dalit untouchability news: ભારતમાં જાતિવાદ કઈ હદે લોકોના લોહીમાં પેસી ચૂક્યો છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લાના બહરાગોરા તાલુકાના જયપુરા ગામમાં વાળંદોએ અનુસૂચિત જાતિ (SC) સમાજના લોકોના વાળ-દાઢી કાપવાનું બંધ કરી દીધું હોવાના આરોપો લાગ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ ગામની તમામ છ વાળંદની દુકાનોએ છેલ્લા ચાર અઠવાડિયાથી દલિત ગ્રાહકોના વાળ કાપવાનો ઇનકાર કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસની દખલગીરી છતાં વાળંદોએ દલિતોના વાળ કાપવાનો ઈનકાર કરી દીધો હતો.
2011 ની વસ્તી ગણતરી મુજબ, આ ગામના 54 ઘરોમાં 347 લોકોની વસ્તી હતી. ગામમાં લગભગ 30 દલિત પરિવારો છે. દલિત સમાજની એક વ્યક્તિએ આરોપ લગાવ્યો કે દલિત ગ્રાહકોને દૂર રાખવા માટે વાળંદોએ વધુ પૈસા લેવાનું શરૂ કર્યું છે. રખાહરી મુખીએ કહ્યું, “જ્યારે અમારા બાળકો વાળ કપાવવા માટે જાય છે, ત્યારે તેઓ 300 રૂપિયા લે છે. દાઢી કરવા માટે પણ તેઓ 100 રૂપિયા માંગે છે.”
આ મામલે દલિત સમાજના લોકોએ પહેલીવાર 8 નવેમ્બરના રોજ બારસોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને ત્યારથી ઘણી વખત પોલીસને જાણ કરી છે. ગામલોકોનું કહેવું છે કે, પોલીસે વાળંદોને કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી, પરંતુ કંઈ બદલાયું નથી.
આ પણ વાંચો: દાણીલીમડાના રોગચાળા અંગે NHRC નું સચિવ, કલેક્ટર, AMC ને તેડું
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પોલીસે રવિવારે બધા વાળંદોને બોલાવ્યા હતા અને તેમને કાયદાનું પાલન કરવા અથવા કાર્યવાહીનો સામનો કરવા સૂચના આપી હતી. જો કે, વાળંદોએ દલિતોના વાળ-દાઢી કાપવાને બદલે દુકાનો જ બંધ રાખી હતી.
જો કે, પીઆઈ અભિષેક કુમારે આ સામાજિક બહિષ્કારનો કેસ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તેમને ભાવને લઈને મૂંઝવણ છે. જો કે, કેટલાક લોકો માને છે કે દલિતોના વાળ ન કાપવા પડે તેના માટે તેમણે ભાવ વધારી દીધો છે.”
મહાદલિત સમાજના નેતા વિમલ બૈથા, જેમણે બારસોલ પોલીસને રજૂઆત કરી હતી, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સ્પષ્ટપણે સામાજિક બહિષ્કારનો કેસ છે. દલિત સમાજના પ્રતિનિધિઓએ પોલીસ પર આ બાબતને હળવાશથી લેવાનો આરોપ લગાવ્યો હતો. ગયા વર્ષે, સમાજ કલ્યાણ વિભાગે દલિત સમાજના નેતાઓ સાથે મળીને જાગૃતિ લાવવા માટે એક કૂચનું આયોજન કર્યું હતું. ડોડ્ડાબલ્લાપુરાના કડાનુર ગામમાં દુકાનોમાં દલિતોને વાળ કાપવાનો કથિત ઇનકાર કરવામાં આવ્યા બાદ આ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ 4 સેકન્ડમાં 10 થપ્પડ મારી
ડોડ્ડાબલ્લાપુરામાં કર્ણાટક દલિત સંઘર્ષ સમિતિના કન્વીનર રામુ નીલાઘટ્ટાએ જણાવ્યું હતું કે, “ગામની કેટલીક દુકાનોએ ફક્ત તેમની જાતિના કારણે દલિતોના વાળ કાપવાનો ઇનકાર કર્યો હતો. આવું વર્ષોથી થઈ રહ્યું છે.”
જિલ્લાના સમાજ કલ્યાણના નાયબ નિયામક ટીએલએસ પ્રેમાએ જણાવ્યું હતું કે, “અમને દલિત નેતાઓ તરફથી વાળંદની દુકાનોમાં ભેદભાવ અંગે ફરિયાદો મળી હતી. આ પછી, મેં, અન્ય અધિકારીઓ સાથે, આવી દુકાનોની મુલાકાત લીધી હતી અને વાળંદોને સમજાવ્યા હતા. અમે એ પણ સુનિશ્ચિત કર્યું કે ત્યાં હાજર દલિતોના વાળ કાપવામાં આવે.”
આ પણ વાંચો: એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે
અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગ ભવિષ્યમાં આવી અમાનવીય પ્રથાઓ પર નજર રાખશે. જેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના લોકોને તેમનો અધિકાર મળી શકે.
દલિત નેતા નીલઘટ્ટાએ કહ્યું, “દુઃખની વાત છે કે, આજના જમાનામાં પણ અસ્પૃશ્યતા અમને પરેશાન કરી રહી છે. એવું લાગે છે કે આપણે માનવતા ભૂલી ગયા છીએ અને હીનતાના જૂના ખ્યાલોને જાળવી રાખ્યા છે. હવે સમય આવી ગયો છે કે, આપણો સમાજ બદલાય અને સમાનતાને સ્વીકારે.”
આ પણ વાંચો: અમદાવાદમાં દલિત વૃદ્ધની હત્યામાં 6 ની SC-ST Act હેઠળ ધરપકડ










