‘તારા બાપનો રસ્તો છે?’ કહી દેવીપૂજકોએ દલિત યુવકો પર હુમલો કર્યો

તારાપુરના આંબલીયારામાં દેવીપૂજકોએ રસ્તા બાબતે દલિત યુવકોને રોકી, જાતિવાચક અપમાન કરી હુમલો કર્યો. ત્રણ શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
attacked Dalit youths in Ambliyara Tarapur

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના આંબલીયારા ગામમાં દેવીપૂજકો દ્વારા બે દલિત યુવકોને માત્ર રસ્તો પસાર કરવા જેવી સામાન્ય બાબતે જાતિસૂચક અપશબ્દોનો પ્રયોગ કરી લાકડીઓ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવતા હોબાળો મચી ગયો છે. પોલીસે આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

આ ઘટનાની મળતી વિગતો મુજબ, ફરિયાદી રાહુલકુમાર જયંતિભાઈ રોહિત અને તેમના મિત્ર મેહુલ સોલંકી પોતાના મિત્ર તરુણને કલર આપવા માટે આંબલીયારા ગામમાં ગયા હતા. કલર આપીને પરત ફરતી વખતે વાલ્મીકિવાસ પાસે રસ્તામાં એક બોલેરો પીકઅપ આડી પડેલી હોવાથી રાહુલકુમારે ચાલક દિનેશભાઈ ચિકાભાઈ દેવીપૂજકને ગાડી સાઈડમાં લેવા વિનંતી કરી હતી. જેનાથી ઉશ્કેરાઈ ગયેલા દિનેશભાઈ દેવીપૂજકે “આ તારા બાપનો રસ્તો નથી” કહીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. વિવાદ વકરતા દિનેશભાઈ ગાડીમાંથી લાકડી કાઢીને મારવા ધસી આવ્યા હતા. એ પછી ગોવિંદભાઈ પશાભાઈ દેવીપૂજક અને પશાભાઈ મોતીભાઈ દેવીપૂજક પણ લાકડીઓ લઈને યુવકોને મારવા આવી પહોંચ્યા હતા. હુમલાખોરોએ દલિત યુવકોને જણાવ્યું હતું કે તમારે અહીંથી નીકળવાનું નહીં. જો ફરીથી અહીંથી નીકળ્યા તો જીવતા નહીં છોડીએ.

આ પણ વાંચો: ધોળકાના લોલીયાના વિજય ચાવડાની હત્યાના 5 આરોપીઓને આજીવન કેદ

મામલો થાળે પડી ગયા પછી ફરી બબાલ કરી

આ ઘટના બાદ ગ્રામજનો અને સમાજના આગેવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો, જેથી તે સમયે પોલીસ ફરિયાદ થઈ ન હતી. જોકે, તેનાથી હુમલાખોરોની હિંમત વધી ગઈ હતી અને તેમણે રાહુલના ભાઈ વિનયને પણ રસ્તામાં રોકીને બેફામ ગાળો બોલીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વારંવાર થતી હેરાનગતિ અને જાતિગત અપમાન સહન ન થતા અંતે રાહુલ રોહિતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તારાપુર પોલીસે આ મામલે દિનેશભાઈ, ગોવિંદભાઈ અને પશાભાઈ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો (એટ્રોસિટી એક્ટ) ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: વાસણાના દલિત યુવકની આત્મહત્યાના 80 દિવસ પછી પણ આરોપીઓ ફરાર

શું દેવીપૂજકો પણ પોતાને સવર્ણ સમજે છે?

આ ઘટનાનું સૌથી ચિંતાજનક અને વિશ્લેષણ માંગી લે તેવું પાસું હુમલાખોરોની સામાજિક પૃષ્ઠભૂમિ છે. હુમલો કરનાર આરોપીઓ દેવીપૂજક સમાજના છે અને તેઓ અન્ય પછાત વર્ગ (OBC) માં આવે છે. હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થાના માળખામાં સવર્ણ ગણાતા ઉચ્ચ જ્ઞાતિ સમૂહો દ્વારા દેવીપૂજક સમાજને અત્યંત તુચ્છ નજરે જોવામાં આવે છે. આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે અને આર્થિક રીતે પણ આ સમાજ સંઘર્ષ કરી રહ્યો છે.

તેઓ ખુદ વર્ણવ્યવસ્થાના પીડિત છે અને તેમ છતાં તેઓ દલિતો સામે અસ્પૃશ્યતા અને નફરત આચરે તે આશ્ચર્યજનક છે. મનોવૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિએ આ એક ‘ગ્રેડેડ ઇનઇક્વાલિટી’ (સ્તરબદ્ધ અસમાનતા) છે, જ્યાં દરેક પછાત વર્ગ પોતાની નીચે એક બીજો વર્ગ શોધી લે છે જેથી તે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી શકે. દલિતોથી ‘અભડાવાની’ કે તેમને રસ્તા પરથી પસાર થતા અટકાવવાની આ માનસિકતા દર્શાવે છે કે જાતિવાદના મૂળિયાં માત્ર સવર્ણો પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે શિક્ષણના અભાવે પછાત વર્ગોમાં પણ ઘર કરી ગયા છે.

આ પણ વાંચો: ન્યાય કે મજાક? ઉના કાંડમાં 10 વર્ષ બાદ 5 આરોપીને માત્ર 5 વર્ષની સજા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x