મંદિર સામેની ખાલી જમીન પર નમાજ પઢતા વૃદ્ધને બ્રાહ્મણ શખ્સે ફટકાર્યા

મંદિર સામેની ખાલી જમીન પર નમાજ પઢતા એક વૃદ્ધને બ્રાહ્મણ શખ્સ લાકડી લઈને તૂટી પડ્યો. ધાર્મિક નારા લગાવડાવ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Elderly man beaten up while offering prayers

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં આવેલા રુદ્રપુર વિસ્તારમાંથી એક અત્યંત વિચલિત કરનારી અને સામાજિક સૌહાર્દને ઠેસ પહોંચાડતી ઘટના સામે આવી છે. જગતપુરા સ્થિત પ્રસિદ્ધ અટરિયા મંદિરની સામે આવેલી એક ખાલી જમીન પર નમાજ પઢવા બદલ એક મુસ્લિમ વૃદ્ધ પર બ્રાહ્મણ શખ્સે દંડાથી નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને લઘુમતી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, પીડિતની ઓળખ શાહિદ તરીકે થઈ છે, જે રેશમ બાડી વિસ્તારનો રહેવાસી છે અને વ્યવસાયે મિસ્ત્રી છે. શાહિદ છેલ્લા કેટલાક દિવસોથી મંદિરની નજીકના એક વિસ્તારમાં બાંધકામનું કામ કરી રહ્યો હતો. હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલતો હોવાથી, નમાજનો સમય થતાં શાહિદ નજીકમાં આવેલી એક નિર્જન અને ખાલી પડેલી જમીન પર નમાજ અદા કરવા બેઠો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે વૃદ્ધ ઇબાદતમાં મગ્ન હતા, ત્યારે મંદિર વ્યવસ્થાપન સાથે જોડાયેલા હોવાનો દાવો કરતા કેટલાક શખ્સો હાથમાં લાકડીઓ અને ડંડા લઈને ત્યાં ધસી આવ્યા હતા. આ લોકોએ વૃદ્ધને નમાજ પઢતા અટકાવ્યા એટલું જ નહીં, તેમને ગાળો ભાંડીને લાકડીઓથી બેફામ માર માર્યો હતો. શરમજનક બાબત એ છે કે, હુમલાખોરોએ વૃદ્ધને પરાણે પકડી રાખીને તેમની પાસે ચોક્કસ ધાર્મિક નારા લગાવડાવ્યા હતા. વૃદ્ધ વારંવાર માફી માંગતા રહ્યા અને વિનંતી કરતા રહ્યા, છતાં હુમલાખોરોનું દિલ પીગળ્યું નહોતું.

આ પણ વાંચો: હિન્દુ પડોશીનું મોત થતા મુસ્લિમ યુવાનોએ મળીને અંતિમવિધિ કર્યા

ઘટના બાદ ભયભીત થયેલા શાહિદે પત્રકારોને જણાવ્યું હતું કે, “હું કોઈને નડતરરૂપ નહોતો કે કોઈના માર્ગમાં અવરોધ ઊભો નહોતો કર્યો. મંદિર પરિસર મારાથી ઘણું દૂર હતું અને હું એકાંતમાં નમાજ પઢી રહ્યો હતો. જો કોઈને વાંધો હતો તો તેઓ મને પ્રેમથી સમજાવી શક્યા હોત, હું ત્યાંથી જતો રહ્યો હોત. પરંતુ જે રીતે મને ફટકારવામાં આવ્યો અને મારી આસ્થાનું અપમાન કરવામાં આવ્યું, તે ન્યાયી નથી.”

આ અમાનવીય કૃત્યની જાણ થતાં જ રુદ્રપુરના મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પીડિત શાહિદને સાથે રાખીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે લેખિત ફરિયાદ આપી હતી. પ્રદર્શનકારીઓએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મુખ્ય હુમલાખોર અગાઉ એક હત્યાના કેસમાં દોષિત ઠરેલો છે અને હાલમાં તે પેરોલ પર જેલની બહાર છે. સ્થાનિકોનું માનવું છે કે આ વીડિયો જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યો છે જેથી વિસ્તારમાં કોમી તણાવ પેદા કરી શકાય.

આ મામલે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. નગર નિગમના કાઉન્સિલર પરવેઝ કુરૈશીએ આ ઘટનાની સખત નિંદા કરતા કહ્યું કે, “ભારત એક લોકશાહી દેશ છે અને અહીં દરેકને પોતાની આસ્થા પાળવાનો અધિકાર છે. કોઈ પણ નાગરિક સાથે આવી રીતે કાયદો હાથમાં લઈને મારપીટ કરવી તે અસ્વીકાર્ય છે. જો કોઈને વાંધો હતો, તો પોલીસ કે વહીવટી તંત્રને જાણ કરવી જોઈતી હતી.”

આ પણ વાંચો: સ્કૂલમાં પાણીની પાઈપને અડતા દલિત વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો

બીજી તરફ, કોંગ્રેસના મહિલા નેતા સોફિયા નાઝે રાજ્ય સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે ધર્મના નામે હિંસા અને પરાણે નારા લગાવડાવવા તે બંધારણની ભાવનાની વિરુદ્ધ છે.

જોકે, બીજી બાજુ મંદિરના મેનેજર અરવિંદ શર્માએ સ્પષ્ટ કર્યું છે કે મંદિરની માલિકીની જમીન પર કોઈ પણ અન્ય ધાર્મિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં, ભલે તેના માટે ગમે તેવા કાયદાકીય પરિણામો ભોગવવા પડે.

હાલમાં પોલીસે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બંને સમાજને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પીડિતની મેડિકલ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે વાયરલ વીડિયો અને પુરાવાઓના આધારે દોષિતો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ત્રણ મુસ્લિમ વૃદ્ધોને બજરંગ દળ કાર્યકરે દોડાવી-દોડાવીને ફટકાર્યા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x