ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક અત્યંત લોહિયાળ ઘટના સામે આવી છે. રામપુર કારખાના પોલીસ સ્ટેશન વિસ્તારના નૌતન હથિયાગઢ ગામમાં શનિવારે રાત્રે એક દલિત કિશોરીની જાહેરમાં ઘઉંના ખેતરમાં દોડાવીને નિર્મમ રીતે ગળું રેતી હત્યા કરવામાં આવી હતી. 17 વર્ષીય અંજલિ નામની આ કિશોરી પર છરી વડે હુમલો કરી તેને લોહીલુહાણ હાલતમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ જઘન્ય હત્યાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં દલિતો પર થતા અત્યાચારોને લઈને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી અને તેના સાથીદારની ધરપકડ કરી લીધી છે.
મામલો શું હતો
શનિવારે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ અંજલિ, તેની મોટી બહેન ગુડિયા અને નાનો ભાઈ આશિષ ત્રણેય સાથે મળીને ગામની બહાર સહૌદર પટ્ટી ચોક બજારમાં મોબાઈલ ફોન રીપેર કરાવવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક બાઇક પર આવેલા બે યુવકોએ તેમનો રસ્તો રોક્યો હતો. આરોપીઓએ ત્રણેય ભાઈ-બહેનો સાથે ગાળાગાળી કરી મારામારી શરૂ કરી દીધી હતી. બાળકો કંઈ સમજે તે પહેલા જ મુખ્ય આરોપીએ તીક્ષ્ણ છરી કાઢી હતી, જેને જોઈને બાળકો જીવ બચાવવા અલગ-અલગ દિશામાં ભાગવા લાગ્યા હતા. ગુડિયા અને આશિષ કોઈક રીતે જીવ બચાવીને ઘર તરફ દોડ્યા હતા, જ્યારે અંજલિ નજીકના ઘઉંના ખેતરમાં છુપાવા માટે દોડી હતી.

આ પણ વાંચો: ચાંદખેડામાં ‘લોકશક્તિ કેન્દ્ર’નો પ્રારંભ, બહુજનોને મળશે નિઃશુલ્ક કાયદાકીય સહાય
આરોપી છરી લઈને કિશોરી પાછળ ખેતરમાં દોડ્યો
મુખ્ય આરોપી આદિત્ય સિંહ ઉર્ફે શિવમ સિંહ છરી લઈને અંજલિની પાછળ ખેતરમાં દોડ્યો હતો. તેણે અંજલિને ખેતરની વચ્ચે પકડી પાડી અને તેના પર હિંસક હુમલો કર્યો હતો. આરોપીએ કિશોરીના ચહેરા અને ગળા પર છરીના અનેક ઘા ઝીંક્યા હતા. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે આરોપીએ અંજલિનું ગળું કાપી નાખ્યું, જેના કારણે તે ખેતરમાં જ ઢળી પડી હતી અને ગણતરીની મિનિટોમાં તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. હત્યા બાદ આરોપીઓ બાઇક પર સવાર થઈને કુશાનગર તરફ ફરાર થઈ ગયા હતા.
પ્રેમ સંબંધમાં હત્યા થયાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી આદિત્ય સિંહ ઉર્ફે શિવમ સિંહનું મોસાળ નૌતન હથિયાગઢ ગામમાં જ છે, જેના કારણે તે અવારનવાર ગામમાં આવતો હતો. આ દરમિયાન તેની મુલાકાત અંજલિ સાથે થઈ હતી અને બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હોવાની વાત સામે આવી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આદિત્ય અંજલિ પર શંકા કરવા લાગ્યો હતો અને તેને અન્ય યુવકો સાથે વાત ન કરવા માટે દબાણ કરતો હતો. શનિવારે રાત્રે આ શંકા અને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો અને આદિત્યએ તેના સાથી રાકેશ કુમાર ગૌડ સાથે મળીને અંજલિને કાયમ માટે શાંત કરી દેવાનું કાવતરું ઘડી તેને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: દલિત સરપંચના પતિને મોં કાળું કરી, જૂતા પહેરાવી ગામમાં ફેરવ્યા
પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસની અનેક ટીમો આરોપીઓની શોધમાં કામે લગાડવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગામના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે મોડી રાત્રે ઘેરાબંધી કરી હતી. આરોપીઓ કુશાનગર થઈને બિહાર ભાગવાની પેરવીમાં હતા ત્યારે જ પટનવા પુલ પાસેથી પોલીસે આદિત્ય અને રાકેશની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે અને તેમની નિશાનદેહી પર હત્યામાં વપરાયેલ લોહીવાળી છરી પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ હત્યા અને એસસી/એસટી એક્ટની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
કિશોરીના ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
અંજલિના પોસ્ટમોર્ટમ બાદ જ્યારે તેનો મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે તેની માતા મંશા દેવી અને ભાઈ-બહેનોના કરુણ આક્રંદથી આખું ગામ રડી પડ્યું હતું. પિતા મલખા પ્રસાદે ભારે હૈયે પોતાની વ્હાલસોયી દીકરીને મુખાગ્નિ આપી હતી. ગામમાં અત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દલિત કિશોરીની આવી ઘાતકી હત્યાથી ગ્રામજનોમાં આરોપીઓ પ્રત્યે ભારે ગુસ્સો છે. પોલીસે ખાતરી આપી છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે જેથી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવી શકાય. આ ઘટનાએ ફરી એકવાર યુપીમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ઉનાના નેસડામાં જમીન માટે ભાઈઓએ બહેનનું ગળું દબાવી હત્યા કરી












