ભારતમાં દલિતો પર જાતિવાદી તત્વો દ્વારા અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. આવી જ દલિત અત્યાચારની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ગામમાં દલિત યુવક ભૂખ લાગી હોવાથી રોટલી માંગવા એક પોલ્ટ્રી ફાર્મમાં ગયો હતો. જ્યાં માથાભારે તત્વોએ તેને બંધક બનાવી, ઢોર માર મારી, તેના મોંમાં કપડું ઠૂંસીને તેને ખેતરમાં ફેંકી દીધો હતો. દલિત યુવક આખી રાત ઠંડીમાં ઠુંઠવાતો ખેતરમાં પડી રહ્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે ખેતરમાં કામ કરવા જતા મજૂરોએ તેને જોયો તો તેમણે પોલીસને જાણ કરતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આઝાદીના 78 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચારો યથાવત
ભારતને આઝાદી મળ્યાને 78 વર્ષ વીતી ગયા છે પરંતુ દેશના દલિતોને હજુ પણ જાતિવાદી, લુખ્ખા તત્વોના આતંકથી મુક્તિ નથી મળી. આજે પણ મનુવાદી તત્વો દલિતોને પશુ સમાન માને છે અને તેમના પર અત્યાચાર કરતા રહે છે. ન તો દલિત પુરુષો સુરક્ષિત છે, ન તો દલિત મહિલાઓ સુરક્ષિત છે, ન તો દલિત દીકરીઓ સુરક્ષિત છે. ઘણા દલિતોને પગાર માંગવા બદલ પેશાબ પીવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, તો ક્યાંક દલિતોને રોટલી માંગવા બદલ માર મારવામાં આવે છે. આવી જ એક ઘટના આગ્રાના બહરનથી પ્રકાશમાં આવી છે, જ્યાં એક મરઘાં ફાર્મ સંચાલકે રોટલી માંગવા બદલ એક દલિત યુવકને બંધક બનાવી ઢોર મારી ખેતરમાં ફેંકી દીધો હતો.
પોલ્ટ્રી ફાર્મના માલિક પાસે રોટલી માંગવાની સજા મળી
દલિત યુવકે ભૂખ લાગતા પોલ્ટ્રી ફાર્મ માલિક પાસેથી રોટલી માંગી હતી, પરંતુ માલિકને આ ગમ્યું નહોતું અને તેણે દલિત યુવકને લોખંડના સળિયાથી નિર્દયતાથી માર માર્યો હતો. ત્યારબાદ તેણે યુવકના હાથ-પગ બાંધી દીધા, તેના મોંમાં કપડું ઠૂંસી દીધું અને તેને બાજરીના ખેતરમાં ફેંકી દીધો હતો. બીજા દિવસે સવારે જ્યારે યુવક ખેતરમાં પડેલો મળી આવ્યો, ત્યારે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે બે લોકો સામે કેસ નોંધ્યો છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે અત્યાર સુધી તેમને આ મામલે FIR મળી નથી.
ઉત્તરપ્રદેશના આગ્રાના અહરન વિસ્તારની ઘટના
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઘટના ઉત્તરપ્રદેશના Ahran of Agraવિસ્તારની છે. પીડિત દલિત યુવક રવિ વાલ્મિકી અહરનના નાગલા ગોવર્ધન ગામનો રહેવાસી છે. તે ગામડે ગામડે ફરે છે અને લોકો પાસે ભીખ માંગે છે, જેથી કોઈક રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે. નિત્યક્રમ મુજબ ભીખ માંગવા માટે નાગલા ગોવર્ધન અને નાગલા બારી વચ્ચે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં પહોંચી ગયો હતો. જ્યાં કેટલાક લોકો પોલ્ટ્રી ફાર્મમાં પાર્ટી કરી રહ્યા હતા. રવિએ તેમની પાસે રોટલી માંગી હતી.
જેનાથી પાર્ટી કરી રહેલા ગુંડાઓ ગુસ્સે ભરાયા હતા અને તેમણે રવિને તેની જાતિ પૂછીને ત્યારબાદ જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. આરોપીઓએ તેને લાકડીથી માર માર્યો અને તેને બાંધીને ખેતરમાં ફેંકી દીધો. જ્યાં તે આખી રાત ખેતરમાં પીડાથી કણસતો રહ્યો. ગુરુવારે સવારે ઘાસચારો લેવા ગયેલા ગ્રામજનોએ તેને જોયો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી.
આ પણ વાંચો: ‘આને પૈસાનો બહુ પાવર છે?’ કહી દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો
પોલીસ અધિકારીએ ઘટના અંગે માહિતી આપી
આ ઘટના અંગે એસીપી એતમાદપુર દેવેશ સિંહે જણાવ્યું હતું કે ઘાયલ દલિત યુવક રવિ વાલ્મિકીનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શાંતિ ભંગ કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. એસીપી દેવેશ સિંહે વધુમાં જણાવ્યું હતું કે કેસની ફરિયાદ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના અંગે ગામના લોકો અને વાલ્મીકી સમાજમાં ભારે રોષ છે, તેઓ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો કે, આટલી ગંભીર દલિત અત્યાચારની ઘટના હોવા છતાં તેમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો: ટોળાએ 3 દલિત કિશોરોને રાષ્ટ્રધ્વજના થાંભલા સાથે બાંધીને માર્યા