કોંગ્રેસશાસિત કર્ણાટકમાં આ વર્ષના અંત સુધીમાં મુખ્યમંત્રી બદલી દેવાશે તેવી અટકળો વચ્ચે રાજ્યમાં દલિત મુખ્યમંત્રી બનાવવાની માંગણીએ જોર પકડ્યું છે. કર્ણાટક સરકારના બે મંત્રીઓએ દલિત સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે.
કર્ણાટકના મંત્રી કેએચ મુનિયપ્પા(KH Muniyappa)એ માંગ કરી છે કે ‘સમય આવે ત્યારે’ દલિત સમાજના વ્યક્તિને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે. મુનિયપ્પાની આ માંગને રાજ્યના અન્ય મંત્રી કે.એન. રાજન્ના(KN Rajanna) દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ કહ્યું કે, “આવું કેમ ન થઈ શકે? લોકશાહી વ્યવસ્થામાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પદ માટે ઈચ્છા રાખી શકે છે. આમાં કંઈ ખોટું નથી. દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ માંગ કરવાનો અધિકાર છે. આખરે હાઇકમાન્ડ નિર્ણય લેશે. જે કોઈ (મુખ્યમંત્રી કે રાષ્ટ્રપતિ) બનવા માંગે છે, હું તેમની સાથે રહીશ.”
કર્ણાટકમાં દલિત મુખ્યમંત્રીની કોંગ્રેસમાં લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. દલિત સમાજના સિનિયર નેતાઓ જી. પરમેશ્વર અને એચસી મહાદેવપ્પાએ પણ ભૂતકાળમાં આ મુદ્દા પર વાત કરી છે. હાલમાં બંને સિદ્ધારમૈયા કેબિનેટમાં મંત્રી છે. આ વિષય પર પત્રકારો સાથે વાત કરતા કે.એચ. મુનિયપ્પાએ કહ્યું કે, “હજુ સમય નથી આવ્યો કે કોઈ દલિત સમાજની વ્યક્તિને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવવામાં આવે. આ બાબતે અત્યારે વાત કરવી યોગ્ય નથી. કારણ કે સિદ્ધારમૈયા હાલમાં મુખ્યમંત્રી છે અને તેઓ પદ પર બન્યા રહેશે. પરંતુ જ્યારે સમય આવે ત્યારે દલિત સમાજની વ્યક્તિને પણ મુખ્યમંત્રી પદ માટે તક આપવી જોઈએ.”
આ પણ વાંચો: shailaja paik : ઝૂંપડપટ્ટીથી જિનિયસ ગ્રાન્ટ સુધી પહોંચનાર પ્રથમ દલિત મહિલા
કેએચ મુનિયપ્પા પોતે દલિત સમાજમાંથી આવે છે અને હાલમાં કર્ણાટકના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે વધુમાં કહ્યું કે, “અગાઉ જ્યારે ધરમ સિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, ત્યારે મેં માંગ કરી હતી કે મલ્લિકાર્જુન ખડગેના નામ પર વિચાર કરવામાં આવે. કારણ કે તેઓ પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે. ૨૦૧૩માં જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બન્યા, ત્યારે મેં જી પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વિનંતી કરી હતી. ભલે તે વખતે તેઓ ચૂંટણી હારી ગયા હતા. દલિતોને સશક્ત બનાવવાની જરૂર છે.”
કેએચ મુનિયપ્પાએ વધુમાં કહ્યું કે, “જ્યારે પરિવર્તનનો સમય આવશે ત્યારે હાઇકમાન્ડ નિર્ણય લેશે. આ એવી વસ્તુ નથી જે આપણે પોતાની મેળે કરી શકીએ. આ સમાજની અપીલ સરળ છે – અમને એક તક આપો અને અમે હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયનું પાલન કરીશું.”
રાજકીય વર્તુળોમાં, ખાસ કરીને શાસિત કોંગ્રેસમાં, આ વર્ષના અંતમાં મુખ્યમંત્રી પરિવર્તનની શક્યતા અંગે અટકળો ચાલી રહી છે. આ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ‘સત્તાની વહેંચણી’ ના કરારનો હવાલો આપવામાં આવે છે. કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને બદલવાની પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે શિવકુમાર સામાન્ય કાર્યકાળ કરતાં ઘણા લાંબા સમયથી આ પદ પર છે. જોવાનું એ રહેશે કે જાહેરમાં દલિતોને તેમના હકો અપાવવાની વાત કરતી કોંગ્રેસ અને તેનું હાઈ કમાન્ડ કર્ણાટકમાં એક દલિતને મુખ્યમંત્રી બનાવે છે કે નહીં.
આ પણ વાંચો: ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની