પ્રજાસત્તાક પર્વ આમ તો ભારતમાં પ્રજાના હાથમાં સત્તા આવી તેની ઉજવણી કરવા માટેનો તહેવાર છે. પરંતુ ખરેખર દેશમાં શું સ્થિતિ પ્રવર્તે છે તે સાબિત કરતો એક કિસ્સો હાલ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ભારત જ્યારે 76માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મગ્ન હતું અને મહિલા સશક્તિકરણની ઝાંખીઓ પ્રદર્શિત થઈ રહી હતી, ત્યારે જ પડદા પાછળ એક એવી ઘટના ઘટી જેણે સામાજિક ન્યાયના તમામ દાવાઓને પોકળ સાબિત કરી દીધા છે. રાજસ્થાનના બારાં જિલ્લાના છબડા નિવાસી શાંતિ બાઈ, જેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે, તેમની સાથે દિલ્હીમાં ખૂબ જ અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.
દિલ્હી બોલાવીને પછી સન્માન ન કર્યું
મળતી માહિતી મુજબ, શાંતિ બાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ પાકું મકાન મળવાની સિદ્ધિને બિરદાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘વિશિષ્ટ અતિથિ’ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. એક ગરીબ દલિત મહિલા માટે દેશના સર્વોચ્ચ ભવનમાં જવું એ જીવનનું સૌથી મોટું સ્વપ્ન હતું. પરંતુ, આક્ષેપ છે કે દિલ્હી પહોંચ્યા બાદ તેમનું સન્માન તો દૂર, તેમને કાર્યક્રમમાં બેસવા પણ દેવામાં આવ્યા નહોતા.

પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, તેમને કાર્યક્રમમાંથી બળજબરીપૂર્વક બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને કોઈ પણ પ્રકારના કારણ વગર પરત મોકલી દેવાયા હતા. આ ઘટના પાછળ તેમની જાતિ અને સામાજિક પૃષ્ઠભૂમિ જવાબદાર હોવાના ગંભીર આરોપો અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
આ ઘટનાના પડઘા હવે છેક રાજ્યપાલ સુધી પડ્યાં છે. આ મામલે રાજસ્થાનમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જિલ્લા અધ્યક્ષ શિમલા બૈરવાના નેતૃત્વમાં સેંકડો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે એડિશનલ કલેક્ટરને મળીને રાજ્યપાલના નામે કડક શબ્દોમાં આવેદનપત્ર પાઠવ્યું છે. આ મામલે કેન્દ્રીય આવાસ મંત્રાલય પાસે પણ ખુલાસો માંગવાની તૈયારીઓ ચાલી રહી છે.
દલિત સંગઠનોએ 7 દિવસનો સમય આપ્યો
આ તરફ દલિત સંગઠનોએ ચીમકી આપી છે કે જો 7 દિવસમાં જવાબદાર અધિકારીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો દિલ્હીના જંતર-મંતર પર ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે. શાંતિ બાઈ હાલમાં ઘેરા માનસિક આઘાતમાં છે અને તેમણે મીડિયા સમક્ષ રડતા રડતા પોતાનું દર્દ ઠાલવ્યું હતું કે, “જો અમારું અપમાન જ કરવું હતું, તો અમને આટલા દૂર બોલાવ્યા જ કેમ?”
આ પણ વાંચો: ‘ભલે સસ્પેન્ડ કરી દો, બોલો ડૉ.આંબેડકરનું નામ કેમ ન લીધું?’
બંધારણના રક્ષકો સામે સવાલો ઉઠ્યાં
આવેદનપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે, એક તરફ દેશના રાષ્ટ્રપતિ પોતે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે, ત્યારે તેમના જ ભવનમાં એક દલિત મહિલા સાથે આવો ભેદભાવ એ તંત્રની માનસિકતા દર્શાવે છે. આ ઘટના માત્ર શાંતિ બાઈનું અપમાન નથી, પરંતુ દેશના કરોડો દલિતો અને વંચિતોના આત્મસન્માન પર પ્રહાર છે. આ અપમાનજનક ઘટનાની ન્યાયિક તપાસ (Judicial Inquiry) થાય. શાંતિ બાઈને સાર્વજનિક રૂપે માફી માંગીને યોગ્ય ન્યાય અપાય.
દિલ્હીમાં કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રોટોકોલ ઓફિસરો સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પથ્થરના મકાનો (આવાસ યોજના) આપી દેવાથી સામાજિક સમાનતા આવતી નથી; તેના માટે માનસિકતા બદલવી અનિવાર્ય છે. જ્યાં સુધી વ્યવસ્થામાં બેઠેલા લોકો દલિતો પ્રત્યેનો તેમનો પૂર્વગ્રહ નહીં છોડે, ત્યાં સુધી ગણતંત્રના આદર્શો અધૂરા જ રહેશે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરનું અપમાન કરનાર Anil Mishra ની મુસ્લિમ CSPએ બોલતી બંધ કરી









