Dalit News: દલિતો માટે દેશમાં સામાન્ય જીવન જીવવું પણ દુષ્કર બનતું જઈ રહ્યું હોય તેમ લાગે છે. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણેથી દલિતો પર અત્યાચારની ભયાનક ઘટના સામે આવ્યા વિના રહેતી નથઈ. આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવકને જાતિવાદી તત્વો દ્વારા માત્ર એટલા માટે ગામ વચ્ચે નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો, કારણ કે તેણે તેના મજૂરીના બાકી નીકળતા રૂપિયા માંગ્યા હતા.
મામલો જાતિવાદ માટે કુખ્યાત યુપીનો છે. અહીંના અમરોહા(Amroha) જિલ્લાના હસનપુર તાલુકાના ઢવારસી ગામમાં બાકી નીકળતી મજૂરી માંગવા ગયેલા એક દલિત યુવક પર ગામના જ બે માથાભારે તત્વોએ મધ્યયુગીન બર્બરતા આચરી હતી. આ યુવકને જાહેરમાં નગ્ન કરવામાં આવ્યો(Dalit youth stripped naked) અને ત્યારબાદ લાકડીઓ તથા પટ્ટાઓ વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મજૂરીના પૈસા માંગતા માર માર્યો
આ ઘટનાની મળતી માહિતી મુજબ, આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ઢવારસી ગામનો રહેવાસી સચિન કુમાર વ્યવસાયે મજૂર છે. સચિન અને તેના ભાઈઓ હૈદરાબાદમાં પીઓપી સીલિંગનું કામ કરવા માટે ગયા હતા. આ કામ ગામના જ કેટલાક અન્ય શખ્સો સાથે મળીને કરવામાં આવ્યું હતું. સચિનના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી તેની અંદાજે દોઢ લાખ રૂપિયા જેટલી રકમ મજૂરી પેટે બાકી નીકળતી હતી. આ રકમ ચૂકવવા માટે તે વારંવાર વિનંતી કરી રહ્યો હતો પરંતુ આરોપીઓ તેને વાયદા આપીને ટાળી રહ્યા હતા. રવિવારની સવારે જ્યારે આરોપી નૌશાદ અને સમેદ્દીન સચિનને ફરીથી નવા કામ પર લઈ જવા માટે તેના ઘરે આવ્યા, ત્યારે સચિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી જૂના પૈસાનો હિસાબ નહીં થાય ત્યાં સુધી તે કામ પર નહીં આવે.
ગામ વચ્ચે અર્ધ નગ્ન કરી ઢોર માર માર્યો
પોતાની મહેનતની કમાણી માંગવી સચિન માટે ગુનો બની ગઈ હોય તેમ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ સચિનને ગામના મુખ્ય માર્ગ પર જ આંતરી લીધો હતો. ત્યાં તેને બેફામ ગાળો ભાંડીને માર મારવાનું શરૂ કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીઓએ સચિનના કપડાં ફાડી નાખ્યા અને તેને અર્ધ-નગ્ન હાલતમાં રસ્તા પર દોડાવી દોડાવીને માર્યો. યુવક મદદ માટે કરગરી રહ્યો હતો અને પોતાનો જીવ બચાવવા પ્રયાસ કરતો હતો, પરંતુ જાતિવાદી તત્વોએ તેનો છોડ્યો નહોતો. આસપાસના લોકો પણ આ ભયાનક દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચોઃ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર દલિત પ્રોફેસરની સાસરીયાઓએ હત્યા કરી
#अमरोहा बना गुंडाराज का गढ़!
कानून का खौफ खत्म, दबंगों का आतंक जारी
मजदूरी मांगना पड़ा भारी, दलित युवक की बेरहमी से पिटाई
बीच गांव कपड़े फाड़कर इंसानियत को किया शर्मसार
वीडियो वायरल, लेकिन सिस्टम फिर भी लाचार!
19 हजार रुपये के लिए युवक पर टूटा कहर
नौशाद और समेद्दीन पर गंभीर… pic.twitter.com/WUkec3uApD
— News1India (@News1IndiaTweet) April 5, 2026
ત્રણ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
વીડિયો વાયરલ થતાની સાથે જ જિલ્લા પોલીસ અધિક્ષકે આ મામલાની ગંભીરતા સમજીને આદમપુર પોલીસને તાત્કાલિક સ્થળ પર મોકલી હતી. પોલીસ સ્ટેશન પ્રભારી કોમલ તોમરે જણાવ્યું કે પીડિત સચિન કુમારની ફરિયાદના આધારે અને વાયરલ વીડિયોના ટેકનિકલ પુરાવાઓને ધ્યાનમાં રાખીને ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ કેસમાં સંડોવાયેલા બે સગા ભાઈઓ અને તેમના પિતાની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) તથા હિંસા અને શાંતિ ભંગની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દલિત સમાજમાં ભારે રોષ
આ ઘટના બાદ ઢવારસી ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. દલિત સમાજના લોકોમાં ભારે રોષ છે અને તેઓએ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો મજૂરોને તેમના હકના પૈસા માંગવા બદલ આવો ત્રાસ આપવામાં આવશે તો સામાન્ય માણસની સુરક્ષાનું શું? આ કિસ્સો ફરી એકવાર મજૂરોની સુરક્ષા અને તેમના આર્થિક શોષણના મુદ્દાને સપાટી પર લાવ્યો છે. હાલમાં સચિન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે ચાર્જશીટ વહેલી તકે ફાઈલ કરવામાં આવશે જેથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને સજા અપાવી શકાય.
આ પણ વાંચોઃ ન્યાય માટે બે દલિત યુવકો આખો દિવસ પાણીની ટાંકી પર બેસી રહ્યાં!
આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શિક્ષક લાકડા વીણવા મોકલે છે











