જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં એક નિર્દોષ દલિત યુવક પર ત્રણ બ્રાહ્મણોએ મળીને હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીંના બલરામપુર જિલ્લાના આહરોલા ગામમાં આ મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ યુવકને બંધક બનાવીને અનેક જગ્યાએ જાહેરમાં ઉભો રાખીને માર માર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં જાતિગત તણાવની સ્થિતિ સર્જાઈ છે. સાદુલ્લાનગર પોલીસે આ કેસમાં ચાર લોકો સામે કેસ નોંધ્યો છે. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.
દલિત યુવકને ગામ વચ્ચે ઉભો રાખી માર માર્યો
સાદુલ્લાનગર પોલીસ સ્ટેશનના આહરોલા ગામની આ ઘટનામાં દલિત યુવક ખેતરેથી કામ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગામના જ બ્રાહ્મણ પરિવારે તેને આંતરીને જાહેરમાં માર માર્યો હતો. આરોપીઓ દલિત યુવકને એક પછી એક, અલગ અલગ જગ્યાએ લઈ ગયા હતા અને ચોક વચ્ચે ઉભો રાખીને માર માર્યો હતો. પિતાએ ચાર લોકો પર ગાળાગાળી કરવાનો, જાતિસૂચક અપશબ્દો બોલવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસની જવાબદારી સર્કલ ઓફિસર ઉત્તરૌલાને સોંપી છે. પોલીસ હુમલા પાછળનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?
બ્રાહ્મણ પરિવારના ત્રણ લોકોએ મળી માર માર્યો
દલિત યુવકના પિતા વિજય કુમારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો 18 વર્ષનો પુત્ર વિશાલ 19 ઓગસ્ટની સવારે ખેતરમાં કામ કરવા માટે ગયો હતો. જ્યારે તે પરત ફરી રહ્યો હતો ત્યારે ગામના સતીશચંદ્ર મિશ્રા, તેની પત્ની અને પુત્રે કારણ વિના જ વિશાલને રસ્તામાં આંતરીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલામાં તેમને ગામના જગદીપ નામના યુવકે પણ સાથ આપ્યો હતો.
દલિત યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી
વિજય કુમારના જણાવ્યા મુજબ, આરોપીઓએ તેમના પુત્રને માર મારી, જાતિસૂચક અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોબાળો થતા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરોપીઓ તેમ છતાં વિશાલને માર મારતા રહ્યા હતા.
યુવકને માર મારવાનો વીડિયો વાયરલ
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર મનોજ કુમાર સિંહે જણાવ્યું હતું કે પીડિતની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. સર્કલ ઓફિસર ઉત્તરૌલા દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ વિશાલને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પગલા લીધા છે.
આ પણ વાંચો: જંગલમાં રહેતી આદિવાસી વિદ્યાર્થીનીએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે













