ભાજપની હિંદુત્વવાદી સરકાર જે રાજ્યમાં રામરાજ્ય આવી ગયાનો દાવો કરી રહી છે તે ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની ઘટનાઓએ માઝા મૂકી છે. મનુસ્મૃતિ આધારિત રામરાજ્યમાં દલિતોને પહેલા પણ માણસ ગણવામાં આવતા નહોતા અને ભારત આઝાદ થયાના 78 વર્ષ પછી પણ જાણે એ સ્થિતિમાં કોઈ ફરક ન પડ્યો હોય તેવી સ્થિતિ છે. આ ઘટના તેની વધુ એક સાબિત આપે છે.
મંદિરમાં સૂતેલા દલિત યુવકને સવર્ણોએ માર માર્યો
મામલો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુરનો છે. અહીંના ગીડા પોલીસ સ્ટેશનમાં આવતા જૈતપુર ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શુક્રવારની મધરાતે ગામનો એક દલિત યુવક પોતાના ખેતરમાં સિંચાઈ કરતો હતો. લાંબા સમય સુધી કામ કર્યા બાદ થાકને કારણે તે નજીકના મંદિર પાસે જઈને સૂઈ ગયો હતો. એ દરમિયાન ગામના જ એક સવર્ણ વ્યકિતએ તેને ત્યાં સૂતા જોઈ લીધો. તેણે યુવકને જાતિસૂચક ગાળીઓ આપીને તેની સાથે મારમારી કરી હતી.
પીડિત યુવકે બનાવની માહિતી પરિવારજનોને આપી. પછી ગ્રામજનોની મદદથી પોલીસ પાસે પહોંચીને ફરિયાદ નોંધાવી. ગીડા પોલીસે કેસ નોંધીને આરોપી સામે સંબંધિત ધારાઓ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
યોગી રાજમાં દલિતોની સ્થિતિ દયનિય બની
આ બનાવ માત્ર એક વ્યક્તિગત હિંસા નથી, પરંતુ એ દર્શાવે છે કે આપણા સમાજમાં જાતિવાદી ભેદભાવ આજે પણ જીવંત છે. ભારતમાં દરરોજ ક્યાંક ને ક્યાંક દલિત સમાજ પર હુમલા, અપમાન અથવા અત્યાચારના બનાવો નોંધાય છે. મંદિર, પાણીના સ્ત્રોત, શાળા કે જાહેર જગ્યાઓએ પણ દલિતોને આજે પણ અપમાન અને ભેદભાવનો સામનો કરવો પડે છે.
દેશના બંધારણ પ્રમાણે દરેક નાગરિકને સમાન અધિકાર અપાયો છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે રચેલા ભારતીય સંવિધાને આભડછેટ અને જાતિ આધારિત ભેદભાવને ગુનો જાહેર કર્યો છે. છતાં ગામડાની જડ માનસિકતા હજીયે દલિતોને સમાન માન આપતી નથી. ગોરખપુરનો આ બનાવ એ જ વાસ્તવિકતા દર્શાવે છે કે દલિતોનું દૈનિક જીવન આજે પણ અસમાનતા અને ભેદભાવથી ઘેરાયેલું છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો
એટ્રોસિટી જેવો મજબૂત કાયદો છતાં ભેદભાવ યથાવત
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ આવા બનાવો કડક ગુના ગણાય છે. પરંતુ હકીકતમાં દલિત પીડિતોને ન્યાય મળવામાં લાંબો સમય લાગી જાય છે. જેના કારણે ન્યાય વ્યવસ્થાની ઝડપ અને પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થાય છે. પોલીસ દ્વારા કેસ નોંધવો એ પ્રથમ પગલું છે, પરંતુ એ પૂરતું નથી. આરોપીને ઝડપથી કાયદેસર સજા મળે, પીડિતને સુરક્ષા અને સહાય મળે એ મહત્વનું છે. નહીંતર આવા બનાવો પુનરાવર્તિત થતા રહેશે.
ગામડામાં જાતિવાદના મૂળ ઉંડા છે
ગામડાની સામાજિક રચનામાં જાતિવાદના મૂળ એટલા ઉંડે સુધી ખૂંપી ગયા છે કે તેનો હજુ સુધી નિકાલ થઈ શકતો નથી. મંદિરો અને જાહેર સ્થળો દલિતો માટે આજે પણ અદૃશ્ય સીમા બની રહે છે. શિક્ષણ અને આર્થિક વિકાસ થયા હોવા છતાં માનસિકતામાં મોટો ફેરફાર આવ્યો નથી. આપણે સમજવું પડશે કે સમાજમાં સમાનતા માત્ર કાનૂની શબ્દોમાં નહીં, પરંતુ જીવનમાં અનુભવી શકાય એવી હોવી જોઈએ. રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓએ જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં વિચારોનું પરિવર્તન લાવવું જરૂરી છે.
દલિતો આજે પણ સમાનતા-સંઘર્ષ માટે વલખાં મારે છે
ગોરખપુરનો આ બનાવ આપણને યાદ અપાવે છે કે ભારતે 78 વર્ષથી વધુ સમય પહેલા સ્વતંત્રતા મેળવી હોવા છતાં દલિત સમાજ હજુ પણ સ્વાભિમાન સાથે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. કાયદા કડક છે, પરંતુ તેનો યોગ્ય રીતે અમલ જ થતો નથી. સમાજ અને પ્રશાસન બંનેની સંયુક્ત જવાબદારી છે કે આવી ઘટનાઓ પર માત્ર ગુનો નોંધવા પૂરતું ન રહે, પરંતુ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે વ્યવસ્થિત પગલાં લેવાય. દલિતો પરનો ભેદભાવ દૂર કરવાનો સમય હવે આવી ગયો છે – નહીં તો સમાનતા અને ન્યાયના વચનો ખાલી સૂત્ર જ બની રહેશે.
આ પણ વાંચો: કોંગ્રેસે ફરી દલિતોની પીઠમાં ઘા કર્યો, કર્ણાટકમાં SC અનામતમાં ભાગલા પાડ્યાં