બનાસકાંઠા: ગુજરાતમાં જમીની સ્તરે જાતિવાદના મૂળ કેટલા ઊંડા છે તેનો વરવો નમૂનો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંડી ગામેથી સામે આવ્યો છે. અહીં ખેતરના શેઢાના વિવાદમાં અને પશુઓના ઘૂસી આવવા જેવી નજીવી બાબતમાં એક દલિત પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક મહિલાને ગંભીર ફ્રેક્ચર થયું છે અને આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મામલો શું હતો?
કુંડી ગામના રહેવાસી ભમરાભાઈ ગમારે પાંથાવાડા પોલીસ મથકે નોંધાવેલી વિગતો મુજબ, આ ઘટના 12 માર્ચ 2026ની મોડી રાત્રે અંદાજે અઢી વાગ્યે બની હતી. ભમરાભાઈ તે સમયે પોતાના ખેતરમાં સૂતા હતા. રાત્રિના સુમસામ વાતાવરણમાં બાજુના ખેતરના માલિક ઈશ્વરભાઈ ગોદાજી પુરોહિતના ખેતરમાંથી એક આખલો ભમરાભાઈના ખેતરમાં ઘૂસી આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી આ સિલસિલો ચાલતો હોવાથી ભમરાભાઈના પાકને મોટું નુકસાન થઈ રહ્યું હતું.

આ પણ વાંચો: ‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે’ – યતીન ઓઝા
જ્યારે ભમરાભાઈ અને એક સાક્ષી મહિલાએ પશુને ખેતરમાંથી બહાર કાઢ્યું, ત્યારે પાડોશી ખેતરના માલિક ઈશ્વર પુરોહિત ત્યાં લોખંડની પાઈપ લઈને ધસી આવ્યો હતો. ભમરાભાઈએ જ્યારે નમ્રતાથી પ્રશ્ન કર્યો કે, “તમે છેલ્લા ચાર દિવસથી આખલો અમારા ખેતરમાં છોડીને કેમ નુકસાન કરો છો?” ત્યારે પરિસ્થિતિ વણસી હતી. આરોપી ઈશ્વર પુરોહિતે આ સામાન્ય સવાલનો જવાબ આપવાને બદલે ભમરાભાઈની જ્ઞાતિ પ્રત્યે હડહડતા અપમાનજનક શબ્દો ઉચ્ચારવાનું શરૂ કર્યું હતું. તેમણે દલિત પરિવારને જાહેરમાં અપમાનિત કર્યા અને ગંદી ગાળો આપી. જ્યારે ભમરાભાઈએ તેમને ગાળો ન બોલવા માટે વિનંતી કરી, ત્યારે આરોપીએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો.
આરોપીએ હાથમાં રહેલી લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઝપાઝપીમાં વચ્ચે બચાવવા પડેલા એક મહિલાને નિશાન બનાવવામાં આવી હતી. આરોપીએ લોખંડની પાઈપનો જોરદાર ફટકો મહિલાના પગના ઢીંચણ ઉપર માર્યો હતો. પ્રહાર એટલો સચોટ અને તાકાતવર હતો કે મહિલાના પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયું હતું. મહિલા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં SC-ST-OBC ને 20,000 એકર જમીનનો કબજો ક્યારે?

આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી
હુમલા બાદ પણ આરોપીનો ગુસ્સો શાંત થયો ન હતો. તેણે દલિત પરિવારને સ્પષ્ટ શબ્દોમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે ભયભીત બનેલા ભમરાભાઈએ તુરંત પાંથાવાડા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દલિતો પર અત્યાચારનો સિલસિલો યથાવત
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ દલિતો પર અત્યાચાર યથાવત છે. ખેતરમાં પશુ ઘૂસવું એ ગ્રામીણ જીવનનો સામાન્ય ભાગ છે, પરંતુ તેને જ્ઞાતિવાદી વળાંક આપીને હુમલો કરવો તે કોઈ કાળે ચલાવી લેવાય તેમ નથી. સ્થાનિક દલિત સંગઠનોએ આ મામલે આરોપીની તાત્કાલિક ધરપકડ અને પીડિત પરિવારને ન્યાયની માંગ કરી છે.
આ પણ વાંચો: ચાણસ્મામાં દલિત મહિલા સાથે 5 શખ્સોએ 1.25 કરોડની છેતરપિંડી કરી










