થોડા દિવસ પહેલા ભરૂચ જિલ્લામાં વસાવા આદિવાસી સમાજનો યુવક હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન કરવા માટે પહોંચ્યો હતો. આ ઘટનાના અનેક વીડિયો અને રિલ્સ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા. એક આદિવાસી યુવક ખુદની મહેનતથી કમાયેલા રૂપિયાથી હેલિકોપ્ટરમાં બેસીને જાન જોડે તે આદિવાસી સમાજ માટે બહુ મોટી ઘટના ગણાય. જો કે કેટલાક ટીળખી મનુવાદી તત્વોને એક આદિવાસી યુવકની આ જાહોજલાલી ગમી નહોતી અને તેમણે સોશિયલ મીડિયામાં બિભત્સ કોમેન્ટ કરી હતી. જેની સામે હવે આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને તેમણે દેખાવો કર્યા છે. ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજને લઇ એક યુવકે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતાં આજે આદિવાસી સમાજે હાથમાં તીર-કામઠાં સાથે રેલી યોજીને કલેક્ટર કચેરીએ એકત્ર થઇને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે.
મામલો શું છે?
આ અંગે વિગતે વાત કરીએ તો તાજેતરમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી વસાવા આદિવાસી સમાજનો યુવાન ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈને લાલાભાઇ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ, માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી હતી. જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
આ પણ વાંચો: કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?
આ વાત સમાજના લોકોમાં ફેલાતા આજે રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર-કામઠાં સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા, દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.
આ અંગે આદિવાસી નેતા મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, “દેશના રાષ્ટ્રપતિ આદિવાસી સમાજમાંથી આવે છે. આ સમાજ પર આવી અભદ્ર ટિપ્પણી યોગ્ય નથી. આદિવાસી યુવક હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન કરવા જાય તે આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. આવનારા સમયમાં આ સમાજ વિમાન લઇને પણ જાન જોડશે. પણ કેટલાક લોકોથી આદિવાસી સમાજની આ પ્રગતિ જોવાતી નથી. તેથી તેઓ બિભત્સ કોમેન્ટ કરે છે. અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી કરી છે કે આ મામલે જલદીથી તપાસ કરવામાં આવે. આદિવાસી સમાજ અમારો ટાઇગર છે, જંગલમાંથી ક્યારે છલાંગ મારશે એ ખબર નહીં પડે. એટલે વહીવટી તંત્રને અમારી રજૂઆત કહો કે ચેતવણી કહો, જે કહો એ છે. આવા તત્વોને ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: 4 પોલીસ સ્ટેશનની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો