકતમાં આવી
ધારાસભ્યના આકરા વલણ અને મામલાની સંવેદનશીલતાને પારખીને પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. સજેતી પોલીસ મથકના પ્રભારીને તાત્કાલિક તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ઘાયલોની તબિયત વધુ લથડતા તેમને પ્રાથમિક સારવાર બાદ કાનપુરની હૈલેટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
दिनांक-21.02.2026 को सायं लगभग 3–4 बजे ग्राम मरहा में अभय सिंह यादव के ट्रैक्टर की गांव के मन्नूलाल के रास्ते में खड़े ट्रैक्टर से टक्कर हो गई थी, जिसको लेकर हल्का विवाद हुआ था। सूचना पर यूपी 112 मौके पर पहुंची और दोनों पक्षों में समझौता करा दिया गया था। रात्रि लगभग 8:30 बजे अभय… pic.twitter.com/Ytd70O11Vp
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) February 21, 2026
હુમલાખોરો ફરાર, કોઈની ધરપકડ નહીં
સજેતી પોલીસ મથકના ઇન્ચાર્જ અનુજ કુમાર ભારતીએ મીડિયાને માહિતી આપી હતી કે આ વિવાદ ટ્રેક્ટર પસાર કરવા જેવી ક્ષુલ્લક બાબતે થયો હતો, પરંતુ બીજા પક્ષે કાયદો હાથમાં લઈને આગ લગાવીને હિંસા ફેલાવી હતી. હુમલાખોરો હાલમાં ફરાર છે, પરંતુ તેમની ઓળખ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરી લેવામાં આવશે. હાલમાં ગામમાં તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાનું પોલીસ બળ ખડકી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: દલિત પરિવારની જાન રોકી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા ફફડાટ











