દલિતો હિંદુ બની મંદિરમાં દર્શન કરવા ગયા, સવર્ણોએ ફટકાર્યા

Dalit News: દલિત સમાજના લોકોને હજુ પણ તેઓ હિંદુ હોવાના વહેમમાં ફરે છે. એક ગામમાં તેઓ મંદિરમાં માતાના દર્શન કરવા ગયા, ત્યાં સવર્ણોએ તેમના પર હુમલો કર્યો.
dalit news

Dalit News: રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સદાસર ગામમાં દલિતો મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા એ દરમિયાન સવર્ણ હિંદુઓએ હુમલો કરી તેમને માર મારતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને કારણે ગામમાં તણાવપૂર્ણ માહોલ છે, સોમવારે પોલીસ સ્ટેશન પર વિરોધ પ્રદર્શનો થયા હતા.

ભાગવત કથાની શોભાયાત્રા બાદ હુમલો થયો

આ સમગ્ર ઘટનાની શરૂઆત રવિવારની સાંજે ગામમાં આયોજિત ભગવત કથાના સમાપન કાર્યક્રમ પછી થઈ. કથા સમાપ્ત થયા પછી એક ધાર્મિક શોભાયાત્રા કથા સ્થળેથી નજીકના એક મંદિર તરફ નીકળી હતી. આ શોભાયાત્રામાં ગામના વિવિધ સમાજના લોકો હાજરી આપી રહ્યા હતા. શોભાયાત્રા જ્યારે મંદિર પહોંચી, ત્યારે દલિત સમાજના કાનારામ મેઘવાલ અને તેમના મિત્રોએ મંદિરમાં પ્રવેશ કરી દર્શન કરવાનો પ્રયત્ન કર્યો હતો.

સવર્ણોએ જાતિવાદી અપશબ્દો કહી હુમલો કર્યો

મુખ્ય ફરિયાદી કાનારામ મેઘવાલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ગંભીર આરોપો મૂક્યા છે. તેમના મતે, જ્યારે તેઓ અને અન્ય દલિત સમાજના લોકો મંદિરમાં પ્રવેશવા ગયા, ત્યારે સૂરદાસ સ્વામી, શંકરલાલ, હિંમત કુમાર અને અનિલ સહિત કેટલાક ગામલોકોએ તેમને રોક્યા હતા. ફરિયાદ મુજબ, આરોપીઓએ સીધા જ તેમને તેમની દલિત જાતિના આધાર પર મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. મામલો ઉગ્ર બનતા આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીઓ હુમલો કર્યો હતો અને તેમને માર માર્યો હતો.

આ પણ વાંચો: દિવસે ખેતમજૂરી રાત્રે વાંચન કરી આદિવાસી દીકરીએ NEET પાસ કરી

પોલીસે શું કહ્યું

ચૂરુના ડીએસપી સત્યનારાયણ ગોદારા આ ઘટના અંગે જણાવે છે કે, મંદિરના પ્રવેશદ્વારે શોભાયાત્રાની વધારે પડતી ભીડ હતી, જેના કારણે સુરક્ષાના દૃષ્ટિએ દલિતોને થોડી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. ડીએસપીના જણાવ્યા મુજબ, જ્યારે મેઘવાલ અને તેમના સાથીઓને રોકવામાં આવ્યા, ત્યારે બન્ને પક્ષો વચ્ચે આ પરિસ્થિતિને લઈને વાદવિવાદ શરૂ થયો, જે તીવ્ર બન્યો. જો કે, પોલીસ અધિકારીએ મારામારી થઈ હોવા અંગે મૌન સેવ્યું હતું.

પોલીસી કાર્યવાહી અને વર્તમાન સ્થિતિ

આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, સદાસર પોલીસે ફરિયાદીના નિવેદનને આધારે ચાર આરોપીઓ – સૂરદાસ સ્વામી, શંકરલાલ, હિંમત કુમાર અને અનિલ – વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. હાલમાં આ ચારેય આરોપીઓ ફરાર છે અને પોલીસની ટીમો તેમને ગિરફ્તાર કરવા માટે શોધખોળ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ગામમાં હાલમાં શાંતિ પૂર્ણ સ્થિતિ છે, પરંતુ સુરક્ષાના પર્યાપ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

જાતિવાદ હજુ પણ પીછો છોડતો નથી

ચૂરુની આ ઘટના ભારતીય સમાજમાં હજુ પણ અસ્તિત્વમાં રહેલી જાતિગત અસમાનતા અને ધાર્મિક સ્થળોએ દલિતોના પ્રવેશને લઈને ચાલતા ભેદભાવની દર્દનાક છબી પ્રસ્તુત કરે છે. આવી ઘટનાઓ સમાજમાં સામૂહિક સભ્યતા અને સમાનતાના સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. પોલીસની કાર્યવાહી ઝડપી અને ન્યાયીક હોવી જરૂરી છે, તાલુકા પ્રશાસનને ગામમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન અને શાંતિ સ્થાપનાના પગલાં લેવાની આવશ્યકતા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકાવી શકાય.

આ પણ વાંચો: મેવાણીએ કહ્યું, ‘ધારાસભ્યોને ઈંટના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે’

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x