દલિત મહિલા જનરલ સીટ પર બિનહરીફ સરપંચ ચૂંટાઈ

Dalit News: 40 વર્ષીય દલિત મહિલા સવર્ણોની બહુમતી ધરાવતા ગામમાં જનરલ સીટ પર બિનહરીફ સરપંચ બની.
Dalit News

Dalit News: જાતિવાદથી ખદબદતા ભારત દેશમાં દલિતો, આદિવાસીઓનું કોઈપણ જનરલ સીટ પર ચૂંટણી લડીને જીતવું અશક્ય જેવું રહ્યું છે. પરંતુ તેલંગાણાની એક અભણ મહિલાએ આ કમાલ કરી બતાવ્યો છે. તેલંગાણાના કામારેડ્ડીના પછાત જુક્કલ તાલુકાના બિજ્જલવાડી ગામની સ્વસહાય જૂથની સભ્ય, 40 વર્ષીય ગંગુબાઈ વાઘમારેએ ઇતિહાસ રચ્યો છે. તે દલિત સમાજની પ્રથમ મહિલા સરપંચ છે જે જનરલ સીટ પર બિનહરીફ ચૂંટાઈ આવી છે.

તેલંગાણાના પાટનગરથી 190 કિમી અને કામારેડ્ડીના જિલ્લા મથકથી 112 કિમી દૂર સ્થિત, બિજ્જલવાડી મહારાષ્ટ્રની સરહદે આવેલો ગ્રામ પંચાયત વિસ્તાર છે. અહીં 931 મતદારોમાંથી ફક્ત 230 દલિત છે, જ્યારે બાકીની વસ્તી મુખ્યત્વે મરાઠા, હાટકર અને લિંગાયત સમાજના મતદારોની છે, જેમાં કેટલાક મુસ્લિમો, ગૌડ અને અન્ય પછાત વર્ગો પણ છે. આ ગામમાં, મોટાભાગે મરાઠા મતદારો ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કરે છે.

આ પણ વાંચો: દલિત યુવક પર તેની માતાની સામે બ્રાહ્મણ સરપંચના પુત્રે મોં પર પેશાબ કર્યો

જુક્કલના કોંગ્રેસના ધારાસભ્ય થોટા લક્ષ્મીકાંત રાવે જણાવ્યું હતું કે ગામમાં મરાઠા સમાજ બહુમતી ધરાવે છે અને મોટાભાગની ખેતીલાયક જમીન તેમના કબ્જામાં છે. તેમણે કહ્યું, “હું તેમનામાં એક નવો આત્મવિશ્વાસ જગાડવા માંગતો હતો. મેં આ પ્રયોગની કલ્પના કરી અને અનેક ગ્રામ પરિષદોમાં જઈને SC સમાજ અને ઉચ્ચ જાતિઓને જાગૃત કર્યા. જેથી એક લાયક SC વ્યક્તિને તક મળી શકે અને તે અન્ય લોકો માટે રોલ મોડેલ બની શકે.”

આ પહેલ સફળ રહી, અને બિજ્જલવાડીએ કોઈપણ વિરોધ વિના જનરલ સીટ પરથી તેની પ્રથમ દલિત મહિલા સરપંચની પસંદગી કરી. ધારાસભ્યએ કહ્યું, “ગામના દલિતોએ કહ્યું કે સામાન્ય શ્રેણીની બેઠક પરથી દલિત સરપંચને ચૂંટવી ગ્રામજનોની સામાજિક ન્યાય અને સંવાદિતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

કોઈ ઔપચારિક શિક્ષણ ન ધરાવતા ગંગુબાઈ હજુ પણ તેમની ભૂમિકાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. બહારની દુનિયા સાથે તેમનો એકમાત્ર સંપર્ક ગામડાના સ્વ-સહાય જૂથમાં સભ્યપદ દ્વારા થઈ રહ્યો છે. જ્યારે તેમનું નામ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યું, ત્યારે તેઓ રડી પડ્યા.

આ પણ વાંચો: બિરસા મુંડા કોણ હતા, શા માટે તેમને ‘ભગવાન’ કહેવામાં આવે છે?

ગંગુબાઈ કહે છે, “આ એવી બાબત છે જેની મેં મારા જીવનમાં ક્યારેય અપેક્ષા નહોતી રાખી. હું વર્ષોથી ગામની મહિલાઓને બાળજન્મમાં મદદ કરી રહી છું, તેમને નર્સ અને હોસ્પિટલમાં લઈ જઈ રહી છું, પરંતુ મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ હું સરપંચ બનીશ.”

જુક્કલના ધારાસભ્યએ જણાવ્યું હતું કે શાસક પક્ષ દ્વારા સમર્થિત 25 ઉમેદવારો આ મતવિસ્તારમાં કોઈપણ વિરોધ વિના સરપંચ તરીકે ચૂંટાયા હતા. લક્ષ્મીકાંત રાવે કહ્યું કે તેમણે ખાતરી કરી કે ગરીબ અને પછાત સમાજના લાયક ઉમેદવારોને પણ સામાન્ય મતવિસ્તારોમાંથી ચૂંટણી લડવાની તક મળે. તેમણે કહ્યું, “પ્રતિસાદ મિશ્ર હતો. બધાં ખુશ નહોતા, પરંતુ હું તેમને એકસાથે લાવવા અને મનાવવામાં સફળ રહ્યો.”

તેમણે જાહેરાત કરી કે વિરોધ વિના ચૂંટાયેલી દરેક ગ્રામ પંચાયતને સરકાર દ્વારા જાહેર કરાયેલ ₹10 લાખની ગ્રાન્ટ અને તેમના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય ભંડોળમાંથી વધારાની નાણાકીય સહાય મળશે.

આ પણ વાંચો: હવે ગુજરાતમાં તલાટીઓ કૂતરા શોધવા નીકળશે!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x