digital bathing business in the name of mahakumbh : તમે મહાકુંભમાં જવા માંગો છો, પણ જઈ શકતા નથી, તમને ભીડથી ડર લાગે છે, ટ્રેનની ટિકિટ મળી શકતી નથી અથવા માઇલો ચાલવાનું ટાળવા માંગો છો? કોઇ વાંધો નહી. જો તમે શ્રદ્ધાની સાથે પ્રતીકવાદમાં પણ માનતા હોવ તો, તમે ઘરે બેઠા પણ કુંભ સ્નાન કરી શકો છો. કારણ કે કેટલાક તત્વો આનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને મહાકુંભ સ્નાનને મોટાપાયે ધંધો બનાવી દીધો છે.
ભારતને એમ જ કંઈ જુગાડનો દેશ નથી કહેવાતો. અહીં ઘણા બધા ‘તેજસ્વી’ લોકો રહે છે. આવા જ કેટલાક લોકો હવે ઘરે બેઠાં લોકોને મહાકુંભમાં સ્નાન કરાવી રહ્યાં છે. આને ‘ડિજિટલ સ્નાન’ જેવું નામ આપવામાં આવ્યું છે. તમારે કંઈ કરવાનું નથી, ફક્ત તમારો ફોટો વોટ્સએપ પર મોકલો. જેવો તમે ફોટો મોકલ્યો કે ત્યાં તરત તમારું ગંગામાં સ્નાન થઈ જશે. મતલબ, તમારા ફોટો દ્વારા મહાકુંભ સ્નાન થઈ ગયું. એ પછી તમારે માની લેવાનું છે કે, તમારા બધાં પાપ પણ ધોવાઈ ગયા છે.
આ કોઈ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં કહેવામાં આવેલો જોક્સ નથી, પણ હકીકતમાં આવું થઈ રહ્યું છે. અને દાદ તો એ વાતની આપવી પડે કે આ લોકો તેનું માર્કેટિંગ પણ કરી રહ્યાં છે.
હાલ સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર કેટલાક પોસ્ટર અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે તમારો ફોટો વોટ્સએપ પર મોકલશો, તો તેને ગંગામાં ડૂબકી મરાવીને તમને મહાકુંભમાં સ્નાન કરાવી દેવામાં આવશે. આ રીતે તમે પણ કથિત ‘૧૪૪ વર્ષ’ પછી આવેલા મહાકુંભનું ‘મહાન પુણ્ય’ મેળવી શકો છો. જો તમને વિશ્વાસ ન આવે તો નીચે આપેલો આ વીડિયો જુઓ.
આ વીડિયો દીપક ગોયલ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો બનાવનાર વ્યક્તિ પોતાનું નામ દીપક ગોયલ પણ જણાવી રહ્યો છે. વિડીયો જોતી વખતે, મને સૌથી વધુ હસવું આવ્યું જ્યારે આ વ્યક્તિએ કહ્યું કે તેઓ મહાકુંભમાં ડિજિટલ સ્નાન પૂરું પાડવા માટેનું ‘સ્ટાર્ટઅપ’ ચલાવી રહ્યા છે.
સ્ટાર્ટઅપના નામે પૈસા કમાવાની આ પદ્ધતિ ઘણા લોકોને પસંદ આવી નથી. વીડિયો જોયા પછી એક વ્યક્તિએ લખ્યું, “તમે સનાતન ધર્મની મજાક ઉડાવી રહ્યા છો, તમને શરમ નથી આવતી?” ચેનલે આનો જવાબ આપ્યો- “અત્યાર સુધીમાં 12,000 લોકોએ અમારી સેવાનો લાભ લીધો છે.”
આ ડિજિટલ સ્નાન માટે 3100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે આ કામ ઓછા પૈસામાં કરી રહ્યાં છે. અન્ય ‘સ્ટાર્ટઅપ્સ’ ૫૧૦૦ રૂપિયા સુધી ચાર્જ કરી રહ્યા છે.
જો કે કેટલાક લોકો તો આનાથી પણ ક્યાંય ઓછા દરે ડિજિટલ સ્નાન કરાવવાનો ધંધો લઈને બેસી ગયા છે. જે કામ બસો-પાંચસો રૂપિયામાં થઈ શકે તેમ છે તેના માટે ૩,૧૦૦ રૂપિયા શા માટે આપવા? કારણ કે કેટલાક લોકો ફક્ત 500 રૂપિયામાં ડિજિટલ કુંભ સ્નાન કરાવવા તૈયાર છે. તમે નીચે મૂકેલો ફોટો જુઓ. તેમાં લખેલું છે,
Modern problems require modern solutions! ₹500 for a digital holy dip—who needs to travel when your photo can take the plunge? Blessings, WiFi, and no wet clothes. #MahaKumbh #HolySnan #PhotocopyToMoksha pic.twitter.com/aEbizxdgOd
— pawan malhotra🇮🇳 (@malhotrapawan69) February 18, 2025
“૧૪૪ વર્ષમાં એક વાર આવતો અવસર!” દિવ્ય મહાકુંભમાં સ્નાન કરવાની છેલ્લી તક. તેને ચૂકશો નહીં. તમારો ફોટો વોટ્સએપ પર મોકલો. અમે તમારા ફોટાની ઝેરોક્ષ કઢાવીશું અને તેને પવિત્ર જળમાં ડૂબકી લગાવીશું. તેના ફાયદા: આત્માનું શુદ્ધિકરણ. મહાકુંભમાં ડૂબકી લગાવવાથી ભગવાન અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ક્ષણ તમારા જીવનમાં ફરી નહીં આવે.”
આ પોસ્ટરમાં આ કહેવાતા ‘આત્માની શુદ્ધિ અને પૂર્વજોના આશીર્વાદ’ ના પેકેજની કિંમત ફક્ત 500 રૂપિયા હોવાનું જણાવાયું છે. આ પોસ્ટર એક વકીલ સંજય હેગડેએ શેર કરીને મજાક કરતા લખ્યું છે કે, “જો હું ૫૦૦ રૂપિયાની નોટની ઝેરોક્ષ મોકલું તો સ્નાન થઈ જાય?”
આ પ્રકારના પાખંડ વિશે તમે શું વિચારો છો, માનો છો તે ચોક્કસ નીચે કોમેન્ટ કરીને જણાવશો.
આ પણ વાંચો: કુંભનું પાણી નહાવાલાયક નથી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