ઠાકુરોએ 14મી એપ્રિલની રેલી રોકી, દલિતોએ ઠાકુરોની કળશ યાત્રા રોકી

દલિતોની સ્પષ્ટ વાત, "તમે ડો.આંબેડકરની રેલી તમારા ઘરેથી ન નીકળવા દીધી, તો અમે તમારા ભગવાનની યાત્રાને અમારા ઘર પાસેથી કેમ નીકળવા દઈએ."
dalit news

જેવા સાથે તેવા તે આનું નામ. એકતામાં મોટી તાકાત હોય છે અને આખો સમાજ જ્યારે એક થઈને પુરી તાકાતથી વિરોધીઓ સામે પડે છે ત્યારે ભલભલાં ચમરબંધીઓએ પણ નમતું જોખવું પડે છે. આવી જ એક ઘટના છેલ્લાં ત્રણ-ચાર દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

મળતી માહિતી મુજબ જાતિવાદી ઠાકુરોએ 14મી એપ્રિલ નિમિત્તે દલિતોએ યોજેલી રેલીને તેમના વિસ્તારમાંથી પસાર થવા દીધી નહોતી. જેના કારણે દલિત સમાજને ભારે દુઃખ થયું હતું. હવે એ ઘટનાના એક મહિના પછી ઠાકુરોએ ગામમાં ભાગવત કથા યોજી હતી અને તે નિમિત્તે કળશયાત્રા કાઢી હતી. જેને દલિતોએ પોતાના વિસ્તારમાંથી પસાર થવા દીધી નહોતી. દલિતોના વિરોધના કારણે બે કલાક સુધી કળશયાત્રા રોકવી પડી. આખરે પોલીસે દરમિયાનગીરી કરીને માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો. આવું પહેલીવાર બન્યું હતું કે, ઉત્તરપ્રદેશના કોઈ ગામમાં માથાભારે ઠાકુરો સામે દલિતો આ રીતે સીધા ઘર્ષણમાં ઉતર્યા હોય.

dalit news

ઈટાહ જિલ્લાના જૈનપુરા ગામની ઘટના

ઘટના ઈટાહ જિલ્લાના જાલેસર તાલુકાના જૈનપુરા ગામની છે. જ્યાં ભાગવત કથા પહેલા યોજાયેલી કળશ યાત્રાને રોકવા અંગે દલિત સમાજના યુવાનો અને ઠાકુરો વચ્ચે વિવાદ થયો હતો. જેને પોલીસ અને વહીવટી અધિકારીઓએ માંડ માંડ સમજાવટથી શાંત પાડ્યો હતો. જૈનપુરામાં રવિવારે શ્રીમદ્ ભાગવત કથાના આયોજન પહેલા કળશ યાત્રાને લઈને દલિત સમાજના કેટલાક યુવાનો અને ઠાકુરો વચ્ચે ઘર્ષણ થયું હતું. સાંજે લગભગ ચાર વાગ્યે કળશ યાત્રા કાઢવાની હતી પરંતુ એ દરમિયાન દલિત યુવાનોએ તેને પોતાના ઘર પાસેથી પસાર થવા દેવાનો ઈનકાર કર્યો હતો. દલિતોનું કહેવું હતું કે, ઠાકુરોએ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની રેલીને તેમના વિસ્તારમાંથી પસાર થવા દીધી નહોતી, તો અમે શા માટે તેમના ભગવાનની કળશયાત્રાને અમારા વિસ્તારમાંથી પસાર થવા દઈએ?

હોબાળાને કારણે બે કલાક સુધી યાત્રા રસ્તા વચ્ચે રોકાઈ

આ ઘટનાથી ઠાકુરો સહિત સવર્ણ હિંદુઓ અને દલિત યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિવાદની માહિતી મળતા જ જલેશ્વર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડૉ. સુધીર રાઘવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય પછી પોલીસે બંને પક્ષના લોકોને શાંત પાડ્યા હતા. આ સમય દરમિયાન સવર્ણ મહિલાઓ માથા પર કળશ લઈને બે કલાક જેટલો સમય રસ્તા વચ્ચે ઉભી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ પણ વાંચો: Wikipedia ની ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં દલિતો ગાયબ

આયોજકે પરવાનગી વિના કળશયાત્રા યોજી?

ભાગવત કથાના આયોજક યશ જાદૌન પર પોલીસ કે વહીવટી તંત્રની પરવાનગી વિના જ આ કળશયાત્રાનું આયોજન કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. જો કે, તેણે દલિતો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડૉ.આંબેડકરની શોભાયાત્રા ગામમાં ક્યારેય કાઢવામાં આવી નથી. દલિતોએ પરવાનગી વિના આ શોભાયાત્રા કાઢી હતી. અમે કોઈ નવી પ્રથા શરૂ કરવા માંગતા નહોતા. એટલે અમે રેલીને અમારા ઘર બાજુ આવવા દીધી નહોતી. (હકીકત એ છે કે, સવર્ણ હિંદુઓ ડો.આંબેડકર દલિત હોવાથી તેમને આજે પણ સ્વીકારી શકતા નથી અને એટલે જ બંધારણના ઘડવૈયાના જન્મદિવસની શોભાયાત્રા સમગ્ર ભારતના કોઈ સવર્ણ હિંદુઓના વિસ્તારોમાંથી પસાર થઈ શકતી નથી.)

