ગુજરાતમાં દલિતો સાથે સામાન્ય બાબતોમાં જાતિવાદી તત્વો દ્વારા હુમલાઓની ઘટના છેલ્લાં કેટલાક સમયમાં વધી છે. આવી જ એક ઘટના પાટણ જિલ્લામાંથી સામે આવી છે. અહીંના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે એક દલિત યુવકે જાતિવાદી તત્વોને ચશ્મા પહેરવા ન આપતા તેને જાતિસૂચક અપશબ્દો કહીને જીવલેણ હુમલો કર્યો હતો. ત્રણ શખ્સોએ યુવકને લાકડીઓ અને ગડદાપાટુ વડે માર મારી જાતિ વિષયક અપમાનિત કર્યા હતા. આ મામલે સાંતલપુર પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.
ચશ્મા પહેરા ન આપતા જાતિસૂચક અપશબ્દો કહ્યા
આ ઘટનાની મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના 26 વર્ષીય તુલસીભાઈ વેલાભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સાંજે સાત વાગ્યે ગામના હનુમાનજી મંદિર પાસે ચશ્મા પહેરીને ઊભા હતા. એ દરમિયાન ગામનો દેવશી માંડણ કોળી ત્યાં આવ્યો અને તુલસીભાઈ પાસે તેમણે પહેરેલા ચશ્મા માંગ્યા હતા. પરંતુ તુલસીભાઈએ ચશ્મા આપવાની ના પાડતા દેવશી ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિસૂચક અપશબ્દો બોલીને બોલાચાલી કરી હતી.

આ પણ વાંચો: ગેંગરેપ પીડિતા આદિવાસી યુવતી ન્યાયની રાહમાં મોતને ભેટી
બબાલ કર્યા બાદ ઘરે પહોંચીને હુમલો કર્યો
આ ઘટનાના લગભગ અડધા કલાક બાદ દેવશી કોળી અને ભીખુ સગુ કોળી મોટરસાયકલ પર તુલસીભાઈના ઘરના ઝાંપા પાસે આવ્યા હતા અને જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળાગાળી શરૂ કરી હતી. તુલસીભાઈના માતા-પિતા તેમને સમજાવવા બહાર આવ્યા ત્યારે માંડણ ધીંગા કોળી પણ લાકડી સાથે ત્યાં પહોંચ્યો હતો. તેણે તુલસીભાઈને ડાબા ખભા અને ડાબા પગે લાકડીના ફટકા માર્યા હતા. એ દરમિયાન તેમના પિતા વેલાભાઈ વચ્ચે પડતા ભીખુ કોળીએ તેમને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ત્રણેય શખ્સોએ તુલસીભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો.

જાનથી મારી નાખવાની ધમકી આપી
હુમલો કરનાર શખ્સોએ “હવે ગામમાં મળ્યો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત તુલસીભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સાંતલપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સાંતલપુર પોલીસે દેવશી માંડણ કોળી, ભીખુ સગુ કોળી અને માંડણ ધીંગા કોળી વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ‘શું હવે અમારે કચરો ઉપડાવવા ઢે#ઓના પગ પકડવાના?’










