તમિલનાડુમાં DMK કાઉન્સિલરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક દલિત અધિકારી પાસે જાહેરમાં તેમના પગ પકડાવી માફી માગતા દેખાઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં દલિત અધિકારી મહિલા કાઉન્સિલર રામ્યા રાજાના પગમાં પડીને કરગરતા અને માફી માગતા જોવા મળી રહ્યાં છે. ઘટના વાયરલ થતા હવે દલિત અધિકારીએ પોલીસ સ્ટેશનમાં પોતાના જાહેર અપમાનનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
મામલો તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાનો હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં મુનિઅપ્પન નામના એક દલિત અધિકારી ડીએમકેના મહિલા કાઉન્સિલર રામ્યા રાજાના પગમાં પડીને તેમની માફી માગતા જોવા મળે છે. જો કે મહિલા કાઉન્સિલર તેની મનાઈ કરતા અને વાંધો ઉઠાવતા સંભળાય છે. ખબરઅંતર.ઈન વીડિયોની પુષ્ટિ નથી કરતું.
ડીએમકે કાઉન્સિલરે ઘૂંટણિયે પડવાની ફરજ પાડી: દલિત અધિકારી
મંગળવારે પોલીસે જણાવ્યું હતું કે મુનિઅપ્પને એક લેખિત નિવેદનમાં દાવો કર્યો હતો કે તે સ્વેચ્છાએ કાઉન્સિલરના પગે પડ્યો હતો. જોકે, તેની નવી ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો છે કે ડીએમકે કાઉન્સિલરે તેને તેની સામે ઘૂંટણિયે પડીને માફી માગવા કહ્યું હતું, જેના કારણે તેને પોલીસનો સંપર્ક કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: દલિત યુવકને દારૂ પીવડાવી માથાભારે શખ્સે પાઈપ મારી હત્યા કરી
SC-ST એક્ટ હેઠળ કેસ નોંધાયો
મુનિઅપ્પનની ફરિયાદ પર કાર્યવાહી કરતા તમિલનાડુ પોલીસે રામ્યા અને કેટલાક અન્ય લોકો સામે SC-ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમે સીસીટીવી ફૂટેજ સહિત તમામ પુરાવા શોધી રહ્યા છીએ. અમે તમામ સંબંધિત પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ અને તપાસ ચાલી રહી છે.” પોલીસના જણાવ્યા અનુસાર, આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે રમ્યાએ અગાઉ મુનિઅપ્પન વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી હતી.
This is DMK’s model of Social Justice.
A public servant belonging to the Scheduled Caste community in Tindivanam was cornered continuously by DMK Councillors and was made to apologise by falling at the feet of the DMK Councillor Ramya. This is not the first time DMK has… pic.twitter.com/XrjNvtPvAN
— K.Annamalai (@annamalai_k) September 3, 2025
ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ ડીએમકે પર પ્રહારો કર્યા
આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કાયમ દલિત-આદિવાસી વિરોધી નિર્ણયો લેનાર ભાજપે આ મામલે ડીએમકેને દલિત વિરોધી ગણાવ્યો છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા તમિલનાડુ ભાજપના વડા કે. અન્નામલાઈએ સમગ્ર મામલાને ડીએમકેનું “સામાજિક અન્યાયનું મોડેલ” ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “તિંડીવનમમાં ડીએમકેના કાઉન્સિલરોએ એક અનુસૂચિત જાતિ સમાજના જાહેર સેવકને ડીએમકે કાઉન્સિલર રામ્યાના પગમાં પડીને માફી માંગવા માટે મજબૂર કર્યા. આ પહેલી વાર નથી જ્યારે ડીએમકેએ જાહેર સેવકોનું અપમાન કર્યું હોય. અગાઉ પણ ડીએમકેના મંત્રી થિરુ રાજા કન્નપ્પને એક સરકારી કર્મચારીને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. ડીએમકે જેને સામાજિક ન્યાય કહે છે તે વાસ્તવમાં સામાજિક અન્યાય સિવાય બીજું કંઈ નથી.”
DMK કાઉન્સિલરે વીડિયો મુદ્દે શું કહ્યું?
દલિત અધિકારી મુનિયપ્પનને આવું કેમ કર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે ડીએમકે કાઉન્સિલર રામ્યા રાજાએ મીડિયાને જણાવ્યું હતું કે કોઈએ તેમને મારા પગે પડવાનું કહ્યું નહોતું. તેઓ ભાવુક થઈ ગયા અને મારા પગે પડી ગયા.
રામ્યા અને તેના પતિ પર ધમકી આપવાનો આરોપ
આરોપ છે કે રામ્યા અને તેના પતિ રાજાએ દલિત અધિકારીને ધમકી આપી હતી અને અપશબ્દો કહ્યા હતા. મુનિયપ્પન કહે છે કે ડીએમકે કાઉન્સિલર રામ્યા રાજાએ તેમને એક દસ્તાવેજ લાવવા કહ્યું હતું અને તે શોધવામાં તેમને થોડો સમય લાગ્યો હતો. જેથી ગુસ્સે થઈને કાઉન્સિલર અને તેમના પતિએ જાતિસૂચક અપશબ્દો બોલીને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. બાદમાં, વરિષ્ઠ અધિકારીઓએ એક બેઠક યોજી અને તેમને પગે પડીને માફી માંગવા કહ્યું હતું.
આ પણ વાંચો: દલિત કાવડીયાને સવર્ણોએ મંદિરમાં જળ ચઢાવતા રોકી ફટકાર્યો