ગામમાં સામૂહિક બેઠકનું આયોજન કરાયું

આ ઘટનાની માહિતી મળતા જ જલેશ્વર સર્કલ ઓફિસર જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ, એસડીએમ ભાવના વિમલ અને નાયબ મામલતદાર વાજિદ અલી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસડીએમ ભાવના વિમલએ જણાવ્યું હતું કે જૈનપુરા ગામમાં એક સામૂહિક સભાનું આયોજન કરવામાં આવશે જેમાં બંને પક્ષોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ઝઘડાની શક્યતા ન રહે. આ દરમિયાન, જલેશ્વર પોલીસે કાર્યવાહી કરી છે અને જૈનપુરામાં કળશ યાત્રાને અટકાવનારા 20 દલિતોને નોટિસ મોકલી છે, જેના કારણે આ મુદ્દો ફરી એકવાર ઉગ્ર બન્યો છે.

સવર્ણોએ પોલીસ સુરક્ષા વચ્ચે રામ કથા શરૂ કરી

14મી એપ્રિલની રેલીને ગામના સવર્ણોએ પોતાના વિસ્તારમાંથી નીકળવા દીધી નહોતી એ ઘટનાને લઈને જૈનપુરાના દલિતોમાં ભારે રોષ ફેલાયો હતો. જેના કારણે તેમણે ઠાકુરોની કળશયાત્રા રોકી હતી. હવે સવર્ણોને દલિતોનો ડર લાગ્યો છે. જેના કારણે તેમણે પોલીસ સુરક્ષા વચ્ચે ભાગવત કથા શરૂ કરી છે.

આ પણ વાંચો: બોટાદમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વિશાળ ધમ્મ પદયાત્રા યોજાઈ

સવર્ણ હિંદુઓ અને ઠાકુરોએ ભાગવત કથા માટેની કળશ યાત્રા કાઢવા માટે કોઈ પરવાનગી લીધી નહોતી. તેમ છતાં પોલીસે તેમની તરફેણ કરી હતી અને તેમને યાત્રા કાઢવા દીધી હતી. જેના કારણે દલિતોને તેમની સાથે અન્યાય થઈ રહ્યાની લાગણી અનુભવાઈ હતી. કેમ કે, 14મી એપ્રિલની રેલીનો ઠાકુરોએ એમ કહીને જ વિરોધ કર્યો હતો કે તેની પરમિશન લેવામાં આવી નથી અને અમારા વિસ્તારમાંથી કદી ડો.આંબેડકરની રેલી નથી નીકળી એટલે આજે પણ નહીં નીકળે.

ઘટનામાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ

આ આખી ઘટનામાં જલેશ્વર પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાય છે. પોલીસે 14મી એપ્રિલ નિમિત્તે યોજાયેલી દલિતોની રેલીને ઠાકુરોએ પોતાના વિસ્તારમાં પ્રવેશતી રોકી ત્યારે ઠાકુરો સામે કોઈ કાર્યવાહી કરી નહોતી. પરંતુ દલિતોએ જ્યારે ઠાકુરોની કળશયાત્રાનો વિરોધ કર્યો હતો પોલીસે તરત દલિત સમાજના લોકોને નોટિસ ફટકારી દીધી હતી. આ સ્પષ્ટ રીતે સવર્ણ હિંદુઓની તરફદારી કરતું વલણ હતું.

યુપીની પોલીસ પર કેટલો ભરોસો કરી શકાય?

હાલ તો પોલીસ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. રામ કથાના પાંચમા દિવસે, પોલીસની હાજરીમાં કથા યોજાઈ હતી. આ આખી ઘટનામાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે અને તેઓ દલિતોને ગુનેગાર ચીતરી રહી હોય તેમ દેખાય છે.

જલેશ્વર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડૉ. સુધીર રાઘવે જણાવ્યું હતું કે આ આખી ઘટના પાછળ ભીમ આર્મીના કેટલાક કાર્યકરોનો હાથ છે અને તેઓ જ વિરોધ કરી રહ્યાં છે. જો કે આ ઉત્તરપ્રદેશની પોલીસ છે અને તેઓ કોઈ કાળે ભરોસો થઈ શકે તેમ નથી.

આ પણ વાંચો: અમદાવાદ શહેર ભાજપ SC મોરચો ચાની કીટલીએથી ચાલે છે!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x